રેસકોર્સમાં પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ આયોજીત ભાઈશ્રીની ભાગવત કથાનો પ્રારંભ: પોથીયાત્રામાં ભાવિકો ઉમટયા: ઢોલ, શરણાઈના તાલ અને શિવસ્તુતિએ શહેરના રાજમાર્ગો પર ધર્મમય માહોલ રચાયો
પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના લાભાર્થે આજથી રેસકોર્સ મેદાનમાં ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાની કથાનો ભકિતમય તેમજ આસ્થામય વાતાવરણમાં પ્રારંભ થયો હતો. કથાના પ્રારંભમાં રમેશભાઈ ઓઝાએ કહ્યું હતું કે, મારા માં-લક્ષ્મી માં, ૐ નમ:શિવાય મંત્રનું રટણ કરતા કરતા શિવધામ ગયા, આથી આપણે પૂણાહૂતિ નિર્ધારી હતી, એ દિવસે આ કથાનો પ્રારંભ કરીએ છીએ.
પ્રકૃતિ બદલે છે, પુરુષ બદલતો નથી, શરીર બદલે છે, ચૈતન્ય એનું એ જ રહે છે, સતીનું શરીર છુટે પછી હિમાલય પુત્રી પાર્વતીના ‚પમાં પ્રગટ થાય છે પણ મહાદેવ તો એના એ જ રહે. પંચનાથ પંચમહાભૂત છે. પંચમહાભુત સાથે મન-બુદ્ધિ-ચિત ભળે તેને અષ્ટધા પ્રકૃતિ કહે છે. આપણું શરીર એ પંચમહાભૂતથી બનેલું પુતળુ છે. મનબુદ્ધિ અને અહંકાર હોય તે અષ્ટઘા પ્રકૃતિ છે. શરીર બદલતું હોય છે. શરીરમાં પરિવર્તન થતા રહે એ પ્રકૃતિનો નિયમ છે.
ભગવાન શિવ, ભગવાન રામને પ્રણામ કરે છે અને પાર્વતી પ્રણામ નહીં પણ પ્રશ્ર્ન કરે છે એ કથા કરીને રમેશભાઈ ઓઝાએ ઉમેર્યું હતું કે, રામ રાજયનો રાજા એટલો અણિશુદ્ધ હોવો જોઈએ તે તેની સામે કોઈ આંગળી ચીંધી શકે નહીં.
રાજા રામે રાણી સિતાનો ત્યાગ કર્યો હતો પત્નિ સીતાનો નહીં, શિવે પણ સતિનો નહીં પણ સંબંધનો ત્યાગ કર્યો હતો. પોથીયાત્રામાં મોટી સંખ્યામાં લોકો પરીવાર સાથે જોડાયા હતા. રસ્તામાં પણ ઉભેલા લોકો-ભાવિકજનોએ પોથીજીના ભાવપૂર્વક દર્શન કર્યા હતા.
પંચનાથ મહાદેવ મંદિરેથી સવારે ૭:૩૦એ પોથીયાત્રા આરંભાઈ હતી. શીવ તાંડવના ઘોષ પંચનાથ માર્ગ પર ગુંજયા હતા. રજવાડી બગીમાં ભાગવત પોથી રાખવામાં આવી હતી અને એના પર સૌએ ભાવસભર પુષ્પો અર્પણ કર્યા હતા. ઢોલ, શરણાઈના તાલ અને સુર તથા શિવ સ્તુતિએ માહોલ ધર્મમય બનાવી દીધો હતો. સુભાષભાઈ બોદર, સંદિપભાઈ ડોડીયા, ધી‚ભાઈ ડોડીયા તથા ડોડિયા પરિવાર અને પ્રજ્ઞેશભાઈ જાનીના પરિવાર સાથે ૧૮-યજમાન પરિવારો જોડાયા હતા તથા સભ્યોએ પોથી ઉપાડીને પધરાવી હતી.
પંચનાથ મંદિરથી હરિહર ચોક, ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન થઈને પોથીયાત્રા ફનવર્લ્ડ પાસે પહોંચી ત્યારે વોહરા સમાજના બેન્ડની સુરવલીઓએ અનોખો માહોલ ઉભો કર્યો હતો. વિઠ્ઠલ વિઠ્ઠલની ધુન, અને અન્ય ધૂનોએ આકર્ષણ જમાવ્યું હતું. જયાં જયાંથી પોથી યાત્રા પસાર થઈ ત્યાં લોકોએ પોતાના વાહનો રોકી પોથીના દર્શન કર્યા હતા.સવારે પોથી યાત્રામાં ધોડેસ્વાર બાળકોએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. શહેરમાં આજથી ૮ દિવસ આ અનેરો ધર્મોત્સવ શ‚થયો છે. પોથીયાત્રા કથાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં હજારો ભાવિકોએ પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું હતું.