ડિઝિટલ ડેસ્ટ, અબતકઃ ગુજરાતમાં આવેલા તાઉતે વાવાઝોડાની સૌથી વધુ અસર જો કોઇ પાકને થઇ હોય તો એ છે ફળોનો રાજા કેરી. ગુજરાત પર આવેલી તાઉતે વાવાઝોડાની ભયાનકતાનો સૌથી વધુ સામનો દરિયાઇ પટ્ટા પર આવેલા પોરબંદર, અમરેલી અને ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાએ કરવો પડ્યો છે. આ જિલ્લામાંથી ગીર સોમનાથ અને અમરેલીમાં હાલ સીઝન પ્રમાણે ડાળીઓ પર કેરી લૂમેઝૂમે હોય છે. પરંતુ અચાનક આવેલા તાઉતે વાવાઝોડાએ બધુ તહસનહસ કરી નાખ્યું. વાવાઝોડા બાદ તસવીરો સામે આવી રહી છે જેમાં કેરીઓનો સોથ વળી ગયો છે. રસ્તા પર કેરીઓનો ઢગલો થઇ ગયો છે.
સીઝન ટાણે જ આવ્યું વાવાઝોડું
કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. ઉનાળામાં બાળકોથી માંડી મોટેરાઓ પણ કેરીની સીઝનની આતૂરતા પૂર્વક રાહ જોવે છે. કેરીનો ફાલ ઉનાળામાં આવે છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી લઇને જુનના પ્રથમ દશ દિવસ સુધી કેરીઓ પુષ્કળ પ્રમાણમાં થાય છે. અત્યારના સમયે આંબા પર કેરીઓ એટલી હોય છે કે તેના વજનથી ડાળીઓ નમી જાય છે. પરંતુ આ વખતે વર્ષો બાદ મે મહિનામાં વાવાઝોડું અને ભારે વરસાદ ખાબકતા ખેડૂતો અવઢવમાં મૂકાઇ ગયા છે. ખાસ કરીને કેરીને લઇને કરોડો રૂપિયાનું નુકશાન ભોગવવાનો વારો આવી શકે છે એવું ખેડૂતોનું અનુમાન છે.
આંબાના બગિચાના માલિકોને પડ્યા માથે પાટું !!
આજથી ચારથી પાંચ મહિના પહેલા જે આંબાના બગિચાના માલિકો જેટલા હરખાતા હતા તેટલો જ રડવાનો વારો હવે આવ્યો છે. કારણ કે આ વખતે આંબા પર મબલખ ફાલ આવ્યો હતો જે જોઇને એવું લાગતું હતું કે આ વખતે કેરીનો પાક સારો થશે પરંતુ છેલ્લા બે મહિનામાં વાતાવરણમાં આવેલા અનેક પલટાને કારણે કેરી પર નજર લાગી ગઇ અને જોઇએ તેટલું ઉત્પાદન થયું નહીં. ઉત્પાદન ઓછું થવાને કારણે બજારમાં મળતી કેરીઓનો ભાવ પર એટલો જ ઉંચો બોલાયો. હજુ તો મે મહિનાની શરૂઆતમાં જ કેરીઓ હજુ તો માર્કેટિંગ યાર્ડના દરવાજે જ પહોંચી હતી. આંબા પર કેરીઓ એટલી આવી હતી કે ડાળીઓ પર ટેકા ભરાવવા પડતા હતાં. કેટલાક ખેડૂતો આંબા પરથી કેરી ઉતારવાનું શરૂ જ કર્યું હતું કે ત્યાં તાઉતેની આફત આવી ગઇ. વાવાઝોડાએ ખેડૂતોની આશા પર પાળી ફેરવી દીધું અને સ્થિતિ એવી સર્જાઇ છે કે 15થી 50 વિઘામાં જે ખેડૂતોએ આંબા વાવ્યા હતા તેઓ પાયમાલ થઇ ગયા છે.