તાજેતરમાં જૂનાગઢ ઉત્તર રેન્જના વિડીવાળી અને બેડાવાળી બીટના સરક્યુલર રોડ પાસે 3 ગાયનું સિંહ દ્વારા મારણ થયું હતું. આ ખેદજનક દુર્ઘટના સિંહ તેમજ પશુઓના કુદરતી સ્વભાવના કારણે બની છે. માલધારીની ગાયો વન કર્મીઓએ સિંહને ખવડાવી દીધી હોવાની વાત પાયાવિહોણી હોવાનું જૂનાગઢ ડીસીએફ.એ જણાવ્યું હતું.
જૂનાગઢ વન વિભાગ ડુંગર ઉત્તર રેન્જ હેઠળ આવતા રણશિવાવ રાઉન્ડમાં વન રક્ષા સહાયક રતનપરા બીટમાં ફેરણામાં હતા. ત્યારે આ દરમિયાન ગીરનાર અભયારણ્ય વિસ્તારમાં માલઢોર દ્વારા ગેરકાયદેસર ચરિયાણ થતું હોવાનું તેમના ધ્યાને આવતા વન્યપ્રાણી (સંરક્ષણ) અધિનિયમ અંતર્ગત અપપ્રવેશ અને ગેરધોરણે ચરિયાણ કરાવવાનો ગુન્હા હેઠળ ધોરણસરની કાર્યવાહી કરતાં કુલ 11 ઢોરને રોકાવેલ હતા.
ત્યારબાદ રાઉન્ડ ફોરેસ્ટર દ્વારા ઢોરના માલિક અંગે તપાસ કરી તેનો સંપર્ક કર્યો હતો. અને માલિકને દંડ ભરીને ઢોર લઈ જવા કહેવાયું હતું. પરંતુ તેઓ ઢોરને લઈ જવા તૈયાર ન થતા પશુઓની સુરક્ષા માટે રણશીવાવ થાણા નજીક રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ભલગામ ગૌશાળાનો સંપર્ક કરતા અને સહમતી મળતા પશુઓને ત્યાં લઈ જવા માટે પિકઅપ વાહન મંગાવેલ હતું.
આ દરમિયાન બે કર્મચારીઓને રસ્તામાં એક સિંહણ થાણા તરફ આવતી ધ્યાને આવી હતી. તેમના દ્વારા સિંહણને થાણાથી દૂર રાખવાના પ્રયાસ દરમિયાન સિંહણે ગર્જના કરેલ. એ સમયે થાણામાં વીજળી જતા અંધારામાં સિંહની ગર્જનાથી રોકાયેલ માલઢોર ભડકીને ભાગેલા અને દોરી વડે બંધાયેલા ઢોર થાણાનો ગેટ તોડી જંગલ વિસ્તારમાં નાસી ગયેલ. તરત જ રાત્રિના અંધારામાં રાઉન્ડ ફોરેસ્ટર દ્વારા સાથી કર્મચારીઓ સાથે ભડકીને ભાગી જતાં માલઢોરની શોધખોળ હાથ ધરતા વિડીવાળી બીટના ત્રણ રસ્તા પાસે બે ગાય અને બેડાવાળી બીટના સરક્યુરલ રોડ પાસે એક ગાયનું મારણ સિંહ દ્વારા થયેલ હતું.
આ પ્રકરણમાં વન વિભાગ દ્વારા માલઢોરને સાંજ પહેલા સુરક્ષિત લઇ જવા માટે ઢોર માલિકને વારંવાર જાણ કરવામાં આવી હતી. તેમજ આગેવાન મારફત પણ જણાવેલ હતું. આમ છતા તેમના તરફથી કોઇ સહકાર મળેલ ન હતો. આ અંગે જૂનાગઢ ડીસીએફ એ વધુમાં જણાવ્યું હતું કે, માલઢોરની સુરક્ષા તેમજ સાચવણીમાં રાઉન્ડ કર્મચારીઓ દ્વારા શક્ય એટલી પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. આમ છતાં સિંહ તેમજ ઢોરના કુદરતી સ્વભાવના કારણે આ દુ:ખદ દુર્ઘટના થયેલ છે.