ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડ્યો: ત્રણ દિવસમાં શહેરમાં બીજી લોથ ઢળતા ખળભળાટ
શહેરમાં પોપટપરા પાસે આવેલા રોણકી ગામમાં માત્ર રૂ૭૦ ની ઉઘરાણીના પ્રશ્ને મિત્રએ જ મિત્રને છરીના બે ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યાની ઘટના ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાઈ હતી. યુવાન પર હુમલો કરી નાસી ગયેલા હત્યારાને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલાયો હતો. ઉર્ષના તહેવાર પર થયેલી માત્ર રૂ ૭૦ની લેતી દેતી મામલે મિત્રએ જ મિત્રનું કાશળ કાઢી નાખ્યું હતું.શહેરમાં માત્ર ત્રણ દિવસમાં જ બીજી લોથ ઢળતા ખળભળાટ મચી જવા પામી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મૂજબ મોરબી રોડ પર રોણકી ગામે રહેતા અને સાડીના કારખાનામાં કામ કરતા અશોક છગનભાઇ રાઠોડ નામના ૩૦ વર્ષનો યુવાન ગત રાતે પોતાના ફળિયામાં સૂતો હતો ત્યારે પાડોશમાં રહેતા અનિલ કેશુ ઝીંઝુવાડીયાએ આવી છરીના ઘા મારતા અશોક રાઠોડે બુમાબુમ કરી હતી. ચીસો સંભાતતા યુવાનના ઘરના બહાર દોડી આવતા અનિલ ઝીંઝુવાડિયા નાસી ગયો હતો.અશોક રાઠોડને લોહિયાળ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ટૂકી સારવારમાં જ યુવાને દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પીઆઇ કે.એ. વાળા સહિતનો સ્ટાફ હોસ્પિટલ દોડી મૃતકના પિતા છગનભાઇ રાઠોડની ફરિયાદ પરથી અનિલ ઝીઝુવાડિયા સામે હત્યાનો ગૂનો નોધી ગણતરીની કલાકોમાં હત્યારાને ઝડપી પાડયો હતો.પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક અશોક રાઠોડ અને આરોપી અનિલ ઝીંઝુવાડિયા બન્ને જીગરી મિત્ર હતા. પરંતુ ઉર્ષના તહેવાર પર અશોકની પત્નિને આરોપીએ કપડાં લઇ દીધા હતા.
જેના હિસાબ પેટે માત્ર રૂ૭૦ ની મામુલી રકમની ઉઘરાણી પ્રશ્ને બન્ને વચ્ચે ઝેર રેડાયું હતું અને બન્ને વચ્ચે અવારનવાર બોલાચાલી પણ થતી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મૃતક અશોક અને આરોપી અનિલ બન્નેની પત્નિ હાલ રિશામણે હોવાનું જાણવા મળ્યું છે.અનિલ ઝીંઝુવાડિયા અને અશોક રાઠોડ વચ્ચે ગઈ કાલે રાત્રે માથાકૂટ થયા બાદ અશોક જ્યારે પોતાના ફળિયામાં સૂતો હતો ત્યારે અનિલે છરીના બે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા સહિતના સ્ટાફે ગણતરીના કલાકોમાં જ પોપટપરા વિસ્તારમાંથી અનિલને ઝડપી પાડ્યો છે. ત્રણ દિવસ પહેલા ઘંટેશ્વરમાં પુત્રએ જ જનેતાને મોતને ઘાટ ઉતાર્યા બાદ બીજા હત્યાના બનાવથી ખળભળાટ મચી જવા પામી છે.