કોરોના મહામારીની બીજી લહેર પહેલી લહેરની સરખામણીમાં બાળકોને વધુ પ્રભાવિત કરી રહી હોવાનો દાવો
કોરોના મહામારીની બીજી લહેર પહેલી લહેરની સરખામણીમાં બાળકોને વધુ પ્રભાવિત કરી રહી છે. જો બાળકોમાં કોરોનાના લક્ષણો નજર આવે છે તો જરા પણ મોડું કર્યા વગર તરત જ હોસ્પિટલમાં તેમને લઈ જાઓ. તબીબોનું કહેવું છે કે, કોરોના વાયરસમાં ડબલ મ્યુટેશન થયું છે, અને તેમાં રહેલો સ્ટ્રેઈન બહુ જ પ્રભાવી છે. તેથી ખાસ કરીને બાળકોને વધુ અસર કરી રહ્યું છે. ગુજરાતમાં પણ કોરોનાના બાળ દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે.
બાળકોમાં આ લક્ષણો ચકાસતા રહો
સિવિલ કેમ્પસના પીડિયાટ્રિક વિભાગના એસોસિયેટ પ્રોફેસર ડોક્ટર ચારુલ મહેતાના જણાવ્યા અનુસાર, બાળકમાં લક્ષણ ના જોવા મળે અને કોરોના પોઝિટિવ હોય એ પણ સુપર સ્પ્રેડર બની શકે છે. બાળકોને ઉંમર મુજબ સમજ આપવી જોઈએ, નાના બાળકોમાં સમજ ના આવી શકે પણ એ માતા પિતાને જોઈને શીખે છે.
કેટલાક બાળકો ટીવીમાં, અખબારમાં જોઈને શીખતાં હોય છે, પણ બાળકને સમજ આપવી જ એકમાત્ર ઉપાય છે. આવામાં ઓનલાઈન શિક્ષણ હાલ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ ગેધરિંગના નામે થતી પાર્ટીથી બચવું જોઈએ.
તબીબોનું કહેવું છે કે, બીજી લહેરમાં મોટી ઉંમરના લોકોની સરખામણીમાં બાળકોમાં જલ્દી જ લક્ષણો નજર આવી રહ્યાં છે. પહેલા બાળકો સંક્રમિત થઈ રહ્યા છે અને બાદમાં મોટી ઉંમરના લોકો કોરોનાના ઝપેટમાં આવી રહ્યાં છે. જો બાળકોને તાવ આવવું, ઠંડી લાગવી, સૂકી ખાંસી, ઉલટી, ઉઘરસ, ભૂખ ન લાગવી, થાક લાગવો જેવા લક્ષણો દેખાય તો તરત તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવો. તેનાથી તેમની સારવાર જલ્દી જ શરૂ થઈ જશે. તપાસમાં જરા પણ મોડું કરવું જીવલેણ સાબિત થઈ શકે છે.
એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, બાળકો કોરોના વાયરસના સાઈલન્ટ સ્પ્રેડર છે. જો તેમનું સંક્રમણ મોટા લોકોમાં ફેલાય તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. જો બાળકની સાથે માતાપિતા પણ સંક્રમિત થઈ જાય છે તો તેમના બાળકોને ક્યાંક બીજે રહેવા મોકલવું વધુ ખતરનાક બની શકે છે.
બાળકોમાં કયા લક્ષણો દેખાય છે
- નાના બાળકોમાં શ્વસનની સમસ્યા, ઝાડા ઉલટી, ચીડિયાપણું, દૂધ લેવાનું બંધ કરે, માથાનો દુખાવો, ગાળામાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે
- કોરોના બાળકોમાં જોવા મળે ત્યારે તે ગંભીર અસર પેદા કરે છે
- કેટલાકની ઇમ્યુનિટી સારી હોય તો માત્ર શરદી ખાંસી થાય છે અને શરીરના દુખાવા બાદ મટી પણ જાય છે
- જો કોઈ બાળકને અન્ય કોઈ સમસ્યા હોય તેવા કેસમાં લોહી નીકળતું, ખેંચ આવવી, હૃદયની સમસ્યા થવાની શક્યતા રહે છે