બંગાળી શખ્સને પોલીસે શહેરની કાર્ગો પીએસએલ ઝુંપડપટ્ટીમાંથી દબોચી લીધો
રાજસ્થાનના અજમેરથી ૩ વર્ષની બાળકીનું અપહરણ કરી કચ્છના ગાંધીધામમાં નાસી આવેલાં એક બંગાળી યુવકને પોલીસે શહેરની કાર્ગો પીએસએલ ઝુંપડપટ્ટીમાંથી દબોચી લીધો છે.
અજમેરમાં આવેલી જાણીતી દરગાહ આસપાસ માતા પાસે રહેતી ૩ વર્ષની દીકરી બે દિવસ અગાઉ ભેદી રીતે ગુમ થઈ ગઈ હતી. બાળકી ગુમ થઈ જતાં તેની માતા પોલીસ મથકે દોડી ગઈ હતી.અજમેર પોલીસે બાળકીના રહેણાંકની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસતાં તે એક અજાણ્યા યુવક સાથે જતી દેખાઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સઘન તપાસ કરતાં સ્પષ્ટ થયું હતું કે અજાણ્યો યુવક બાળકીને લઈ અજમેર રેલવે સ્ટેશન પર પહોંચ્યો હતો અને ટ્રેનમાં બેસી ગાંધીધામ ઉતર્યો હતો. સીસીટીવી ફૂટેજના પુરાવા સાથે અજમેર પોલીસ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે દોડી આવી હતી. યુવકની તસવીરના આધારે ગાંધીધામ પોલીસે તપાસ કરતાં બાતમી મળી હતી કે આ યુવકનું નામ મોહમ્મદ સાગર સીસ્તી છે. ૨૨ વર્ષનો સાગર મૂળ પશ્ચિમ બંગાળના માલદાનો વતની છે અને કાર્ગો ઝુંપડપટ્ટીમાં રહી છૂટક મજૂરીકામ કરે છે.
જેનાં પગલે ગાંધીધામ પોલીસે કોમ્બિંગ હાથ ધરી અપહરણકારને ૩ વર્ષની બાળકી સાથે ઝડપી પાડ્યો છે. ગાંધીધામ પોલીસે આરોપી અજમેર પોલીસના હવાલે કરી દીધો છે. બાળકીનું અપહરણ કરવા પાછળ શો ઈરાદો હતો, તે તેને લઈ અહીં કયા ઈરાદે આવ્યો હતો વગેરે બાબતોનો ફોડ અજમેર પોલીસના રીમાન્ડ બાદ જ પડશે…