માનસિક અસ્વસ્થ બાળકને રાતભર આસરો આપી મુસ્લિમ પરિવારે માતાપિતા સાથે સુખદ મિલન કરાવી માનવતા મહેકાવી
ધર્મના નામે રાજકારણ રમી કોમ-કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવી રહેલા રાજકારણીને આંચકો મળે અને માનવતા મહેકે તેવા એક પ્રકાશમાં આવ્યો છે, કચ્છના ગાંધીધામથી ભૂલો પડેલ આદિવાસી બાળક અસ્વસ્થ બનતા છે ક હળવદ તાલુકાના દેવળીયા ગામે સાઇકલ લઈ પહોંચી ગયો હતો જો કે અહીં આ બાળકનો ભેટો ગુલમહમદભાઈ સાથે થતા તેમણે બાળકને સાંત્વના આપી આશરો આપ્યો હતો અને હતપ્રભ બનેલા બાળક પાસેથી પિતાના નંબર મેળવી પરિવાર સાથે સુખદ મિલન કરાવી હિન્દૂ – મુસ્લિમ ભાઈઓ વચ્ચે વૈમનસ્ય ફેલાવતા લોકોને કરારો જવાબ આપ્યો હતો.
સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો કચ્છના ગાંધીધામમાં મીઠી રોડ પર છેલ્લા ૧૫ વર્ષથી રહેતા અને કમલ પોર્ટ પ્લાયવુડ નામની ફેક્ટરીમા કામ કરતા આદિવાસી પરિવારના નવલસિંગ બુહા પોતાના પત્ની અને બાળકો સાથે રહી ફેક્ટરીમા ટ્રેકટર ચલાવવાનું કામ કરે છે.
બે દિવસ પૂર્વે નવલસિંગનક ૧૩ વર્ષનો પુત્ર સાંજે સ્કૂલેથી પરત ન ફરતા આદિવાસી પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો અને બાળકને શોધવા આકાશ પાતાળ એક કર્યું હતું પરંતુ લાડકવાયા પુત્રનો પત્તો મળ્યો ન હતો.
બીજી તરફ શાળાએથી સાઇકલ લઈ નીકળેલા માસુમ બાળકને દિશાનું ભાન ન રહેતા ગાંધીધામથી છેક હળવદ તાલુકાના દેવળીયા ગામે પહોંચી ગયો હતો જ્યાં સદનસીબે આ માસુમનો ભેટો ગુલમહમદભાઈ રશુલભાઈ સાથે થતા તેઓએ બાળકને વિશ્વાસમાં લઈ સાંત્વના આપી હતી અને ભૂખ્યા બાળકને ભરપેટ ભોજન કરાવી પોતાના ઘેર લાઇ ગયા હતા.
દરમિયાન માસુમ બાળકનો વિશ્વાસ જીતવામાં સફળતા મળતા ધીમે ધીમે ગુલમહમદભાઈએ બાળક સાથે વાતચીત કરી તેના પિતા વિશે જાણકારી માંગી હતી અને તે અહીં કેવી રીતે પહોંચ્યો તે જાણવાની કોશિષ કરતા બાળકે સઘળી હકીકત જણાવી હતી.
જેને પગલે ગુલમહમદભાઈએ રાત્રીના સમયે જ બાળકના માતાપિતાનો સંપર્ક કરી તેમનું બાળક પોતાના ઘરે સહી સલામત હોવાનું જણાવી લઈ જવા માટે કહ્યું હતું સાથો – સાથ હમણાં હમણાં બાળકો ઉઠાવી જવા અંગે ઊડતી અફવા જેવી ઘટના ન ઘટે તે માટે હળવદ પોલીસને પણ જાણકારી આપી ભુલા પડેલા બાળકના માતા પિતાનો સંપર્ક થઈ ગયો હોવાનું અને તેઓ બાળકને તેડવા માટે આવતા હોવાની જાણ કરી હતી.
આ દુ:ખદ છતાં સુખદ ઘટનામાં અંતે આજે માસુમ બાળકના માતાપિતા બાળકને લેવા માટે આવતા હળવદ પોલીસના ઈન્ચાર્જ પી.આઈ આઈ.એમ કોઢીંયા,વસંતભાઈ વધેરા એ બાળકના તેમજ માતાપિતાના જરૂરી આધાર પુરાવા મેળવી ખરાઈ કરી ગુલમહમદભાઈની હાજરીમા જ ભૂલા પેડેલા બાળકનું માતાપિતા સાથે સુખદ મિલાન કરાવ્યું હતું અને ખોવયેલ બાળક મળી જતા આદિવાસી પરિવારમાં ખુશીની લહેર દોડી ઉઠી હતી.