અમદાવાદની 16 વર્ષની ફૂટબોલ ખેલાડી ખુશબુ સરોજ હવે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. એ.એફ.સી.અંડર-17 મહિલા ચેમ્પિયનશિપની ક્વોલિફાયર રાઉન્ડ-2 માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એક માત્ર ગુજરાતી ખુશબુ સરોજની પસંદગી કરવામાં આવી છે. મોટા ભાગે રાષ્ટ્રીય ટીમમાં મણીપુર અને ઓડીશાની મહિલા ફૂટબોલરોનો દબદબો વધુ રહેતો હોય છે ત્યારે તેમની વચ્ચે ગુજરાતની ખેલાડીએ પોતાના શાનદાર પ્રદર્શનના આધારે પ્રવેશ મેળવતાંગુજરાત ફૂટબોલનું ગૌરવ વધાર્યું છે.

અમદાવાદની 16 વર્ષની ખુશબુ સરોજ થાઇલેન્ડ રમવા જશે: જી.એસ.એફ.એ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ પાઠવી શુભેચ્છા

ખુશબુ હવે 19 થી 24 સપ્ટેમ્બર દરમ્યાન થાઇલેન્ડમાં એ.એફ.સી.અંડર-17 મહિલા ચેમ્પિયનશિપની ક્વોલિફાયર રાઉન્ડ-2 માં ભાગ લેવા માટે રવાના થશે.ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીએ ખુશબુને તેની સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવી હતી અને એસોસિયેશન તરફથી રૂ.25000ની રોકડ પ્રોત્સાહક રાશિ પ્રદાન કરવાની જાહેરાત કરી હતી.

ખુશબુ સરોજ ગત વર્ષે ગુજરાતમાં રમાયેલી 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતની મહિલા ટીમ તરફથી સૌથી નાની ઉમરમાં રમનારી પહેલી યુવા મહિલા ફૂટબોલર બની હતી. ખુશબુ સરોજની સફળતામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલએસોસિયેશનની સાથે સાથે કહાની ફૂટબોલ એકેડેમીનાંસ્થાપક મનીષા શાહ અને તેનાં કોચ લલિતા સાહનીનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. વર્ષ 2023-24ની સીઝનમાં અન્ડર-13, અન્ડર-15 અને અન્ડર-17 આયુવર્ગમાં ખેલો ઇન્ડિયા ગર્લ્સ ફૂટબોલ લીગ રમાડવાનું આયોજન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.