પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીના અધ્યક્ષ સને કમલમ ખાતે બેઠક મળી: વરિષ્ઠ અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિ
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે ‘પ્રદેશ બેઠક’ યોજાઇ હતી. જેમાં ભાજપાના વરિષ્ઠ અગ્રણી સુરેન્દ્રકાકા, કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઇ રૂપાલા, ભાજપા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, કે.સી.પટેલ, શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ સહિત પ્રદેશ હોદ્દેદારો, મોરચાના પ્રદેશ પ્રમુખો, જીલ્લા/મહાનગરના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ તેમના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે, સમગ્ર દેશમાં હાલ ભાજપાનું સંગઠન પર્વ ચાલી રહ્યુ છે. ભાજપાની સફળતાનો મુખ્ય આધાર ભાજપાની સંગઠન શક્તિ છે. બુથકક્ષાથી લઇ રાષ્ટ્રીયકક્ષા સુધી ભાજપાના કરોડો કાર્યકરોના સંકલ્પબળ, સમર્પણબળ અને પરિશ્રમબળના કારણે જ ભાજપા આજે દેશભરમાં સર્વસ્પર્શી અને સર્વવ્યાપી પાર્ટી બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપા સરકાર દેશહિતના એક પછી એક ઐતિહાસિક નિર્ણયો લઇ દેશ અને દેશવાસીઓનું સન્માન અને ગૌરવ વધારી રહ્યા છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની આગેવાનીમાં લોકકલ્યાણ અને જનસુખાકારી નીતિઓના આધારે ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓ સર કરી રહ્યુ છે ત્યારે ભાજપાના એક કાર્યકર તરીકે આપણી જવાબદારી પણ ખૂબ વધી જાય છે. સતત પ્રજા વચ્ચે રહી પ્રજાની મુશ્કેલીઓમાં સહભાગી થવુ તથા મુશ્કેલીઓ દૂર કરવામાં મદદરૂપ થવુ તે ભાજપાના કાર્યકરની ઓળખ બની છે.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, મહારાષ્ટ્ર, હરિયાણા તેમજ ગુજરાતની ૬ વિધાનસભા પેટાચૂંટણીના પરિણામો છે. આ તમામ ચૂંટણીઓમાં જનતાના આશીર્વાદથી ભાજપાનો ભવ્ય વિજય નિશ્ચિત છે ત્યારે દિવાળી પહેલા જ વધુ એક દિવાળીની ઉજવણી આપણે સૌ કરી વિજયના વધામણા કરીશું. જીતુભાઇ વાઘાણીએ મહારાષ્ટ્ર, હરિયાણા તેમજ ૬ વિધાનસભા વિસ્તારોમાં પ્રચારકાર્ય માટે ગયેલા ભાજપાના આગેવાનો તથા કાર્યકરોને બિરદાવી અભિનંદન આપ્યા હતા.
રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઇ રૂપાલાએ તેમના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે, ભાજપા આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ તથા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના નેતૃત્વમાં શ્યામાપ્રસાદ મુખરજી તથા દીનદયાળ ઉપાધ્યાયના અંત્યોદયના વિચારને પૂર્ણ કરવા, દેશના સાંસ્કૃતિક વારસો જાળવી સર્વ સમાજને સાથે રાખી, સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસની ભાવના સાથે સર્વસમાવેશી રાજનીતિ દ્વારા ભારત વર્ષને નવી ઉંચાઇઓ પર લઇ જવા માટે કટિબધ્ધ છે.