આપણી ઘડિયાળનો સતત સરકતો કાંટો માત્ર ક્ષણો વીણતો રહે છે, જ્યારે દીવાલ પર જરાતરા ઝૂલતું કેલેન્ડર મહિનાઓ સરકાવતું રહે છે. દર 365 દિવસ પછી એક નવો દિવસ આવે છે, શુભેચ્છાઓ અને ભાવમિલનનો. જે પૂર્ણ થતા ફરી એક રફ્તાર શરૂ થાય, સંબંધો ખરડાવવાની, માણસાઈને મરોડવાની, પોતાને જ જીતાડવાની અને કોઈને પછાડીને ધન્ય થવાની. આવી હોંશ અને આવડત આપણો પીછો કેમ નથી છોડતી? કાંઈક સુકાઈ ગયું છે હૃદયની ભીતરમાં, કાંઈક બળી ગયું છે આંતરમનમાં જેને આપણે લાગણી, ભાવ, સંવેદના, સંભાળ કે સ્નેહનું નામ આપી શકીએ.
આજે અમીર થવાની ઘેલછામા, પદ અને પ્રતિષ્ઠાની મહેચ્છામા માનવીય સંબંધો કતરાવા લાગ્યા છે. લાગણીથી જોડાતા માણસો આજે લાગણી શૂન્ય થતા જાય છે. પરંતુ યાદ રાખીએ કે જિંદગીની જાકમજોળમાં એકલતા સાંપડે, હતાશા કે નિરાશા આવે ત્યારે ઉગરવાનો આરો માત્ર સ્નેહ, લાગણી કે સંવેદના છે. જેનાથી દુ:ખો દુર નથી થતાં, પરંતુ તેની સામે લડવાનું બળ અને હિંમત મળે છે.
અમેરિકામાં જ્હોન્ની કેશ નામના ગાયકે પોતાના જીવનકાળ દરમ્યાન 1500થી વધુ ગીતો ગાયા, સંગીતક્ષેત્રનું લબ્ધપ્રતિષ્ઠિત ગ્રેમી પારિતોષિક મેળવ્યું. સન 1961નાં એક જ વર્ષમાં તેણે 290 જેટલા કાર્યક્રમો કરેલા, જેમાં 10 લાખથી વધારે લોકો તેને સાંભળવા માટે ઉપસ્થિત રહેલા. પરંતુ, 1957માં તેના જીવનમાં ડ્રગ્સનો પ્રવેશ થયો. જેના કારણે તેનું જીવન લથડવા લાગ્યું. જેલ અને હોસ્પિટલોની આવન-જાવન ચાલુ થઈ. પદ અને પ્રતિષ્ઠા જતાં મિત્રોએ પણ સાથ છોડી દીધો.
આમ, દરેક જગ્યાએથી હતાશ થઈ તેણે ટેનેસીની ‘નીકાજેક ગુફામાં’ અથડાઈ-કુટાઈને જીવનનો અંત લાવી દેવાનું નક્કી કર્યું. ઘણાએ એમાં પોતાના પ્રાણ ખોયા છે. તે આ અંધારી ગુફામાં ગયો અને અથડાતો-કુટાતો મૃત:પ્રાય થઈને ઢળી પડ્યો. થોડા સમય પછી જ્યારે ભાનમાં આવ્યો તો પૂન: ગુફામાં અથડાવાનું શરૂ કરી દીધું. પરંતુ ચાલતાં-ચાલતાં ચમત્કારિક રીતે ગુફાની બહાર આવી ગયો.
જ્યાં તેની સામે તેની માતા અને પત્ની જૂન કાર્ટર ઊભા હતાં. તેમણે જ્હોન્નીને પ્રેમથી આવકાર્યો અને તેની દેખભાળ કરવા લાગ્યા. આ સ્નેહાળ સંભાળે કેવો જાદુ કર્યો તે જણાવતા જ્હોન્ની કહે છે, ‘હું જીવતો છું તેનું કારણ મારી માતા અને મારી પત્નીએ આપેલો પ્રેમ છે. હતાશામાં હિમંત અને એકલતામાં પ્રેમ આપ્યો.’ આમ, પત્ની અને માતાએ લીધેલી સંભાળે તે કલાકારને મૃત્યુ અને ડ્રગ્સનાં વ્યસનમાંથી બચાવી લીધો.
‘To handle yourself use your head, to handle others use your heart.’ અર્થાત્ પોતાની જાતને જાળવવા તમારી બુદ્ધિનો ઉપયોગ કરો, પણ બીજાને જાળવવા માટે તમારા હૃદયનો ઉપયોગ કરો.
પોલ પી. પાર્કર કહે છે,
‘you can handle more successfully by enlisting their feelings than by convincing their reason’ – માનવ તર્કની ભાષા કરતા લાગણી અને પ્રેમની લીપી વધારે સમજે છે.
અમેરિકાની કાર્નેગી ઈન્સ્ટિયૂટ ઑફ ટેકનોલોજી નામની સંસ્થાએ માણસની સફળતા-નિષ્ફળતાના વિષયનો અભ્યાસ કરવા 10,000 વ્યક્તિઓ પર રિસર્ચ કરીને તારણ કાઢ્યું કે, ‘વ્યક્તિની સફળતાનો 15% આધાર તેની બુદ્ધિ, કામ કરવાની આવડત પર છે જ્યારે 85% આધાર સ્નેહાળ સંબંધ, સંવેદના, લાગણી પર છે. આપણા પરિવારજનો, મિત્રો, આપણી સાથે કાર્ય કરતા સાથીઓનો આદર પ્રાપ્ત કરવો હોય તો, તેની લાગણી અને તેની ભાવનાને કેન્દ્ર સ્થાને રાખી પ્રવૃત્તિ કરીશું તો જ સામી વ્યક્તિનું માનસ અને વલણ બદલાશે. લાગણીનાં સ્વીકાર દ્વારા આપણે લોકોનો આદર પ્રાપ્ત કરી શકીએ છીએ.
પ્રમુખસ્વામી મહારાજમાં પ્રેમની આ કક્ષા જોવા મળે છે. પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજે તેમનાં જીવનકાળ દરમિયાન કરેલા દરેક કાર્ય લાખો સ્વયંસેવકો અને હજારો સંતોને સાથે રાખી કર્યા છે. છતા ક્યારેય કોઈનામાં મનભેદ કે મતભેત નથી થયા. તેમણે જે તે વ્યક્તિઓને પ્રેમ, હુંફ અર્પી, તેમની સંભાળ રાખી, તેનાં વિચારોને સમજી અને સ્વિકારી, તેમની ભૂલોને અવગણી જે તે કાર્યનાં નિષ્ણાંત બનાવ્યા છે. જેના કારણે આજે આપણે આ સંસ્થાનું કાર્ય અને પ્રગતિ જોઈએ છીએ.
પ્રમુખસ્વામી મહારાજે પળેપળે પ્રત્યેક મુમુક્ષુની સંભાળ લીધી છે. મુશ્કેલીના સમયમાં તેઓને સહારો આપ્યો છે. તેમના પ્રશ્નો ને સાંભળ્યા છે. તા. 14-7-2007ના રોજ અમેરિકાના જેક્સનવીલ શહેરમાં યુવા શિબિર યોજાયેલી. સમગ્ર અમેરિકામાંથી આશરે 2,000 થીયે વધુ યુવક યુવતીઓ તે શિબિરમાં ઉપસ્થિત હતાં. તેમાં એક કાર્યક્રમના ભાગરૂપે જાહેરાત થઈ કે, ‘અહીં બેઠેલા યુવકોમાંથી જે યુવકોનું નામકરણ સ્વામીશ્રીએ કર્યું હોય અથવા તો યુવકનાં સંતાનોનું નામકરણ સ્વામીશ્રીએ કર્યું હોય તે ઊભા થાય.’ આ જાહેરાતમાં ઘણા યુવકો ઊભા થયા. ત્યારબાદ બીજી એક જાહેરાત થઈ, ‘જે યુવકને પત્ર દ્વારા સ્વામીશ્રીએ માર્ગદર્શન આપ્યું હોય તે ઊભા થાય.’ ઘણા ઊભા થયા. પુન: જાહેરાત થઈ, ‘જે યુવકોને ફોન દ્વારા સ્વામીશ્રીએ સાંભળ્યા સંભાળ્યા હોય તે ઊભા થાય.’ ઘણા ઊભા થયા. ફરી જાહેરાત થઈ, ‘જે યુવકોને અભ્યાસ વગેરેમાં સ્વામીશ્રીએ મદદ કરી હોય તે ઊભા થાય.’ તેમાં પણ ઘણા યુવકો ઊભા થયા.
આમ કરતાં કરતાં જોયું તો સભામંડપમાં બેઠેલા લગભગ બધા યુવકો કો’ક ને કો’ક જાહેરાતમાં ઊભા થઈ ગયેલા. સ્વામીશ્રીનું યુવાનો પ્રત્યે આ વાત્સલ્ય છે. તેઓએ સૌ યુવકોને સદાય સંભાળ્યા અને સાંભળ્યા છે. તેને કારણે જ આજે આ યુવાનો અડીખમ ઊભા છે – પ્રલોભનો સામે, વિઘ્નો સામે. ખરેખર, સંબંધ, સ્નેહ અને લાગણી એ રત્ન જેવા છે, જેને જોઈને સૌ કોઈ વિસ્મય પામે ‘કેટલાં સુંદર છે!’ પણ તે બનતાં કેટલો સમય લાગ્યો હશે તે કોઈ નથી સમજી શકતું. પરંતુ જ્યારે સમજાય છે ત્યારે ઉન્નતિના દરવાજાઓ આપોઆપ ખૂલી જાય છે. તો નિર્ણય આપણા હાથમાં છે કે, આપણે સંબંધો કેવા બનાવવા છે.