રોહિત સંગતાણી
ઘોર કલિયુગનો સમય આવી ગયો હોય તેવી ઘટના હાલ સામે આવી રહી છે ત્યારે લોહીના સબંધોને લાંછન લગાડનારી ઘટના સામે આવી છે જેમાં ઘોર નિંદ્રામાં સુતેલા પિતાની પુત્રએ હત્યા કરી હતી ત્યારે પોલીસે હત્યારા દીકરાને ગણતરીની કલાકોમાં પકડી પાડીને વધુ તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના ભાવનગર જીલ્લાની છે જ્યાં નિચાકોટડા ગામે રહેતા અને ખેતી કામ કરતાં દિનેશ વિઠ્ઠલભાઈ ભીલ વાડીએ એકલા સુતા હતા તે દરમ્યાન આરોપી દીકરાએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પિતાની બેરહેમીથી હત્યા કરીને ત્યાંથી નાસી છુટ્યો હતો. આ અંગે દાઠા પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં.૦૦૩૬/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૩૦૨ વિગેરે મુજબનો ગુનો નોંધાયો હતો.
આ ગુનાની ગંભીરતા ઘ્યાને લઈ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલસાહેબે તાત્કાલીક પગલા ભરી આ ગુનાના આરોપીને સત્વરેથી પકડી પાડવા માટે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. બી.એચ.શીંગરખીયા, સહિતના સ્ટાફનાં માણસોને સુચના આપી હતી ત્યારે ભાવનગર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કોડ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
શોધખોળ દરમ્યાન એલ.સી.બી.ના પો.કોન્સ ભદ્રેશભાઈ પંડયા તથા તરુણભાઈ નાંદવાને બાતમી રાહે હકિકત મળેલ કે,આ ગુનામાં સંડોવાયેલ આરોપી નીચા કોટડા ગામે છે. ત્યારે તેને પકડી પાડી બનાવ સબંધમાં પુછપરછ કરતા તેણે જ હત્યા કરી હોવાની મૌખિક કબુલાત કરી હતી જેથી આ ગુન્હાનાં આરોપીને આગળની કાર્યવાહી થવા માટે દાઠા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો હતો.