ઈરાનમાં વિકસીત ચાબહાર પોર્ટના સંચાલનનો પ્રારંભીક તબકકો શરૂ: સૌરાષ્ટ્રના જોડિયા સહિતના બંદરોને બેઠા થવાનો માર્ગ મોકળો થશે

સત્તા સંભાળ્યાની સાથે જ અફઘાનિસ્તાનમાં સીધા રોકાણ અને સહકારની મોદી સરકારની નીતિ ધીરે-ધીરે રંગ લાવી રહી છે. વડાપ્રધાન બન્યા બાદ મોદીએ મુલાકાતમાં પ્રાથમિકતા અફઘાનના વડાપ્રધાનને આપી હતી. ત્યારે ખુબ ઓછા લોકોને મોદીની દુરંદેશીનો ખ્યાલ હતો. ઈરાનમાં ચાબહાર બંદર વિકસાવવા માટે ભારતે કરોડોનું રોકાણ કર્યા બાદ હવે આ બંદરના કારણે સૌરાષ્ટ્રને સીધો અને અડકતરો ફાયદો થવા જઈ રહ્યો છે. અત્યારે અફઘાન માટે અનાજનો જથ્થો લઈ નિકળેલું વહાણ ચાબહાર થઈને જશે.

એક રીતે આ પગલું ચાબહાર બંદરની પ્રાથમિક શ‚આત છે. ચીન દ્વારા પાકિસ્તાનમાં વિકસીત ગ્વાદર બંદરનો જવાબ ચાબહાર બંદર છે. આ બંદરના કારણે સૌરાષ્ટ્રને પણ અનેક ફાયદા થશે. જોડિયા સહિતના મૃતપ્રાય બંદરો ફરી જીવંત થશે. ચાબહારથી માલની આયાત-નિકાસ સીધી સૌરાષ્ટ્રમાં થઈ શકે તેવી ઉજ્જવળ તકો છે. સૌરાષ્ટ્રની ભૌગોલીક સ્થિતિ આ મામલે ખુબજ અનુકુળ છે. હાલ અફઘાનિસ્તાનનું પહેલું શીપમેન્ટ કંડલા બંદરેથી વાયા ચાબહાર રવાના થયું છે. ધીમે ધીમે આ વ્યવહાર વધશે.

અફઘાનિસ્તાન અને ઈરાનમાં મોદી સરકારની રણનીતિ અંગે ‘અબતક’ સમયાંતરે અહેવાલો પ્રસિધ્ધ કરતું આવ્યું છે. અનેક વખત ‘અબતકે’ ઈરાનના ચાબહાર બંદરથી સૌરાષ્ટ્ર સહિતના ક્ષેત્રને થતાં ફાયદાનો વાચકોને ખ્યાલ આપ્યો છે. ઈરાનના ચાબહાર પોર્ટથી વેપાર વધારવા માટેનો માઈલ સ્ટોન મુકાઈ ગયો છે. જૂન મહિનામાં ભારત અને અફઘાનિસ્તાને પાકિસ્તાનને હાંસીયામાં ધકેલી કોરીડોરની સ્થાપના કરવા કટીબધ્ધતા દર્શાવી હતી. ત્યારબાદ ઈરાનના ચાબહાર પોર્ટથી વાયા અફઘાનિસ્તાન વહાણ મોકલીને ભારતે વધુ એક સિધ્ધિ હાંસલ કરી છે.

ઈરાનમાં આ પોર્ટ વિકસાવવા અમેરિકાએ પણ ભારતની પીઠ થાબડી છે. હવે ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બન્યું છે. ત્રણેય દેશો વચ્ચે વેપાર-વાણીજયની ચાબહાર પોર્ટ મોટી આશા છે. પાકિસ્તાનને બાયપાસ કરી એશીયાના અન્ય દેશો સાથે વેપાર-વાણીજય વિકસાવવા ચાબહાર પોર્ટ હુકમનો એકકો સાબીત થશે. પાકિસ્તાનમાં ચીનના માધ્યમથી વિકસીત ગ્વાદર બંદર ચાબહાર પોર્ટથી ૧૦૦ માઈલના અંદરે જ છે.

ગઈકાલે વાયા ચાબહાર થઈ અફઘાન અનાજનો જથ્થો લઈ જવા નીકળેલા વહાણ મામલે ઘણી આશા સેવવામાં આવી રહી છે. આ તકે ગઈકાલે ત્રણેય દેશોના પ્રતિનિધિઓ હાજર ર્હ્યાં હતા. અફઘાનના વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું હતું કે, અનાજનો જથ્થો લઈ નીકળેલુ જહાજ લેન્ડમાર્ક મોમેન્ટ છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે, ત્રણેય દેશોના લોકો સાથે જોડાઈને ખુબજ આનંદની લાગણી થાય છે. નવા રૂટથી શાંતિ જળવાય રહેશે તેવી આશા છે.

ભારત, અફઘાનિસ્તાન અને ઈરાનની આ સિધ્ધિ મામલે અમેરિકાને પણ આશાવાદ છે. અફઘાનિસ્તાન અને ઈરાન તરફ ભારતના વધતા સંબંધો જોઈને ઓમાન અને કતાર સહિતના દેશોએ પણ સુર બદલ્યો છે. ઓમાન અને કતાર દ્વારા ગુજરાતની ઈન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરવા રસ દાખવવામાં આવ્યો છે. ટેકસટાઈલસ ઈન્ડસ્ટ્રીઝ પણ સૌરાષ્ટ્રમાં છે.

એકંદરે સૌરાષ્ટ્રના બંદરોથી તમામ ઈન્ડસ્ટ્રીઝને બહોળો ફાયદો થવા જઈ રહ્યો છે. બંદરોના વિકાસ બાદ સૌરાષ્ટ્ર-ગુજરાત મધ્ય અને પૂર્વ એશિયાના દેશો તરફથી બહોળુ રોકાણ ખેંચાઈ આવશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.