વેપારીઓ ખુશ, યાર્ડ શરૂ થતાં ખેડૂતોને રાહત

અબતક, રાજુ રામોલિયા

કાલાવડ

કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં સતત 72 કલાક ચાલેલી વેપારીઓની હડતાળનો અંત આવતાં, વેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે અને યાર્ડ શરૂ થતાં ખેત ઉત્પાદનો વેચવા ઇચ્છતા ખેડૂતોને રાહત મળવા પામી છે.મામલો એ હતો કે રાજય સરકારે યાર્ડ દ્વારા વસૂલવામાં આવતાં માર્કેટ સેસની રકમમાં 20 પૈસાનો વધારો કરવાની તમામ યાર્ડને સુચના આપ્યા પછી, 20 પૈસાનાં આ વધારા પૈકી 10 પૈસા ખેડૂતો પર અને 10 પૈસા વેપારીઓની આવકમાંથી વસૂલવા યાર્ડ દ્વારા નકકી કરવામાં આવ્યા પછી, વેપારીઓએ કમિશન ઘટતાં યાર્ડમાં ત્રણ દિવસ હડતાળ રાખી હતી.

બાદમાં, આ સમસ્યાનો ઉકેલ શોધવા કાલે ગુરુવારે યાર્ડનાં ચેરમેન યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યાર્ડ ચેમ્બર ખાતે વેપારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં વેપારીઓની કમિશન યથાવત્ રાખવાની માંગણી સ્વીકારી લેવામાં આવતાં વેપારીઓએ હડતાળ પૂર્ણ થયાની જાહેરાત કરી અને યાર્ડ ધમધમતું થયું છે તેથી જણસો વેચવા ઇચ્છતા ખેડૂતોને રાહત મળી છે.  યાર્ડનાં ચેરમેન યુવરાજસિંહ જાડેજાએ આ તકે જણાવ્યું હતું કે, સેસ વધારાનાં મામલે યાર્ડ દ્વારા રાજ્યનાં રજિસ્ટ્રારને પત્ર લખવામાં આવ્યો છે. સેસ વધારાનો સંપૂર્ણ બોજ ખેડૂતો પર ન પડે તે માટે વધારાની જે સૂચના ઉપરથી આવી છે તેમાં ખેડૂતોને રાહત મળે તે પ્રકારની રજૂઆત અમોએ ગાંધીનગર ખાતે પત્ર દ્વારા પણ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.