ઈન્ટરનેશનલ મોટીવેટર જ્ઞાનવત્સલદાસજી સ્વામી રહ્યા ઉપસ્થિત: ફિલ્મી કલાકારોએ બાળકોને મંત્રમુગ્ધ કર્યા
હકારાત્મક અભિગમ થકી અનેકવિધ પ્રકારની સમસ્યા નિવારી શકાય છે: સંજોગો સાથ ન આપતા હોય ત્યારે લોકોનું દૈવત્ય ખીલે છે
જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા ગત ૧૬ વર્ષથી નિ:સ્વાર્થપણે સેવાયજ્ઞના ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે જે પરીવારનાં બાળકો ટાઈપ-૧ ડાયાબીટીસ એટલે કે જુવેનાઈલ ડાયાબીટીસથી પીડાઈ રહ્યા છે તેઓને પ્રોત્સાહિત કરવા અને મોટીવેટ કરવા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઈન્ટરનેશનલ મોટીવેટર અને બીએપીએસ સંસ્થા સાથે સંકળાયેલા જ્ઞાનવત્સલદાસજી સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથો સાથ ટીવી સીરીયલના ખ્યાતનામ કલાકાર અનંગ દેસાઈ, ભવ્ય ગાંધી, ધર્મેશ મહેતા ઉપસ્થિત રહી જુવેનાઈલ ડાયાબીટીસથી પીડાતા બાળકોને પ્રોત્સાહન આપવા આવી પહોંચ્યા હતા અને તેઓએ જણાવતા કહ્યું હતું કે, જુવેનાઈલ ડાયાબીટીસ સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવી શકાય છે જો તેના માટે યોગ્ય અને નિષ્ઠાપૂર્વક તકેદારી રાખવામાં આવે.
આ પ્રસંગે રાજયભરમાંથી અનેકવિધ પરીવારો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમનો લાભ લીધો હતો સાથો સાથ કાર્યક્રમમાં આવેલા મહેમાનોએ પણ સંસ્થાને દાન આપ્યું હતું અને સંસ્થા આ પ્રકારની કાર્યવાહી અને કાર્યક્રમો યોજે અને જાગૃતતા કેળવે તેવું જણાવ્યું હતું.
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનની કામગીરી પ્રશંસનીય: ધર્મેશ મહેતા
ફિલ્મ પ્રોડયુસર અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિદર્શક ધર્મેશ મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જયારે જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન સંસ્થાની કામગીરી વિશે સાંભળવામાં આવ્યું ત્યારે તેઓએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી અને આશ્ર્વાસન આપતા જણાવ્યું હતું કે, જયારે ભી સંસ્થાને તેનું લગતું કામ હશે ત્યારે તે અચુકપણે હાજર રહેશે. તેઓએ સંસ્થાનાં સંસ્થાપકોને આશ્ર્વાસન આપતા જણાવ્યું હતું કે, સંસ્થાને જયારે કોઈ મદદની જરૂર હશે ત્યારે તે ચોકકસપણે સંસ્થાની વ્હારે ઉભા રહેશે. આ તકે નિર્દેશક ધર્મેશ મહેતાએ જુવેનાઈલ ડાયાબીટીસથી પીડાતા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમનામાં રહેલી ક્ષમતાઓને ઉજાગર કરવા માટે અનેક પ્રકારે માહિતી પણ આપી હતી અને તેઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા.
સકારાત્મક અભિગમથી કોઈપણ અશકય કામ શકય થઈ શકે છે: અનંગ દેસાઈ
ટીવી સીરીયલના જાણીતા કલાકાર અનંગ દેસાઈ જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન રાજકોટનાં કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ અબતક સાથેની વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે, જે કોઈ લોકો કોઈપણ રોગથી પીડાતા હોય તે તેમની અડચણ કદી ન બની શકે. જો કોઈ વ્યકિત તેમના જીવનમાં સકારાત્મક અભિગમ રાખે તો અશકય કામ પણ શકય બની શકે છે. તેઓએ જુવેનાઈલ ડાયાબીટીસથી પીડાતા બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમનામાં રહેલી ક્ષમતાને ઉજાગર કરવા માટે પ્રયત્નો પણ કર્યા હતા. તેઓએ અનેકવિધ હકારાત્મક દાખલાઓ આપી જુવેનાઈલ ડાયાબીટીસથી પીડાતા બાળકોને અનેક ઉદાહરણો આપી માહિતી પુરી પાડી હતી. આ તકે અનંગ દેસાઈએ અબતક સાથે વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે, લોકો તરફથી જે પ્રેમ મળી રહ્યો છે તેનું એકમાત્ર કારણ તેમનું પોઝીટીવ વલણ છે. તેઓએ કહ્યું હતું કે, તે જયારે સેટ પર કામ કરવા આવે છે ત્યારે તમામ મુદાઓને સાઈડ પર રાખી માત્રને માત્ર કામ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.
જુવેનાઈલ ડાયાબિટીસનો રોગ સંપૂર્ણપણે નિયંત્રિત થઈ શકે છે: અપુલભાઈ દોશી
જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી અપુલભાઈ દોશીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓને જયારે ખબર પડી કે તેમના પુત્રને જુવેનાઈલ ડાયાબીટીસ થયું છે ત્યારે તેઓ ચમકી ઉઠયા હતા પરંતુ આ રોગના નિયંત્રણ અંગે જયારે તેને ઉકેલ મળ્યો ત્યારે તેઓએ જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશન શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો જેમાં હાલ ૧૩૦૦ જેટલા બાળકો રજીસ્ટર્ડ થયેલા છે. આ તકે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જો વાલીઓ અને જુવેનાઈલ ડાયાબીટીસથી પીડાતા બાળકો નિયમિતપણે પોતાના સ્વાસ્થ્યની સારસંભાળ લે તો આ ડાયાબીટીસ સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવી શકાય છે પરંતુ માત્રને માત્ર જરૂર છે સકારાત્મક અભિગમની અને જાગૃતતા કેળવવાની. આ તકે અપુલભાઈ દોશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સંસ્થાને જે ડોનેશનના રૂપમાં જે આર્થિક મદદ પ્રાપ્ત થાય છે તેનો ઉપયોગ તેઓ સંસ્થામાં જોડાયેલા બાળકોના વિકાસ માટે તેઓની જરૂરીયાતવાળી વસ્તુઓને પુરી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તેઓએ સમગ્ર દાતાઓનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, આ પ્રકારનો રોગ વહેલાસર લોકોમાંથી નાબુદ થાય.
જીવન પ્રત્યેનો અભિગમ સકારાત્મક રાખવો જોઈએ: સ્વામી જ્ઞાનવત્સલદાસજી
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર આંતરરાષ્ટ્રીય મોટીવેટર સ્વામી જ્ઞાનવત્સલદાસજીએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ઉણપ એ શારીરીક છે અને તે સ્પષ્ટ છે પરંતુ લોકો તેને સ્વીકારી શકતા નથી. ટાઈપ-૧ ડાયાબીટીસ એટલે કે જુવેનાઈલ ડાયાબીટીસમાં શરીરમાં રહેલું ઈન્સ્યુલીન અને પેનક્રીયાઝ કામ કરતું બંધ થઈ જાય છે જેથી વ્યકિતને જુવેનાઈલ ડાયાબીટીઝનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, જે બાળકો જેડીએફમાં જોડાય છે જેનાથી સંસ્થાની યશ કિર્તીમાં વધારો થાય છે પરંતુ તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભગવાનને એ વાતની પ્રાર્થના કરવામાં આવે છે કે દિન-પ્રતિદિન સંસ્થાની મેમ્બરશીપમાં ઘટાડો થાય અને સંસ્થા વહેલીતકે બંધ થઈ જાય. સ્વામી જ્ઞાનવત્સલદાસજીએ જેડી બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, આ રોગ અંકુશમાં લાવી શકાય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભગવાન જેડી બાળકો ઉપર વિશેષ આશીર્વાદ વરસાવ્યા છે કારણકે જે કાર્ય અન્ય કોઈ લોકો કે
બાળકો નથી કરી શકતા તે કાર્ય જેડી બાળકો કરી શકે છે. આ તકે તેઓએ ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા અનેક રોગોને વિવિધ કલરો આપવામાં આવ્યા છે ત્યારે ડાયાબીટીસને બ્લુ કલર અપાયો છે. લોકો જાણે છે કે આભ સંપૂર્ણપણે બ્લુ કલરનું એટલે કે સંપૂર્ણ આકાશ તમારી સાથે છે. તેઓએ જણાવ્યું હતું કે, જે કોઈ લોકોના સંજોગો તેઓને સાથ ન આપતા હોય ત્યારે જ તેમનું દૈવત્ય ખીલે છે. અંતમાં તેઓએ કહ્યું હતું કે જો લોકો નકકી કરી લ્યે તો તેઓને માત્ર પોઝીટીવ થીન્કીંગ અને હકારાત્મક વલણની જરૂર છે જેથી તેઓ સફળતા પ્રાપ્ત કરી શકે છે.
જુવેનાઈલ ફાઉન્ડેશન આયોજીત કાર્યક્રમ અત્યંત હૃદયસ્પર્શી: ભવ્ય ગાંધી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુડાનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ખુબ જ આનંદ છે કે જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્ડેશનનાં કાર્યક્રમમાં આવવાનો મોકો મળ્યો છે. તેને માહિતી આપતા કહ્યું હતું કે, આ પ્રકારનાં કાર્યક્રમમાં તે અચુક હાજરી આપશે. ભવ્ય ગાંધીએ જેડી બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, જુવેનાઈલ ડાયાબીટીસ સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવી શકાય છે માત્ર રોજબરોજની જીંદગીમાં અનુશાસન લાવવું અત્યંત જરૂરી છે. તેને માહિતી આપતા કહ્યું હતું કે, માત્ર જેડી બાળકોએ ભગવાન પર ભરોસો રાખવાની જરૂર છે અને તેમના માતા-પિતાએ પણ તેમના બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, આ વર્ષના અંતમાં તેના બે ફિલ્મો પણ આવી રહ્યા છે જે લોકો માટે રમુજભર્યા રહેશે.