પેપર લીક થયા બાદ પરીક્ષા મોકૂફ રાખ્યાના 30 દિવસમાં સરકારે નવી તારીખ કરી જાહેર
મોકૂફ રખાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. હવે આ પરીક્ષા તારીખ 9 એપ્રિલના રોજ લેવામાં આવશે.
પેપરલીકના કારણે મોકૂફ રખાયેલી જૂનિયર ક્લાર્કની પરીક્ષા હવે તારીખ 9 એપ્રિલ, 2023એ સવારે 11થી 12 કલાક દરમિયાન યોજાશે. થોડા દિવસો પહેલા આ પરીક્ષાનું પેપર ફૂટ્યું જેના કારણે વિદ્યાર્થીઓ ભારે દુ:ખી હતા. જોકે સતત તૈયારીઓમાં વ્યસ્ત વિદ્યાર્થીઓ નવેસરથી પરીક્ષા ક્યારે લેવાશે તેની તારીખની રાહ જોઈ રહ્યા હતા. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે આગામી 9 એપ્રિલે આ પરીક્ષા યોજાશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની તા. 29મી જાન્યુઆરીએ લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઈ જવાના કારણે રદ કરવી પડી હતી. પરીક્ષાની આગલી રાત્રે જ પેપર લીક થઈ જતા સમગ્ર રાજ્યના 29,000 સેન્ટરો પર લેવાનારી પરીક્ષા રદ કરી દેવાઈ હતી. જેના કારણે લાખો ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. લગભગ 9.53 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપવાના હતા. આ પેપર વડોદરામાં લીક થયું હતું. પેપર લીક કરવાનું નેટવર્ક ગુજરાત, હૈદરાબાદ ઓડિશા અને બિહાર સુધી ફેલાયેલું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું.
આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ મૂળ ઓડિશાનો છે. તે પ્રીન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો. તેણે હૈદરાબાદના પોતાના ઓળખીતા એજ્યુકેશન સેન્ટરના સંચાલકનો સંપર્ક સાધ્યો હતો. તે પછી બિહાર લાઈન એક્ટીવ થઈ હતી. ઓડિશાના જ વતની પ્રદીપ બિજ્યા નાયકે 26મી જાન્યુઆરી, 2023એ જીત પાસેથી પેપર મેળવ્યું હતું. પ્રદીપ તેના સાથીદાર સાથે તે પેપર પરીક્ષાના એક દિવસ પહેલા શનિવારે રાત્રે (28મી જાન્યુઆરી, 2023)એ સુરતથી ટેક્સીમાં વડોદરા આવ્યો હતો. આ પેપર ગુજરાતીમાં હતું. તેમાં 100 પ્રશ્નો હતા અને દરેકના ચાર વિકલ્પો હતા.
સરકારે આ દરમિયાનમાં 100 દિવસમાં જ ફરી પરીક્ષાની તારીખો જાહેર કરવાનું કહ્યું હતું. બાદમાં આ મંડળની જવાબદારી આઈપીએસ હસમુખ પટેલના હાથમાં સોંપવામાં આવી હતી. જે પછી સરકાર સતત ફૂટી રહેલા પેપરને લઈને એક નવા કાયદાની ઉઠી રહેલી માગ પર વિચારતી થઈ અને આખરે હમણાં જ ગુજરાત વિધાનસભામાં નવો કાયદો પસાર કરી પેપર ફોડનાર સામે કડક સજાની જોગવાઈઓ કરવામાં આવી હતી.