દેશની ન્યાયપ્રણાલી આદર્શ માનવ ધર્મને કુદરતી ન્યાયના સિદ્ધાંત ઉપર વધુ જોર આપે છે. સો દોષિત ભલે છુંટી જાય પરંતુ એક નિર્દોષને સજા થવી ન જોઈએ ન્યાયતંત્રનો આ અભિગમ ક્યારેક ક્યારેક વિલંબથી ન્યાય અપાવે છે. પણ મોટાભાગે વિલંબથી મળતો ન્યાય અન્યાય જેવો લાગે છે. ત્યારે અદાલતોમાં દેર છે પણ અંધેર નથીની કહેવત ક્યારેક-ક્યારેક ગુનેગારો માટે રાહતરૂપ બની જતી હોય છે. તેવા સંજોગોમાં હવે ન્યાયતંત્રમાં ઝડપ અને ખાસ કરીને બળાત્કારીને તાત્કાલિક સજા મળે તેવા અભિગમ ના પગલે ન્યાયતંત્ર સામાજિક વ્યવસ્થાની સાથે સાથે ગુનાહિત માનસિકતા ધરાવતા વર્ગમાં પણ ગુનો કરતાં પહેલા સો વાર વિચાર કરે તેવા સંજોગો ઊભા થશે.
બિહારની હાઈકોર્ટે એક જ દિવસમાં ચુકાદો આપીને વનડે જજમેન્ટ નું એક મોટું ઉદાહરણ આપ્યું છે ત્યારે સુરતમાં નાની માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવી મારી નાખવાના આ કેસમાં પણ ઝડપથી કાનૂની કાર્યવાહી આટોપીને બળાત્કારીને મૃત્યુ દંડ આપવાની ઝડપી અદાલતી કાર્યવાહીથી દેશમાં ઝડપી ન્યાય વ્યવસ્થાનો માહોલ ઊભો થઈ રહ્યો છે. આનાથી ઝડપી ન્યાય પ્રક્રિયાથી ગુનેગારોમાં તાત્કાલિક અને ભયંકર સજાનો ભય ઊભો થશે.
મોટાભાગે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોમાં એવી માનસિકતા હોય છે કે ક્યાં તાત્કાલિક ફાંસીના માંચડે લટકાવી દેવાઈ છે. કેસ ચાલતા ચાલતા વર્ષો લાગી જશે. પછી જે થશે તે જોયું જશે. પરંતુ હવે બિહારની અદાલતમાં એક જ દિવસમાં સંપૂર્ણ કેસની સુનાવણી અને સુરતના બળાત્કારી હત્યારાને ટૂંક સમયમાં જ ફાંસીની સજા સંભળાવવાની જે ઝડપી ન્યાય પ્રક્રિયાનો યુગ શરૂ થયો છે તેનાથી અવશ્યપણે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો પર કાબૂ આવશે.