- અલ નીનોની કોઇ અસર નહીં: સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની આઇએમડીની હૈયે ટાઢક આપતો વરતારો
- દેશમાં સરેરાશ 105 ટકા જેટલો વરસાદ પડશે: ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ ચોમાસામાં 103 ટકા વરસાદ પડવાની આગાહી કરી છે
ખેડૂતો માટે લાપસીના આંધણ મુકાય તેવા હૈયે ટાઢક આપતા સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. આ વર્ષે ભારતમાં નૈઋત્વનું ચોમાસું સામાન્ય કરતા પણ વધુ સારુ રહેશે. દેશમાં સરેરાશ 105 ટકા જેટલો વધુ વરસાદ પડશે તેવી આગાહી આઇએમડી દ્વારા આપવામાં આવી છે. અગાઉ ખાનગી હવામાન વિભાગ દ્વારા પણ દેશમાં ચોમાસુ સારુ રહેવાનો અને 103 ટકા જેટલો વરસાદ પડવાની શકયતા વ્યકત કરી છે.
ભારતીય હવામાન વિભાગએ દાવો કર્યો છે કે આ વખતે ચોમાસુ સામાન્ય કરતા સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી સારો વરસાદ પડશે.આઇએમડી મુજબ, 2025 માં 105 ટકા એટલે કે 87 સેમી વરસાદની શક્યતા છે. ચોમાસાની ઋતુ 4 મહિના સુધી ચાલે છે, જેના માટે લાંબા ગાળાની સરેરાશ 868.6 મીમી એટલે કે 86.86 સેમી છે. આનો અર્થ એ થયો કે સમગ્ર મોસમ દરમિયાન કુલ આટલો વરસાદ પડશે.જે રાજ્યોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મરાઠવાડા, પશ્ચિમ બંગાળ અને તેલંગાણાનો સમાવેશ થાય છે. જે રાજ્યોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તેમાં જમ્મુ અને કાશ્મીર, બિહાર, તમિલનાડુ, લદ્દાખ અને પૂર્વોત્તર રાજ્યોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે ચોમાસુ 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરે છે. ચોમાસુ સામાન્ય રીતે 15-25 જૂનની વચ્ચે આવે છે. 4 મહિનાની ઋતુ પછી, સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ચોમાસું રાજસ્થાન થઈને પાછું ફરે છે.મે અને જૂનમાં ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. અલ નીનોની કોઈ શક્યતા નથી. હાલમાં ગરમી અને લૂ ફેંકાઇ રહી છે, જેના કારણે વીજળી અને પાણીની માંગમાં વધારો થશે. ભારતમાં 52 ટકા કૃષિ ક્ષેત્ર ચોમાસા પર આધારિત છે. આવી સ્થિતિમાં ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે. અલ નીનોને કારણે દરિયાનું તાપમાન 3-4 ડિગ્રી વધે છે. આના કારણે, ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વધુ વરસાદ અને વધુ વરસાદવાળા વિસ્તારોમાં વધુ વરસાદ પડે છે. અલ નીનોની અસરને કારણે ભારતમાં ચોમાસુ નબળું રહે છે.
ભારતમાં 70 ટકા વરસાદ ચોમાસા દરમિયાન થાય છે. દેશના 70-80 ટકા ખેડૂતો વરસાદ માટે ચોમાસા પર આધાર રાખે છે. વધુ કે ઓછો વરસાદ ઉપજને અસર કરે છે. કૃષિ ક્ષેત્ર અર્થતંત્રમાં 20 ટકા ફાળો આપે છે. અડધી વસ્તી કૃષિ ક્ષેત્રમાં કાર્યરત છે. સારો વરસાદ એટલે સારી આવક. 2020 થી 2024 ની વાત કરીએ તો, સ્કાયમેટની આગાહી ફરી એકવાર સાચી સાબિત થઈ છે.
2024માં, આલએમડી એ 106 ટકા વરસાદની આગાહી કરી હતી અને સ્કાયમેટે 102 ટકા વરસાદની આગાહી કરી હતી, પરંતુ વરસાદ 108 ટકા રહ્યો હતો. સ્કાયમેટે 2023માં 94 ટકા વરસાદની આગાહી કરી હતી અને વરસાદ પણ એટલો જ હતો. આઇએમડી એ 96 ટકા વરસાદની આગાહી કરી હતી. 2021માં,આઇએમડી એ 98 ટકા વરસાદની આગાહી કરી હતી, પરંતુ વરસાદ 99 ટકા પડયો.
આગામી ચોમાસા અંગે આઇએમડીએ તેની પ્રથમ આગાહી કરતી વખતે જણાવ્યું હતું કે, આ વર્ષે સમગ્ર દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં ’સામાન્યથી વધુ’ વરસાદ પડવાની શક્યતા છે.
ખેતીવાડી કામગીરી માટે સારા મોસમી વરસાદની આગાહી મહત્વપૂર્ણ છે, કારણ કે તે ખરીફ (ઉનાળામાં વાવેલા) પાકોના વાવેતર વિસ્તારમાં વધારો કરવા પર સીધી અસર કરે છે અને સારા કૃષિ ઉત્પાદન તરફ દોરી જાય છે. આ બદલામાં, ગ્રામીણ અર્થતંત્રને વેગ આપે છે અને આખરે દેશના એકંદર અર્થતંત્રમાં ફાળો આપે છે, જ્યાં મોટાભાગના કાર્યબળ કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ પર આધાર રાખે છે.
આગાહી સૂચવે છે કે આ વર્ષે દક્ષિણપશ્ચિમ (ઉનાળા) ચોમાસાનો મોસમી વરસાદ ’સામાન્યથી વધુ’ શ્રેણીમાં રહેવાની પ્રબળ સંભાવના છે.
જોકે ઉત્તરપૂર્વ ભારત, તમિલનાડુ અને બિહારના કેટલાક ભાગોમાં ’સામાન્યથી ઓછો’ વરસાદ પડવાની સંભાવના છે, દેશના મોટાભાગના અન્ય ભાગો, જેમાં ’ચોમાસાના મુખ્ય ક્ષેત્ર’નો સમાવેશ થાય છે જ્યાં ખેડૂતો ખેતીવાડી કામગીરી માટે મોસમી વરસાદ પર આધાર રાખે છે, ત્યાં ’સામાન્યથી વધુ’ વરસાદ પડી શકે છે.
જો આગાહી સાચી પડે છે, તો આ સતત બીજા વર્ષે ’સામાન્યથી વધુ’ ચોમાસાનો વરસાદ થશે. રેકોર્ડ દર્શાવે છે કે હવામાન વિભાગની આગાહી વાસ્તવિક વરસાદની ખૂબ નજીક છે અને છેલ્લા ચાર વર્ષમાં ભૂલનું માર્જિન નોંધપાત્ર રીતે ઘટ્યું છે.
ભારતમાં ચોમાસાના વરસાદને પ્રભાવિત કરતા ત્રણ વૈશ્વિક પરિબળોમાંથી બે – અલ નિનો–સધર્ન ઓસિલેશન અને હિંદ મહાસાગર ડાયપોલ – હાલમાં તટસ્થ છે અને ચોમાસાની ઋતુ દરમિયાન આ રીતે ચાલુ રહેવાની સંભાવના છે જ્યારે એક (બરફ આવરણ) આ વર્ષે વરસાદ પર સકારાત્મક અસર કરશે.
ઉત્તરીય ગોળાર્ધ તેમજ યુરેશિયા પર શિયાળો અને વસંત બરફ આવરણનો વિસ્તાર સામાન્ય કરતા ઓછો છે અને તે ઉનાળાના ચોમાસાના વિપરીત પ્રમાણસર છે. તેનો અર્થ એ કે આ સ્થિતિ ભારતમાં મોસમી વરસાદને અનુકૂળ રહેશે.