નવ નવ આત્માઓના આત્મ કલ્યાણક દીક્ષા મહોત્સવનો તૃતીય દિવસ

દીક્ષાર્થીયોની શાસન પ્રત્યેની પ્રદક્ષિણા વંદના, શપથ વિધિના દ્રશ્યો હજારો હ્રદયને ત્યાગ માર્ગની અનોખી પ્રેરણા આપી ગયા

જાગૃત કરાવે તે જિન શાસન, સુવડાવે તે સંસાર ત્યાગ, વ્રતો અને પ્રતિજ્ઞાઓને યાદ કરાવે અને જાગૃત રાખે તે જિન શાસન છે તેમ ગરવા ગિરનારની ગોદમાં દીક્ષા મહોત્સવના તૃતીય દિવસે રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજે જણાવ્યું હતું,

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સાંનિધ્યે નવ-નવ આત્માઓના‘અભયદયાણં આત્મકલ્યાણં’દીક્ષા મહોત્સવનો તૃતીય દિવસ હજારો હૃદયમાં શાસનપ્રેમની ગૌરવવંતી ધજા-પતાકા લહેરાવી ગયો હતો.

ગરવા ગિરનારના ઊંચેરા શિખરોથી વહેતાં પરમાત્મા નેમનાથના પાવન તરંગોની સ્પર્શનાએ ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિના ઉપક્રમે, સમગ્ર દીક્ષા મહોત્સવના અનુમોદક ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ પરિવાર તેમજ લાભાર્થી  નટવરલાલ વચ્છરાજ ચોકસી પરિવારના સહયોગેમુમુક્ષુ  ફેનિલકુમાર અજમેરા, મુમુક્ષુ શ્રેયમબેન ખંધાર, મુમુક્ષુ  એકતાબેન ગોસલીયા, મુમુક્ષુ નિરાલીબેન ખંધાર, મુમુક્ષુ  અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ આયુષીબેન મહેતા, મુમુક્ષુ નિધિબેન મડીયા, મુમુક્ષ મિશ્વાબેન ગોડા તેમજ મુમુક્ષુ  દીયાબેન કામદારના દીક્ષા મહોત્સવના દ્વિતિય દિવસે વી જૈન વન જૈન સાથે જોડાએલાં સમગ્ર ભારતના અનેક અનેક  સ્થાનકવાસી જૈન સંઘોની સાથે વિદેશના અનેક સંઘો, વિવિધ ક્ષેત્રોમાં બિરાજિત સંત-સતીજીઓ તેમજ હજારો ભાવિકો લાઈવના માધ્યમે જોડાઈને જિનશાસન પ્રત્યે નત મસ્તક બન્યાં હતાં.

ધર્મ ધ્વજ સાથે દીક્ષાર્થીઓના ભાવભીના પ્રવેશ વધામણા બાદ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે અત્યંત સુંદર અને સહજ શૈલીમાં જિનશાસનની વાસ્તવિક પરિભાષા સમજાવતાં કહ્યું હતું કે, આપણે સહુ સ્મૃતિના આધારે સાધના કરતાં સાધકો છીએ. સત્ય બોલવું છે, જીવ-અજીવને જાણીને અહિંસક બનવું છે, અને બ્રહ્મચર્યનું પાલન પણ કરવું છે પરંતુ આ નિયમોની સ્મૃતિઓ જ જો વિસ્મૃત થઈ જાય તો આપણે પાલના નથી કરી શકતાં. સાધનાનો મૂળભૂત આધાર હોય છે સ્મૃતિ. આવી સ્મૃતિઓને વારંવાર રિચાર્જ કરવાની પ્રેરણા જગાડે તે હોય છે જિનશાસનઅને આવા જિન શાસનની વારંવાર વારંવાર સ્મૃતિ કરાવે તે ગુરુનું અનુશાસન હોય છે.

ત્રિકાલિક અનુલક્ષીને તીર્થંકર પ્રભુ દ્વારા રચવામાં આવે તે જિન શાસન હોય છે પરંતુ વર્તમાનને અનુલક્ષીને ગુરુ કે આચાર્યો દ્વારા રચવામાં આવે તે અનુશાસન હોય છે. ત્યાગ, વ્રતો અને પ્રતિજ્ઞાઓને યાદ કરાવે તે જિનશાસન છે. જાગૃત રાખે તે જિનશાસન છે.

WhatsApp Image 2021 01 30 at 11.47.55

પરમ ગુરુદેવે મહાત્મા ગાંધીજીની પુણ્યસ્મૃતિને અનુલક્ષીને બોધ આપતાં કહ્યું હતું કે, પ્રભુએ આપેલાં અહિંસાના સિધ્ધાંતોને માત્ર આપણે સાંભળવા નથી પરંતુ તે સિધ્ધાંતોને અનુસરીને ગાંધીજીની જેમ ચરિતાર્થ કરવાના છે. મહાપુરુષોને આપણે કદાચ ભગવાન ન માનીએ પરંતુ એમના ગુણોના ભક્ત બનીને એમને સાચી શ્રધ્ધાંજલિ આપીએ.

આત્મધરાના ઊંડાણ સુધી સ્પર્શી જનારી પરમ ગુરુદેવની આવી અમૃત ધારા સાથે જ, આ અવસરે સુવિખ્યાત કલાકાર ઉત્તમભાઈ છેડા દ્વારા ધર્મ અને જિન શાસન વિષયક સમજની સુંદર શૈલીમાં અભિવ્યક્તિ કરતાં સહુ પ્રેરિત થયાં હતાં.

દીક્ષાર્થીઓએ જિનશાસન પ્રત્યે ઉપકારભાવની અભિવ્યક્તિ સ્વરુપ ભક્તિભીની પ્રદક્ષિણા વંદનાની અર્પણતા કરી હતી. જિનશાસન પ્રત્યે સમર્પિત થઈને દીક્ષાર્થીઓના શ્રીમુખેથી વીરતાપૂર્વક કરવામાં આવેલી શાસન શપથ વિધિ, પ્રભુ મહાવીરની વિદાય પછીના 2600 વર્ષ પછી આજે પણ શાસનની જયવંતતાની સાક્ષી પૂરાવી ગઈ હતી.

પરમ ગુરુદેવની આત્મહિતકારી વાણી, શાસનપ્રેમના અનેરા દૃશ્યો,  ઉત્તમભાઈ છેડાની સુંદર ભાવ અભિવ્યક્તિ અને  અસ્મિતાબેનના કર્ણપ્રિય સૂરો સાથે આ અવસર સર્વત્ર દિવ્યતા પ્રસરાવી ગયો છે.

સંયમ માર્ગ અને સંયમીઓની અનુમોદના કરીને સ્વયંના આત્મકલ્યાણની એક નવી દિશા પામવા આ અવસરોમાં લાઈવના માધ્યમે સહુ આત્મપ્રેમી ભાવિકોને ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.

સંથારાના સાધક શારદાબેનના દર્શન કરાવતા સહુ નત મસ્તક

આ અવસરે બોરીવલીના 92 વર્ષીય  શારદાબેન ગાંઠાણીને છેલ્લાં બાવીસ બાવીસ દિવસથી પરમ ગુરુદેવના  મુખેથી સંથારાની સાધના કરાવવામાં આવી રહી છે ત્યારે, લાઈવના માધ્યમે સંથારાના એ સાધક એવા  શારદાબેનના દર્શન કરાવવામાં આવતાં સહુ એમની સાધના પ્રત્યે નત મસ્તક બન્યાં હતાં.

રવિવારે પ્રેરણા આપતા કાર્યક્રમો

આત્મહિતની અનોખી પ્રેરણા આપી જતાં દીક્ષા મહોત્સવના આયોજિત આવા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત તા. 31ને રવિવાર સવારે 08.30 કલાકે સત્યના દશર્ન કરાવતાં કાર્યક્રમો, હે સંયમ ! તરવું તારા સથવારે તેમજ ‘આઇ ઓયનર ફેન્ડશીપની’એક અદ્ભૂત પ્રસ્તુતિ દર્શાવીને સહુને પ્રેરિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.