જો સંધી મુજબ ચીન ખરીદી નહીં કરે તો પરિણામો ભોગવવા તૈયાર રહેવાની ચેતવણી આપતું અમેરિકા
અમેરિકા સાથે થયેલી સંધી તોડવા ચીનની ગતિવિધિ : બંને પક્ષે આક્ષેપબાજી
વ્યાપાર સંધીનો ભંગ કરવા બદલ ચીનને અમેરિકાએ આડેહાથ લીધુ છે. બન્ને દેશો વચ્ચે દર વર્ષે અબજો રૂ પિયાની આયાત નિકાસ થતી હોય છે. પરંતુ થોડા વર્ષોથી ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધ કથળ્યા છે. ચીન ધીમે ધીમે અમેરિકા સામે આર્થિક અને સુરક્ષા ક્ષેત્રે પડકાર બની રહ્યું છે. આવા સંજોગોમાં હવે અમેરિકાએ ચીનને વ્યાપાર સંધીનો ભંગ કરવા બદલ ચેતવણી પણ આપી છે.
આ મામલે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન નુચીને જણાવ્યું હતું કે, ચીન દ્વારા વેપાર-સંધીની શરતોની અમલવારી થવી જોઈએ પરંતુ જો તેઓ આ શરતોને માન નહીં આપે તો પરિણામો ભોગવવા પડશે. બન્ને દેશો વચ્ચે સંબંધોમાં આવેલી ખટાશના કારણે વિશ્ર્વના અર્થતંત્ર પર અસર પડી શકે છે. ચીન જો વારંવાર આર્થિક વ્યાપારી સંધીનું ઉલ્લઘન કરશે તો તેમની સાથે વેપાર કરવો કે કેમ તે અંગે અન્ય દેશોને વિચારવું પડશે.
તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથેની વ્યાપારી સંધી ફોક કરવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો ચીન અમેરિકાના ૨૦૦ બીલીયન ડોલરના કૃષિ ઉત્પાદનો ખરીદશે નહીં તો સંધી તોડી નખાશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ચીન અને અમેરિકા વચ્ચે ૨૦૦ બીલીયન ડોલરના કૃષિ પેદાશો ખરીદવા મુદ્દે સંધી થઈ હતી અને ચીને આ ખરીદી અંગે તૈયારી પણ દર્શાવી હતી. ગત જાન્યુઆરી મહિનામાં અમેરિકા અને ચીન વચ્ચે આ સંધી થઈ હતી. ત્યારબાદ કેટલાક સંજોગોમાં ચીન દ્વારા આ સંધી મુજબ પગલા લેવાયા નથી. જેનાથી અમેરિકા નારાજ છે. અગાઉ પણ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર છેડાઈ હતી. એકબીજાના ઉત્પાદનો પર વધુને વધુ ટેરીફ નાખવાની હરિફાઈ જામી હોય તેવો ઘાટ ઘડાયો હતો. પરંતુ સમયાંતરે બન્ને દેશો વચ્ચે આવેલી તંગદીલી હળવી થઈ હતી.
ત્યાં કોરોના વાયરસની મહામારી ચીનથી ઉદ્ભવી છે અને ડ્રોનાલ્ડ ટ્રમ્પ આ મહામારી મુદ્દે પણ ચીનને જવાબદાર ગણાવી રહ્યાં છે. એક તરફ મહામારી સામે વિશ્ર્વ આખુ બાથ ભીડી રહ્યું છે. બીજી તરફ અમેરિકા અને ચીન વચ્ચે હુંસાતુંસી ચાલી રહી છે. થોડા સમય પહેલા અમેરિકાના સેનેટર ટેડ ક્રુઝ દ્વારા જણાવાયું હતું કે, અમેરિકા સામે સૌથી મોટો ભુગોળીય ખતરો ચીન છે. ત્યારબાદ કેટલાક નિષ્ણાંતોએ કહ્યું હતું કે, મહામારી બાદ ચીન અને અમેરિકાના સંબંધો વધુ કથળી જશે.