JEE એડવાન્સની પરીક્ષા ઓગષ્ટ મહિનામાં અને આઈઆઈટીની પ્રવેશ પરીક્ષા જુલાઈ માસમાં લેવાશે
દેશમાં કોરોના વાયરસ અને લોકડાઉનનો કપરો કાળ વેઠી રહેલા વિદ્યાર્થીઓને પોતાના ભાવીની ચિંતા સતાવી રહી છે. તેમાં ખાસ કરીને કોલેજ-યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે. તેમને પરીક્ષાની ખાસ માહિતી મેળવવાની તાલાવેલી હશે. ત્યારે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ પાસ કરીને જેઈઈ (નીટ)ની પરીક્ષા આપીને આગળ મેડિકલ અને અન્ય કેટેગરીમાં પ્રવેશ લેવાનું નક્કી કરવા માંગતા વિદ્યાર્થીઓ માટેની જેઈઈ (નીટ)ની પરીક્ષાની તારીખ આવી ગઈ છે. આગામી જુલાઈ માસમાં ૧૮ જુલાઈ થી ૨૩ જુલાઈ દરમિયાન જેઈઈ મેઈન્સની પરીક્ષા લેવામાં આવશે અને મેડિકલ પ્રવેશ માટેની નીટની પરીક્ષા ૨૬મી જુલાઈએ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
માનવ સંશાધન વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે, જેઈઈ નીટની પરીક્ષા ક્યારે લેવાશે તે અંગે આજે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી અને તેમા વિચાર-વિમર્શ કરીને પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. લોકડાઉનને કારણે હાલ એક પણ પરીક્ષા લઈ શકાય તેમ નથી. હજુ પણ જો આગામી દિવસોમાં લોકડાઉન વધે તો પણ પરીક્ષા લેવી અશકય બને. જે અનુસાર એચઆરડી મંત્રી રમેશ પોખરીયલે જણાવ્યું હતું કે, મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટની ૨૬મી જુલાઈએ લેવાશે અને ૧૮ થી ૨૩ જુલાઈ દરમિયાન જેઈઈ મેઈન્સની પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ ઓગષ્ટ મહિનામાં જેઈઈ એડવાન્સની પરીક્ષા યોજાશે જેની હજુ કોઈ તારીખ નક્કી થઈ નથી. આગામી દિવસોમાં જેઈઈ એડવાન્સની પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ જશે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ માટે આ બન્ને પરીક્ષાનું આગવું મહત્વ છે. આ પરીક્ષાથી તેમનું ભાવી નક્કી થઈ શકે. ત્યારે લોકડાઉનને પગલે આ પરીક્ષાઓ મોકુફ રાખતા આજે ફરી એકવાર પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે.
૩૧મીએ યોજાનારી યુપીએસસીની સિવિલ સર્વિસની પરીક્ષા મોકુફ
કોરોના વાયરસે સમગ્ર દેશમાં ભરડો યથાવત રાખ્યો છે. ત્યારે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને યુપીએસસીએ ૩૧મી મેના રોજ યોજાનાર સિવિલ સર્વિસની પ્રિલીમીનરી પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. પરીક્ષાની નવી તારીખ આ મહિનાના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે તેમ યુનિયન પબ્લિક સર્વિસ કમિશનએ એક નિવેદનમાં જણાવ્યું હતું. લોકડાઉનની મુદતમાં વધારો કરવામાં આવ્યા બાદ કમિશને નિર્ણય લીધો છે કે, ૨૦મી મે ના રોજ ફરીથી સ્થિતિની સમીક્ષા કરી ત્યારબાદ નવી તારીખો જાહેર કરવામાં આવશે.