મહામારી વચ્ચે સ્થિતિ પારખીને નિષ્ણાંતોની સમિતિ દ્વારા લેવાયો નિર્ણય

જોઈન્ટ એન્ટ્રેન્સ એકઝામ એટલે કે, જેઈઈ મેઈન  અને એડવાન્સ પરીક્ષા ઘોંચમાં મુકાઈ છે. આ પરીક્ષા હવે સપ્ટેમબર મહિનામાં લેવાય તેવી શકયતાઓ છે. તાજેતરમાં માનવ સંશાધન મંત્રાલય દ્વારા નિષ્ણાંતોની કમીટીનું ગઠન કરવામાં આવ્યું હતું. આ કમીટીએ મેઈન અને એડવાન્સની પરીક્ષા પાછળ ઠેલવવાનું સુચન કર્યું હતું. ત્યારબાદ સરકારે પરીક્ષાને લઈ અગત્યના નિર્ણયો લીધા હતા.

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ ગઈકાલે ટવીટ કરીને જણાવ્યું હતું કે, જેઈઈ મેઈન અને એડવાન્સની પરીક્ષા સપ્ટેમબરમાં યોજાશે. જેઈઈ મેઈન્સ ૧ સપ્ટેમબરથી ૬ સપ્ટેમબરે લેવાશે જ્યારે જેઈઈ એડવાન્સ ૨૭ સપ્ટેમબરે લેવાશે. આ બન્ને પરીક્ષા કોમ્પ્યુટર આધારીત હોય છે. સરકારના નિયમના પગલે દેશના ૨૫ લાખ કેન્ડીડેટને અસર પડશે. સરકારના નિષ્ણાંતોની સમીતીમાં આઈઆઈટી દિલ્હીના ડાયરેકટર પ્રો.વી.રામગોપાલ રાવ અધ્યક્ષ સ્થાને હતા. તેમણે મહત્વના સુચનો કર્યા હતા. જેઈઈ મેઈન માટે ૯ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. અગાઉ જેઈઈ મેઈન પરીક્ષા જુલાઈ ૧૮ થી ૨૩ વચ્ચે લેવાની હતી. પરંતુ મહામારીના પગલે પરીક્ષાઓની તારીખોમાં મસમોટા ફેરફાર થઈ ચૂકયા છે. હજુ જેઈઈ મેઈન અને એડવાન્સ સપ્ટેમબરમાં લેવાશે તેવી શકયતા છે. જો ભવિષ્યમાં મહામારીમાં કેસ વધુ હશે તો હજુ પાછળ ઠેલાય શકે છે.

‘નીટ’ પણ ઘોંચમાં

જેઈઈ મેઈન અને એડવાન્સની જેમ નીટ પણ ઘોંચમાં મુકાઈ છે. તબીબો માટે લેવાતી આ પરીક્ષા પણ સપ્ટેમબર મહિનામાં લેવાશે તેવું સત્તાવાર સુત્રો પાસેથી જાણવા મળે છે. અગાઉ નીટ-યુજી ૨૬ જુલાઈના રોજ લેવાની હતી. પરંતુ હવે નિર્ણય ફેરવાયો છે. જેની પાછળ માત્ર સ્થાનિક નહીં પરંતુ વિદેશમાં વસતા તબીબી અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા અસમર્થ હોવાનું છે.

ગુજકેટ હવે ૩૦મી જુલાઈએ લેવાય તેવી શક્યતા પણ ઘણી ઓછી

કેન્દ્ર સરકારે ઇજનેરી પ્રવેસ માટેની જેઈઈ મેઈન પરીક્ષા ફરી મોકુફ કરતા ગુજકેટ પણ હવે ફરી મોકુફ થશે. ગુજરાત બોર્ડ દ્વારા લેવાનારી ગુજકેટ હવે ૩૦મી જુલાઈએ લેવાય તેની શક્યતા ઘણી ઓછી છે. ગુજરાત બોર્ડ દ્વારા ઈજનેરી-ફાર્મસીમા પ્રવેશ માટે લેવાતી ગુજકેટમાં ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે સાથે ગુજરાત બહારના વિદ્યાર્થી

અને ગુજરાત બોર્ડ ઉપરાંત સીબીએઈ બોર્ડના વિદ્યાર્થીઓ નોંધાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા જેઈઈ મેઈન અને નીટ પરીક્ષા જ્યારે લેવાશે ત્યાર બાદ જ ગુજરાતમાં ગુજકેટની પરીક્ષા યોજાશે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારે જેઈઈ મેઈન અગાઉ મોકુફ કર્યા બાદ ૧૮ થી ૨૩ જુલાઈ અને નીટ ૨૬ જુલાઈએ યોજવાનું નક્કી કરતા ગુજરાત બોર્ડે ૩૦ જુલાઈએ ગુજકેટની પરીક્ષા રાખી હતી. ગુજકેટ ૩૦મી જુલાઈથી પાછી ઠેલવા અને મોકુફ કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત કરાઈ છે અને સરકાર ટૂંક સમયમાં નિર્ણય લઈ જાહેરાત કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.