ચોમાસુ નજીક આવી ગયું હોવા છતા જામનગર શહેરમાં વરસાદી પાણીના નિકાલની કેનાલની સમયસર સફાઈ ના થતા વિપક્ષે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે. કેનાલની સફાઈ માટે લાખો રૂપિયાની ફાળવણી કરાયા બાદ પણ સમયસર સફાઈ કામગીરી ના થતા ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાવાની વિપક્ષે ભીતિ વ્યકત કરી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે 35 કિમી લાંબી કેનાલ આવેલી છે.
મનપાએ પ્રિમોન્સૂન કામગીરી માટે 46 લાખ રૂપિયા ફાળવ્યા
વર્ષ દરમિયાન તેમાં કચરો ભરાઈ જતો હોવાના કારણે ચોમાસા પૂર્વેજ મહાનગરપાલિકા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત આ કેનાલની સફાઈ કરાવતી હોય છે. આ વર્ષે પણ મનપા દ્વારા અલગ અલગ ચાર કોન્ટ્રાકટરોને કેનાલની સફાઈની કામગીરી સોંપવામા આવી છે. મનપા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી માટે 46 લાખ રૂપિયાના ખર્ચની જોગવાઈ પણ કરવામા આવી છે.
પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા કરતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા
રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વોર્ડ નંબર ચાર ખાતે ચાલી રહેલી કેનાલ સાફસફાઈની કામગીરીની સમીક્ષા કરી હતી સાથે જ કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.આ સાથે જ મંત્રી એ લોકોને પણ અપીલ કરી કહ્યું હતું કે, દરેક લોકો પોતાના વિસ્તારમાં આવતી ડોર ટુ ડોર સર્વિસમાં જ કચરો આપે, કેનાલમાં કચરો ન નાંખે તો જ સ્વચ્છ જામનગર બની શકશે.હાલ આ કેનાલ સાફ-સફાઈની કામગીરી 65 ટકા જેટલી પૂર્ણ થઈ ચૂકી છે.
જ્યારે બાકી રહેલ વિસ્તારોની કેનાલની સફાઇ આ વર્ષે વરસાદ વહેલો હોવાની શક્યતાને અનુસંધાને ખૂબ ટૂંકાગાળામાં પૂર્ણ કરવામાં આવશે. સર્વે કેનાલોમાં દરેડથી નીકળી તળાવ સુધી જતી તળાવને પાણીથી ભરતી ફીડિંગ કેનાલ 6.80 કિલોમીટરની સૌથી લાંબી કેનાલ છે. મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ ચોમાસા દરમિયાન પણ કેનાલોમાં કોઈ કચરો ફરી પાછો આવે તો તેને સફાઈ કરી પાણીના નિકાલ વ્યવ્સ્થાપનની જવાબદારી પણ કોન્ટ્રાક્ટરની સુનિશ્ચિત કરવામાં આવી છે.
કેનાલની માત્ર કાગળ પર સફાઈ: અલ્તાફ ખફી
મનપાના નેતા વિપક્ષ અલ્તાફ ખફીએ આક્ષેપ કરતા કહ્યું કે, તેઓની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી કેનાલની મુલાકાત કરવામા આવી હતી. હાલ એક પણ કેનાલની 10 ટકા પણ સફાઈ ના થઈ હોવાનો નેતા વિપક્ષે આક્ષેપ કર્યો છે.
કેનાલ સફાઈના નામે મનપામાં મિલિભગતથી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. શહેરમાં વિપક્ષ દ્વારા નાયબ કમિશનરને આવેદનપત્ર પાઠવી આગામી ત્રણ દિવસમાં કેનાલની સફાઈ કામગીરી પૂર્ણ કરવાની માગ કરવામા આવી છે. અન્યથા વિપક્ષ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.