આતંકી નદીમના મોબાઈલમાંથી અનેક પાકિસ્તાનીઓ સાથેની વાતચીતનો ઓડિયો મળી આવ્યો’
પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલી નુપુર શર્મા સતત આતંકવાદીઓના નિશાના પર છે. નૂપુર શર્માને આતંકવાદી સંગઠનો તરફથી ધમકીઓ મળ્યા બાદ હવે તેની હત્યાના ષડયંત્રને પણ નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું છે. એટીએસે યુપીના સહારનપુરમાંથી એક આતંકીની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકી નુપુર શર્માને મારવા આવ્યો હતો અને આ આતંકી જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ ધરાવે છે.
અહેવાલ મુજબ, ધરપકડ કરાયેલા આતંકવાદીની ઓળખ મોહમ્મદ નદીમ તરીકે કરવામાં આવી છે, જે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદ અને તહરીક-એ-તાલિબાન જેવા આતંકવાદી સંગઠનો સાથે સીધો સંબંધ ધરાવતો હતો. મળતી માહિતી મુજબ, યુપી એટીએસએ સહારનપુરના ગંગોહ પોલીસ સ્ટેશન હેઠળના કુંડાકલન ગામમાંથી આ આતંકીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આતંકવાદીએ પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે કે તેને નૂપુર શર્માની હત્યા કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું,
જેને તે અંજામ આપવા આવ્યો હતો.યુપી એટીએસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આતંકવાદી નદીમ પાસેથી એક મોબાઈલ મળી આવ્યો છે, જેમાં પીડીએફ મળી આવી છે. નુપુર શર્મા પર થયેલા હુમલાની સંપૂર્ણ વિગતો આ પીડીએફમાં જોવા મળી છે. આ સિવાય નદીમના ફોનમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં આતંકવાદીઓ સાથે વાતચીતના વોઈસ મેસેજ પણ મળ્યા છે. નદીમે પૂછપરછમાં જણાવ્યું છે કે તે સોશિયલ મીડિયાના માધ્યમથી આતંકવાદી સંગઠનોના સંપર્કમાં આવ્યો હતો.