- કુલ 16 લોકર ખોલાતા તેમાંથી ત્રણ લોકરમાંથી લગભગ 3.5 કરોડ રૂપિયા અને 2.5 કિલો સોનું તેમજ કિંમતી સામાન સહિત મળી આવ્યો
મીઠા અને હોટલના ધંધા સાથે સંકળાયેલા દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા એકમલને ત્યાં ઈન્કમેટક્સ વિભાગ દ્વારા અમદાવાદ, જામનગર, મોરબી અને માળિયામાં 20 જેટલા સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં કરોડોના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે અને રૂ. 150 કરોડની કરચોરી પકડાઈ છે.
શોધખોળ દરમિયાન કુલ 16 લોકરમાંથી ત્રણ લોકરમાંથી લગભગ 3.5 કરોડ રૂપિયા અને 2.5 કિલો સોનું, કિંમતી સામાન સહિત મળી આવ્યો હતો. આવકવેરા વિભાગ દ્વારા 16 બેંક લોકર સીઝ કરાયા હતા અને તે પૈકી 3 બેંક લોકર ઓપરેટ કરવામાં આવ્યા છે. ઈન્કમટેક્સ વિભાગને જમીન ખરીદીના વ્યવહારો મળ્યા છે અને રૂ. 150 કરોડનું જમીન રોકાણ કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે.
ઈન્મકટેક્સ વિભાગની અત્યાર સુધીની તપાસમાં રૂ.150 કરોડની કરચોરીની કબૂલાત દેવ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. આઇટી વિભાગ દ્વારા એફએસએલની મદદ લઈને આ ગ્રુપ દ્વારા કોમપ્યુટર, લેપટોપ, મોબાઈલ, હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવમાંથી ડિલિટ કરાયેલ ડિજિટલ ડેટા, માહિતીનો બેકઅપ લેવામાં આવ્યો છે. આવકવેરા વિભાગ દ્વારા દેવ ગ્રુપ પરની કેટલીક પ્રિમાસીસમાં સર્ચ અને દરોડાની કાર્યવાહી પૂરી કરવામાં આવી છે. જોકે, અમદાવાદ સહિત કેટલાંક સ્થળે હજુ પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે અને તપાસના અંતે મોટાપાયે કરચોરી પકડાય તેવી શક્યતા છે.
દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલાઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવતા લિક્વિડ બ્રોમાઈન કોન્સન્ટ્રેટનું ઈન્ડસ્ટ્રીઝને વેચાણ કરવામાં આવ્યું હોવાના જંગી રકમના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે. દેવ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલાઓ દ્વારા મીઠાના ઉત્પાદન માટે પાણીના મૂલે 99 વર્ષના લીઝ પર લેવામાં આવતી જમીન અન્ય પક્ષકારોને વારદીઠ રૂ. 4થી રૂ. 5 લાખના ભાવે વેચી દેવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યાનુસાર, લગભગ 30 વર્ષથી સોલ્ટના વ્યવસાય સાથે સંકળાયેલ દેવ ગ્રુપ સોલ્ટ પ્રાઇવેટ લી. ઉપરાંત મૈત્રી ડેવલપમેન્ટ, ડી.કે. એન્ટરપ્રાઈઝ તથા અરહિંત અર્થમુવર્સ એન્ડ કોન્ટ્રાકટના ધંધા સાથે સંકળાયેલાં દેવેન્દ્ર ઝાલા, વિમલ કિર્તીભાઈ કામદાર, વિવેક સોમાણી, રૂપલ કિરણ વ્યાસ સહિત સંકળાયેલાઓ પર ઈન્કમટેક્સ વિભાગ સાગમટે દરોડા પાડયા હતા.
જામનગર, મોરબી, માળીયા અને અમદાવાદ સહિત 20 સ્થળોએ સર્ચની કાર્યવાહી કરાઈ હતી
જામનગર, મોરબી, માળીયા અને અમદાવાદમાં રાજપથ કલબ પાછળ આવેલા દેવ હાઉસ, આરોહી કલબ, ઘુમા નજીક તેમજ શાંતિગ્રામ સ્થિત નોર્થ પાર્ક વિલા સહિત 20 સ્થળોએ સર્ચની કાર્યવાહીમાં અમદાવાદ, રાજકોટના અધિકારીઓ સહિત કર્મચારીઓ જોડાયા છે. બીજા દિવસે વધુ પાંચ પ્રિમાઈસીને દરોડામાં આવરી લેવામાં આવી હતી. એક અંદાજ મુજબ આ ગ્રુપનું ટર્ન ઓવર 200 કરોડ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે. ઈન્કમટેક્સ વિભાગની દરોડા અને સર્ચની કામગીરીમાં મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો હાથ લાગ્યા છે. આ ગ્રુપ દ્વારા ચોપડે દર્શાવ્યા વિના નાણાં, રીઅલ એસ્ટેટ તથા હોસ્પિટાલિટીના ધંધામાં ટ્રાન્સફર કરતાં હોવાની મળેલી બાતમીના પગલે ઇન્કમટેક્ષ વિભાગે આ ગ્રૂપ પર સર્ચની કામગીરી હાથ ધરી છે.