સામાન્ય રીતે આ સમયે મેળામાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે, પરંતુ આજે માત્ર મુઠ્ઠીભર લોકો જ જોવા મળ્યા છે.
બપોર પડતા જ રાજકોટમાં જોરદાર વરસાદ જામ્યો છે. વરસાદથી રાજકોટના ઘણા ભાગો જળબંબાકાર થયા છે. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયાં છે અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજકોટમાં આજે સવારથી શરૂ થયેલા અચાનક ધોધમાર વરસાદે શહેરના વાર્ષિક લોકમેળાને અસર કરી છે.આ અણધારી કુદરતી ઘટનાએ મેળાના આયોજકો અને વેપારીઓની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.વરસાદના કારણે મેળાના મેદાનમાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ ગયા છે. આ ઉપરાંત, મોટાભાગના વિસ્તારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.
રાજકોટના લોકમેળામાં પણ વરસાદી વિઘ્ન જોવા મળી રહ્યું છે. ભારે વરસાદ બાદ મેળાના સ્થળ પર વરસાદી પાણી ભરાવાવનું શરૂ થયું છે. જોરદાર વરસાદ થતા સ્ટોલ ધારકોએ એક દિવસ મેળો લંબાવવાની માગ કરી છે. લોકમેળાના પ્રારંભે વરસાદ થતા મેળાની મજા બગડી શકે છે. વરસાદ રહેતા મોરમ નાખવી પડે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાશે.
મેળામાં સ્ટોલ ધરાવતા એક વેપારીઓનું કહેવું છે કે, અમે આ મેળા માટે ઘણી તૈયારીઓ કરી હતી, પરંતુ આ વરસાદે બધું બગાડી નાખ્યું છે. લોકો ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે અમારો વેપાર ખૂબ જ પ્રભાવિત થયો છે.
રાજકોટમાં ચાલી રહેલા લોકમેળા દરમિયાન અચાનક આવેલા ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
View this post on Instagram
જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, “વરસાદના કારણે મેળાના મેદાનમાં પાણી ભરાઈ ગયું છે. અમે વરસાદ અટકે કે તરત જ મેળામાંથી પાણીનો નિકાલ કરવા માટે આદેશ આપ્યા છે.”
તેમણે ઉમેર્યું કે માર્ગ અને મકાન વિભાગના ઇજનેરોને મેળાના ગ્રાઉન્ડમાં મોરમ અને કપચી પાથરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી લોકોને ચાલવામાં સરળતા રહે.
તંત્ર આગામી સમયમાં લોકમેળાના દિવસો વધારવા અંગે વિચારણા કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે.
રાહતની વાત એ છે કે જિલ્લામાં હાલ કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી. જો કે, શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાના અહેવાલો છે.