- બાર એસોસિએશનના હોદેદારોની અરજન્ટ બેઠક: બાર અને બેંચ વચ્ચે વિવાદ વકર્યો !!
રાજકોટના નવા કોર્ટ બિલ્ડિંગમાં હજુ સુધી વકીલોના ટેબલો મુકવાનો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં રાજકોટ બાર એસોસિએશનના રૂમમાં ઝેરોક્સ મશીન મુકવાના મુદ્દે બેન્ચ અને બાર એસોસિએશન ફરી આમને-સામને આવી ગયા હોય તેમ ડિસ્ટ્રિક્ટ જજે બાર રૂમમાંથી ઝેરોક્ષ મશીન ઉપાડી લેવાની નોટીસ આપ્યા બાદ બાર રૂમમાંથી ઝેરોક્ષ મશીન જપ્ત કરી લેવામાં આવતા વકીલોમાં રોષ ભભૂક્યો હતો. જેને પગલે બાર એસોસિએશન દ્વારા તાબડતોડ વકીલોની મિટિંગ બોલાવવામાં આવી છે.રાજકોટમાં જામનગર રોડ ઉપર નવનિર્માણ પામેલી કોર્ટમાં ટેબલ મુદ્દે સળગેલા વિવાદનો હજુ અંત આવ્યો નથી ત્યાં ફરી બાર અને બેન્ચ ઝેરોક્ષ મશીન મુદ્દે અમને સામને આવી ગયા છે.
રાજકોટ બાર એસોસિએશન દ્વારા બાર રૂમમાં રાખવામાં આવેલું ઝેરોક્ષ મશીન ઉપાડી લેવા રાજકોટના પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ આર.ટી.વચ્છાણીએ નોટિસ આપી હતી. નોટીસના મળતા જ બાર એસોસિએશનના હોદ્દેદારો અને વકીલોને ડિસ્ટ્રીકટ જજને મળવા દોડી ગયા હતા. ત્યારે ડિસ્ટ્રીકટ જજે બાર રૂમમાંથી ઝેરોક્ષ મશીન ’તમે નહીં ઉપાડો તો અમે ઉપાડી લેશું’ તેમ કહેતા વકીલોમાં ભારે નારાજગી પ્રસરી ગઇ હતી.
બાર રૂમમાંથી ઝેરોક્ષ મશીન ઉઠાવી લેવા નોટીસ આપ્યા બાદ ઝેરોક્ષ મશીન જપ્ત કરવામાં આવતા વકીલોમાં રોષ ભભૂક્યો હતો જેને પગલે બાર એસોસિએશન દ્વારા તમામ વકીલોને તાબડતોડ બાર રૂમમાં એકત્રીત થવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. વકીલોના ટેબલનો મુદો હજુ યથાવત છે ત્યાં ઝેરોક્ષ મશીનને લઈને વિવાદ ઊભો થતા વકીલો સાથે મીટીંગ યોજવામાં આવી રહી છે અને મિટિંગમાં આગામી સમયમાં ટેબલ અને ઝેરોક્ષ મશીન સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.