- હંગામો વધતાં રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી
સંસદની કાર્યવાહી શરુ થતાં જ કર્ણાટક અનામત મુદ્દે આજે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. કર્ણાટકમાં સરકારી ટેન્ડરમાં મુસ્લિમ કોન્ટ્રાક્ટરોને 4 ટકા આરક્ષણ આપવામાં આવ્યું છે. આ મામલે ભાજપ આક્રમક છે. ભાજપનું કહેવું છે કે કર્ણાટકની કોંગ્રેસ સરકારે અનામતનો ભંગ કર્યો છે. રાજ્યસભામાં ભાજપે મલ્લિકાર્જુન ખડગે પાસેથી સ્પષ્ટતા માંગી હતી. આ દરમિયાન હંગામો વધતાં રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. કર્ણાટકમાં સરકારી કોન્ટ્રાક્ટમાં મુસ્લિમોને અનામત આપવાના નિર્ણયને લઈને આજે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, ’બંધારણમાં લખ્યું છે કે, ધર્મના આધારે અનામત આપી શકાય નહીં. પરંતુ કર્ણાટક સરકારે એક બિલ પસાર કર્યું છે જેમાં જાહેર કરારમાં 4 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, ’આ મહત્ત્વપૂર્ણ બાબત અમારા ધ્યાન પર આવી છે કે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ નિવેદન આપ્યું છે કે તેઓ બંધારણમાં સુધારો કરશે જેથી મુસ્લિમ સમુદાયને અનામત આપી શકાય.
આ નિવેદન બંધારણ પર હુમલો છે.’ અમે આ સહન નહીં કરીએ. કોંગ્રેસ અધ્યક્ષે આ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. આ મામલે સંસદમાં વધુ હોબાળો થવાની શક્યતા છે. તેમજ આ મામલે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, ’મુસ્લિમ આરક્ષણનો મુદ્દો ઉઠાવીને કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરના બંધારણની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે. આજે જ નાયબ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરો.
અનામતને કોઈ ખતમ કરી શકે નહીં: ખડગે
રાજ્યસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ’બાબાસાહેબ આંબેડકર દ્વારા બનાવેલા બંધારણને કોઈ બદલી શકે નહીં. આરક્ષણને કોઈ ખતમ કરી શકે નહીં. તેને બચાવવા માટે અમે કાશ્મીરથી ક્ધયાકુમારી સુધી ભારત જોડો યાત્રા કરી તેઓ ભારતને તોડી રહ્યા છે.