ઓઝત-2થી 43 ગામના ખેડૂતોને સિંચાઈ માટે મળે છે પાણી : 9400 હેક્ટરના પિયતને લાભ ખેડૂતો ત્રણ પાક લઈ શકશે
જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો અને 313 ગામોની જીવાદોરી સમાન ઓઝત-2 ડેમ સીઝનના પ્રથમ જ વરસાદમાં 78 ટકા જેટલો ભરવામાં આવ્યો છે. સાથે જ આ ડેમ 43 ગામોના ખેડૂતોને 9400 હેકટરમાં સિંચાઈનું પાણી પણ પૂરું પાડે છે. આમ, જિલ્લામાં સારા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
બાદલપુર ગામ પાસેના ઓઝત-2 જળ સંપત્તિ યોજનાના સેક્શન ઓફિસર ડી.ડી. ભારાઈના જણાવ્યા મુજબ, 25 દરવાજા ધરાવતા આ ડેમના સારા વરસાદના પગલે 10 જેટલા દરવાજા દોઢ મીટર સુધીના ખોલવામાં આવ્યા હતા.
હાલ આ ડેમના પાણીના આવકના પ્રવાહને ધ્યાનમાં રાખીને બે દરવાજા અડધા ફુટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. તથા હજુ ચોમાસાનો સમય હોય અને સીઝન દરમિયાન ફ્લડની સ્થિતિને નિયંત્રિત કરી શકાય. તેથી ડેમ પૂર્ણ સપાટી ભરવામાં નથી આવ્યો.
હાલ ઓઝત – 2ની 76.50 મીટરની સપાટી છે. ડેમની પૂર્ણ સપાટી 77.50 મીટરની છે. ઓઝત-2 ડેમની 36.20 મિલિયન ઘન મીટર પાણીનો જથ્થો સમાવવાની ક્ષમતા છે. જે પીવાના પાણી માટે પ્રતિદિન અંદાજે 4 કરોડ લીટર (40-ખકઉ) જેટલું પાણી પૂરું પાડી શકે છે. ઉપરાંત 9400 હેક્ટરમાં આ ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે.
આ સાથે ભારાઈના વધુમાં જણાવ્યા મુજબ, કાર્યપાલક ઈજનેર ઉકાણીના માર્ગદર્શનમાં ઓઝત-2 સંપત્તિ યોજના પર સતત મોનિટરિંગ- દેખરેખ રાખવામાં આવી રહી છે.
ઓઝત-2 જળ સંપત્તિ યોજનથી લાભાન્વિત બાદલપુર ગામના ખેડૂત ખાતેદાર મનસુખભાઈ ડોબરીયા જણાવે છે કે, એક સમયે અહીંયા કુવામાં પીવાનું પાણી ન હતું પરંતુ, ઓઝત-2 જળ સંપત્તિ યોજનાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે. તેમાં પણ આ વર્ષે કુદરતે પણ પ્રથમ રાઉન્ડમાં જ ખૂબ મહેર વરસાવી. જેથી ઓઝત-2 ડેમ ભરાઈ ગયો છે. આમ, સિંચાઈનું પાણી તો મળશે તેમજ ઉનાળુ પાક માટે પણ 6-7 પિયત આપવામાં આવશે.
આ ડેમથી પ્રત્યક્ષ-પરોક્ષ રીતે ખૂબ લાભ છે. કૂવા-બોરમાં પાણીનું ભૂગર્ભ તળ ખૂબ ઉંચુ આવી જાય છે.જેથી ખેડૂતો ત્રણ પાક લઈ શકશે.