૪૬ કરોડના ખર્ચે ડેમની ઉંચાઈમાં ૧ મીટરનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં સિંચાઈ વિભાગના રેકર્ડ પર હજી જુની ઉંચાઈનો આંક ૨૧.૮૦ ફુટ જ બોલે છે: ચાલુ સાલ ન્યારી ડેમ ૨૫ ફુટની ઉંચાઈ સુધી ન ભરાય તેવી પણ સંભાવના
રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના એક માત્ર એવા ડેમની ઉંચાઈમાં ૧ મીટરનો વધારો કરવામાં આવ્યો છે. ગત ૨૯મી જુનના રોજ રાજકોટની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ન્યારી ડેમની ઉંચાઈ વધારવાના પ્રોજેકટનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હોવા છતાં અનેક આશ્ર્ચર્ય વચ્ચે રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સતાવાર રેકોર્ડ પર હજી સુધી ન્યારી ડેમની ઉંચાઈમાં કોઈ જાતનો વધારો થયો નથી. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં ન્યારી ડેમ નવી નહી પરંતુ જુની ઉંચાઈ સુધી જ ભરવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
ન્યુ રાજકોટની પાણીની સમસ્યાનું કાયમી ધોરણે નિરાકરણ લાવવા માટે મહાપાલિકા દ્વારા ૪૬ કરોડના ખર્ચે ન્યારી ડેમની ઉંચાઈમાં ૧ મીટરનો વધારો કરવામાં આવ્યો છે. ન્યારી ડેમની ઉંચાઈ ૨૧.૮૦ ફુટ હતી. જેમાં ૧ મીટરનો વધારો કરી ઉંચાઈ ૨પ.૦૮ ફુટની કરવામાં આવી છે. ઉંચાઈ વધતા ડેમની જળસંગ્રહ શકિત પણ ૯૪૪ એમસીએફટીથી વધી ૧૨૦૦ એમસીએફટી થઈ જવા પામી છે. ગત ૨૯મી જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ન્યારી ડેમની જળસંગ્રહશકિત અને સલામતી વધારવાના પ્રોજેકટનું વિધિવત લોકાર્પણ કરી દેવામાં આવ્યું હોવા છતા આજે ૨૦ દિવસનો સમય વિતી ગયો છે છતાં સિંચાઈ વિભાગના રેકોર્ડ પર ન્યારી ડેમની ઉંચાઈમાં ૧ ઈંચનો પણ વધારો કરવામાં આવ્યો નથી. જુલાઈ માસ પણ પૂર્ણ થયો નથી ત્યાં ન્યારી ડેમ ૧૩.૩૦ ફુટ સુધી ભરાઈ ગયો છે. આવામાં આગામી એકાદ પખવાડીયામાં ન્યારી છલકાય જાય તેવા સુખદ સંજોગો પણ સર્જાયા છે પણ અમુક ટેકનિકલી કારણોસર સિંચાઈ વિભાગના રેકોર્ડ પર ન્યારીની ઉંચાઈ ૨૧.૮૦ ફુટથી વધારી ૨૫ ફુટ કરવામાં આવી ન હોય. ચાલુ વર્ષે ડેમને નવી ઉંચાઈ મુજબ ભરવામાં ન આવે તેવી શકયતા પણ જણાઈ રહી છે.