- હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન ચાવડા વિરુદ્ધ ગુનો : જયદીપના 14 દિવસના રિમાન્ડની માંગણી કરાશે
- 1972થી 1998 સુધીના હસ્તલેખિત દસ્તાવેજોમાં ચેડા કરી મિલ્કત ત્રાહિત વ્યક્તિના નામે ચડાવી દેવાતી’તી
રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજનું કૌભાંડ સામે આવ્યા બાદ પોલીસની તપાસમાં અનેક ઘટસ્ફોટ થયાનું જાણવા મળ્યું છે. સબ રજીસ્ટ્રાર કચેરીમાં કોન્ટ્રાકટ આધારિત સુપરવાઇઝર તરીકે કામ કરતા જયદીપ ઝાલાની ધરપકડ બાદ પૂછપરછમાં અનેક ચોકાવનારી વિગતો સામે આવ્યાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. પ્ર.નગર પોલીસે હાલ જયદીપ ઝાલા, કિશન ચાવડા અને હર્ષ સોની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. વધુ પૂછપરછ માટે જયદીપ ઝાલાના 14 દિવસના રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે, હજુ ફક્ત દસ્તાવેજ બનાવનારના નામો સામે આવ્યા છે પણ દસ્તાવેજ બનાવી મિલ્કત ઓળવી જનારા પડદા પાછળના ખેલાડીઓ વિરુદ્ધ પણ તપાસનો ગાળિયો કસાય તો નવાઈ નહિ ત્યારે સમગ્ર કૌભાંડમાં અનેક નવા નામો ખુલે તેવી પ્રબળ શક્યતાઓ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર રૈયા સર્વે નંબર 277/1 પ્લોટ નંબર 42 માં ગામ નમૂના નંબર 2માં દાખલ કરવામાં આવેલી નોંધ રદ્દ કરવા જમીનના દસ્તાવેજની ખરાઈ કરવા પશ્ચિમ મામલતદારને જણાવવામાં આવ્યું હતું ત્યારે રજીસ્ટ્રાર કચેરી દ્વારા મોકલાવવામાં આવેલા દસ્તાવેજ તેમજ મામલતદાર કચેરી પાસે ઉપલબ્ધ દસ્તાવેજમાં વિસંગતતા જોવા મળતા સબ રજીસ્ટ્રારને જાણ કરવામાં આવી હતી. જે બાદ રજીસ્ટ્રાર અતુલ દેસાઈએ અન્ય હસ્ત લેખિત દસ્તાવેજોની તપાસ કરાવતા તેમાં પણ વિસંગતતા જોવસ મળી હતી જે બાદ કુલ 17 જેટલાં બોગસ દસ્તાવેજ બની ગયાનું ધ્યાને આવ્યું હતું. બાદમાં સબ રજીસ્ટ્રારે આ બાબતે પોલીસને જાણ કરતા પ્ર.નગર પોલીસે તપાસ શરૂ કરી હતી.
દરમિયાન પોલીસે સબ રજીસ્ટ્રાર કચેરીમાં કરાર આધારિત સુપરવાઇઝર જયદીપ ઝાલાને ઉઠાવી આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. જે પૂછપરછમાં કોમ્પ્યુટર ઓપરેટર કિશન ચાવડાનું નામ ખુલ્યા બાદ માસ્ટર માઇન્ડ તરીકે હર્ષ સાહેલિયા ઉર્ફે હર્ષ સોનીનું નામ ખુલયુ હતું. જે બાદ હર્ષ અને કિશન બંનેની શોધખોળ કરવામાં આવતા બંને મળી આવ્યા ન હતા. જે બાદ હર્ષ સોનીના બીલખા પ્લાઝા ખાતે આવેલા ફ્લેટની તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી પોલીસને દસ્તાવેજ, સ્ટેમ્પ, સ્ટેમ્પ બનાવવાનું મશીન, ફોટો પ્રોફેશનલ ટ્રેકિંગ પેપર સહિતની સામગ્રી મળી આવી હતી.
હાલ પોલીસ હર્ષ અને કિશનની શોધખોળની સાથોસાથ અનેક દિશામાં તપાસ ચલાવી રહી છે. ત્યારે હવે પોલીસના જણાવ્યા અનુસાર 17 બોગસ દસ્તાવેજ બની ગયાનું સામે આવ્યું છે ત્યારે હર્ષ સોની, જયદીપ ઝાલા અને કિશન ચાવડા તો ફક્ત બોગસ દસ્તાવેજ બનાવતા હતા પણ દસ્તાવેજ બનાવી મિલ્કત ઓળવી જનારા પડદા પાછળના ખેલાડીઓ કોણ છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કર્યાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે, 1972થી 1998 સુધીના હસ્તલેખિત દસ્તાવેજોમાં જ ચેડા કરવામાં આવ્યા હતા ત્યારે આ જમીનોના દસ્તાવેજ કોના કોના નામે કરવામાં આવ્યા હતા? પડદા પાછળ કોણ મિલ્કત પચાવવાનું ષડયંત્ર ચલાવતું હતું? આ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
હાર્દસમાન વિસ્તારની જમીનનો બોગસ દસ્તાવેજ બનાવી પ્રોજેક્ટ ખડકી દેવાયો?
સમગ્ર કૌભાંડથી વાકેફ લોકોમાં હાલ એક ચર્ચા ખુબ તીવ્ર બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના એક હાર્દ સમાન વિસ્તારની લગડી જેવી જમીનનો બોગસ દસ્તાવેજ એક કુંભ રાશિના જાતકે બનાવડાવી અન્ય એક કુંભ રાશિના તપતા સૂરજ જેવા શખ્સને વેંચી દીધાનું અને હાલ અહીં મોટો પ્રોજેક્ટ ખડકી દેવાયાનો પણ ગણગણાટ છે.
રાજકીય છેડો ધરાવતા શખ્સે પણ બેક દસ્તાવેજ બનાવડાવ્યાનો ગણગણાટ
હર્ષ મહાજન ફક્ત મહોરું હતું પણ પડદા પાછળ મોટો ખેલ કોઈક અલગ જ ખેલાડીઓ ખેલી ગયાંનો પણ હાલ ગણગણાટ છે. એક રાજકીય છેડો ધરાવતા શખ્સ કે જેઓ રાજકોટની ઐતિહાસિક ધરોહર સમાન મિલ્કતની તદ્દન સામે આવેલી બિલ્ડીંગમાં લકઝરીયસ ઓફિસ ધરાવતા શખ્સે તો બે કે તેથી વધુ જમીનોના બોગસ દસ્તાવેજ બનાવડાવી લીધાનું સૂત્રો જણાવી રહ્યા છે.
હર્ષ સોની એટલે ‘તેલગી’નો નાનો ભાઈ?
અગાઉ મહારાષ્ટ્રમાં નકલી સ્ટેમ્પ બનાવવાનું અબજો રૂપિયાનું કૌભાંડ ઝડપાયું હતું જેમાં માસ્ટર માઈન્ડ તરીકે અબ્દુલ કરીમ તેલગીનું નામ સામે આવ્યું હતું. ત્યારે હવે બોગસ દસ્તાવેજ કૌભાંડમાં હાલના તબક્કે માસ્ટર માઈન્ડની ભૂમિકા ધરાવતા હર્ષ સોનીના ફ્લેટમાંથી દસ્તાવેજો, સ્ટેમ્પની સાથે સ્ટેમ્પ બનાવવાનું મશીન તેમજ ફોટો પ્રોફેશનલ ટ્રેકિંગ પેપર પણ મળી આવ્યા છે જેથી શું હર્ષ મહાજન નકલી સ્ટેમ્પ પણ બનાવતો હતો તેવો સવાલ ઉઠ્યો છે.