ખાટલે મોટી ખોટ….?
અબતક
વિનાયક ભટ્ટ. ખંભાળિયા
ખંભાળિયા શહેરમાં રખડતા ઢોર અંગે પ્રાંત અધિકારી ડોબરીયાએ પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને પગલા ના લેતા કારણ દર્શક નોટીસ આપતા ભારે ચર્ચા જાગી છે ત્યારે આ મુદ્ે પાલિકાની સ્થિતિ લાચાર જેવી છે.
રખડતા ઢોર બાબતે અહીંથી સંસ્થા એનિમલ કેર્સ ગૃપના દેસુરભાઇ ધમા, મિલન વારીયાના કાર્યકરોની રજૂઆત તથા આ મુદ્ે ભાજપના જિલ્લા પ્રમુખ ખીમભાઇ જોગલે અંગત રસ લઇને તાકીદે જમીન ફાળવાય તે માટે તંત્રને જણાવેલું અનેક જગ્યાનો સર્વે પણ થઇ ગયો પણ હજુ જમીન મળી નથી.
ન.પા.ને ઢોર સાચવવા જાળવવા કે ગૌશાળા માટે સરકાર કંઇ સહાય આપતી નથી. પાલિકા વિસ્તારમાં કોઇ જમીન ખાલી નથી કે જ્યાં આ ઢોર રાખી શકાય અને રખાય તે પછી તેની નિંદામણમાં માણસો રાખી રોજનાં હજારો ખર્ચ થાય તેની કોઇ જોગવાઇ નથી.
દ્વારકા જિલ્લા જામનગર તથા ખંભાળિયાની ગૌશાળાના સંચાલકોને પાલિકા તંત્ર દ્વારા ઢોર પકડીને મોકલે તો સંભાળવા વિનંતીઓ કરેલી પણ કોઇ સંસ્થા તૈયાર નથી.
રખડતા ઢોર અનેક લોકોના માલિકીના હોય તેમને નોટીસો આપી હતી પણ ઢોર પકડીને ક્યા રાખવા તે મોટો પ્રશ્ર્ન છે. અગાઉ કેટલીક ન.પા.એ રખડતા ઢોર પકડી પછી ત્યાં વ્યવસ્થિત ખાવા-પીવાની ના થતાં ઢોર મૃત્યુ પામ્યાના દાખલા પણ કેટલાક શહેરોમાં બનેલા છે.
રખડતા ઢોરને પકડવા અગાઉ પાલિકા દ્વારા ટ્રાફિક પોલીસને સાથે રાખીને ગાડીઓ પકડી લઇ જવા પ્રયાસો કરાતા કેટલાક ગૌપ્રેમીઓએ આ કાર્ય અટકાવ્યું હતું.
અગાઉ પાલિકા દ્વારા ત્રણ કર્મચારીને રાખીને રખડતા ઢોર રસ્તા પરના બેસે તે માટે એક માસ કામગીરી પણ કરાવી હતી પણ શહેરમાં આડેધડ ગામે ત્યાં રસ્તા પર ઘાસચારો નંખાતો હોય માલિકીના ઢોર રખડતા મૂકી દેવાતા હોય રખડતા ઢોરનો પ્રશ્ર્ન ગંભીર છે તથા અધિકારીઓ ઉચ્ચકક્ષાએ અંગત રસ લઇને આ મુદ્ો હલ થાય તે જરૂરી બન્યું છે.