શિયાળુ પાક નહિ વેચાય ત્યાં ઉનાળુ પાક બજારમાં આવી જશે, સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશનના પ્રમુખની મુખ્યમંત્રીને રજુઆત
સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડ ગાઇડલાઇન મુજબ શરૂ કરવા સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
છેલ્લા એક મહિનાથી ગુજરાતના તમામ એપીએમસી સરકારના આદેશ મુજબ બંધ કરી દેવામાં આવ્યા છે સતત વધતી જતી કોરોના મહામારીના કારણે વધુ પડતી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેના માટે સરકારના આદેશથી તમામ માર્કેટ યાર્ડ બંધ કરી દેવામાં આવ્યા પરંતુ યાર્ડ સાથે સંકળાયેલા મજુરો અને ખેડુતોની હાલત કફોડી બનતી જતી હોય ત્યારે ગુજરાતના બધા માર્કેટ યાર્ડ સરકારની ગાઇડ લાઇન્સ પ્રમાણે ચાલુ કરી દેવા જોઇએ.
સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડુત માર્કેટ યાર્ડમાં પોતાની જણસ વેચવા ટેવાયેલા હોઇ ત્યારે ખેડુતો માટે યાર્ડ ચાલુ થવા જોઇએ.
જયાં સુધી યાર્ડ ચાલુ નહીં થાય ત્યાં સુધી ખેડુતો પોતાના માલ નો નિકાલ કરી શકે નહીં ગત વર્ષે સારા વરસાદ કારણે શિયાળુ પાકનું ઉત્પાદન સારું થયું છે અને ઉનાળુ પાક પણ તૈયાર થઇ ગયો છે. જો શિયાળુ પાકનું વેચાણ નહીં કરી શકીએ ત્યાં ઉનાળુ પાક બજારમાં આવી જશે.
મોટાભાગના માર્કેટ યાર્ડમાં ચોમાસામાં ખેડુતોની જણસ ઉતારવાની સગવડ નથી તો સરકાર આવતી 18 તારીખ પછી ગુજરાતના તમામ યાર્ડ સરકારની ગાઇડલાઇન મુજબ ચાલુ કરે અને સરકાર ખેડુતો અને મજુરો અને નાના વેપારીઓના હિતમાં નિર્ણય લ્યે એવી રજુઆત સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલભાઇ કમાણી દ્વારા મુખ્યમંત્રીને કરાઇ છે.