- સાયબર પોલીસને મોટી સફળતા
- મોરબી, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિત ત્રણ સ્થળે મળી રૂ. 1.16 કરોડની ઠગાઇનો ભેદ ઉકેલાયો
- છત્રીસગઢના ભીલાઇમાં પોલીસે લોન્ડ્રીવાળાના વેશમાં ત્રાટકી કંપનીના સંચાલકને ઉઠાવી લીધો
- મોરબી: ફ્રેન્ચાઇઝી આપવાના બહાને દેશભરના નાગરિકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનારા આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધારને મોરબી સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા છત્તીસગઢના ભીલાઈ શહેરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા હીરેનભાઈ પુજારા ઝઅઝઅ ણઞઉઈંઘ ની ફ્રેન્ચાઇઝી લેવા ઈચ્છતા હતા. તેમણે વેબસાઇટ પર વિગતો નોંધાવી હતી, ત્યારબાદ ફોન અને ઈ-મેલ દ્વારા સંપર્ક કરી, ફ્રેન્ચાઇઝી માન્ય થયાનું પ્રમાણપત્ર આપીને રૂ.28,03,500/- અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં તેઓને ના તો ફ્રેન્ચાઇઝી મળી કે ન ટ્રાન્સફર કરેલ રૂપિયા. જેથી ભોગ બનનાર દ્વારા મોરબી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ઉપરોક્ત તમામ બેંક ખાતા ધારક અને મોબાઇલ નંબર ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મોરબી સાયબર ક્રાઇમ પોલીસે આ ઑનલાઇન ટ્રાન્જેક્શનને ટ્રેક કરતાં જાણવા મળ્યું કે પ્રથમ રૂપિયા જમ્મુ-કાશ્મીરમાં જમા કરાવી, બાદમાં બીહાર અને છત્તીસગઢમાં ટ્રાન્સફર કરાયા હતા. મોરબી પોલીસે પ્રથમ ગેંગને પકડવા માટે બીહારમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ આરોપીઓ પલાયન કરી ગયા હતા.
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ટીમની વધુ તપાસમાં આરોપી અને તેની ગેંગ દ્વારા દેશની જાણીતી કંપનીની 90 થી વધુ નકલી વેબસાઇટ બનાવી ફ્રેન્ચાઇઝી, લોન કે ડીલરશીપ આપવાના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરવામાં આવતી હતી. આ સાથે મોરબી સાયબર ક્રાઇમ પોલીસે અલગ દિશામાં તપાસ કરતા આ સમગ્ર ઓનલાઇન ફ્રોડ ગેંગનો મુખ્ય સૂત્રધાર આરોપી રિતુઆનંદ પરમેશ્વર પ્રસાદસિંહ મૂળ ઝારખંડ,, છત્તીસગઢવાળો ભીલાઈ, છત્તીસગઢમાંથી આ ઓનલાઈન ઠગાઈનું સંચાલન કરતો હતો. પોલીસે તેને પકડવા ત્યાંના સ્થાનિક અને ટેકનિકનો ઉપયોગ કરી લોન્ડ્રી વાળા બની આરોપીને તેના રહેણાંક મકાનેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપી નામની કંપની ચલાવતો હતો, જેનાથી તે નકલી વેબસાઇટ બનાવી અને ડિજિટલ જાહેરાતો ચલાવી ફ્રોડ કરતો હતો. આરોપી દ્વારા મોરબીમાં રૂ.28.03 લાખ, રાજસ્થાનમાં રૂ.33.25 લાખ અને મહારાષ્ટ્રમાં રૂ.54.70 લાખ સહિત કુલ રૂ.1.15 કરોડથી વધુની ઠગાઈ કરી હોવાની વિગતો તપાસ દરમિયાન બહાર આવી છે. હાલ, પ્રારંભીક તપાસમાં પોલીસ દ્રારા કુલ રૂપીયા 1,15,98,000/- ના સાયબર ફ્રોડના 3 ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે તથા આરોપી દ્રારા કુલ-90 વેબસાઇટ બનાવી સામાન્ય નાગરીકોને વિવિધ ફ્રેન્ચાઇઝ આપવાના બહાને સબમીટ કરાવેલ હજારો ફોર્મની વિગતો મેળવી ભારત દેશના કયાં કયાં રાજ્યોમાં આરોપીઓ દ્રારા ફ્રોડ કરવામાં આવ્યુ છે, તે બાબતે આગળની તપાસ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ ચલાવી રહી છે.