- રાજ્યમાં ગત ત્રણ દિવસોની સરખામણીએ આજે વરસાદનું જોર ઘટ્યું; સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનમાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી
- રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ વરસ્યો
- સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 24 કલાકમાં 10 ઈંચથી વધુ તેમજ જામનગર, કચ્છ અને પોરબંદરમાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો
- ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 109 ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં અધધ 154 ટકા કરતા પણ વધારે વરસાદ નોંધાયો
ગુજરાતમાં ગત દિવસો દરમિયાન વરસી રહેલા ધોધમાર વરસાદનું આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર ઘટ્યું છે. જ્યારે, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં હજુ પણ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 24 કલાકમાં 10 ઈંચ જેટલો, જામનગર, કચ્છ અને પોરબંદર જિલ્લામાં 5-5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
તાલુકાની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 10 ઈંચ વરસાદ તેમજ ખંભાળિયા અને કચ્છના લખપત તાલુકામાં 9 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, જામનગરના જામજોધપુર, દેવભૂમિ દ્વારકાના દ્વારકા અને કચ્છના નખત્રાણા તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છના માંડવી તાલુકામાં પણ 7 ઈંચથી વધુ, જામનગરના કાલાવડ અને લાલપુર તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
વધુમાં, રાજકોટના લોધિકા, ધોરાજી અને જામકંડોરણા તાલુકા ઉપરાંત પોરબંદરના કુતિયાણા અને રાણાવાવ તેમજ કચ્છના અંજાર તાલુકામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે, રાજકોટ જિલ્લાના રાજકોટ અને જેતપુર તાલુકામાં, જામનગર તાલુકામાં, પોરબંદર તાલુકામાં તેમજ કચ્છના મુન્દ્રા તાલુકામાં 4 ઈંચથી જેટલો વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યના 7 તાલુકામાં 3 ઈંચથી વધુ, 10 તાલુકામાં 2 ઈંચથી વધુ, 36 તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ 163 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યના કુલ 238 તાલુકામાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ 29મી ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 109 ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 154 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 123 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 110 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 104 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 86 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.