શ્રીમદ્માં સામી વ્યકિતના મનોગમ ભાવ જાણી શકે  તેવું અંતર્યામીપણું પણ પ્રયટયું હતું. અંતરમાં જેમણે ગમન કર્યુ છે એવા ખરેખરા અંતર્યામી શ્રીમદ્દને બીજાના અંતરપરિણામ જાણવારુપ અંતર્યામીપણું સુલભ હતું. શ્રીમદ્દ સામી વ્યકિતના પ્રશ્ર્નો તે પૂછે તે પહેલા જ ઘણી વખત કહી દેતા. પૂછવા ધારીને આવેલા સર્વના પ્રશ્ર્નનું સમાધાન ને પુછાયા પહેલા જ ઉપદેશમાં થઇ જતું. જેના પરિણામે પ્રશ્ર્ન પૂછવાનો રહેતો નહીં. એવો અનુભવ અનેક મુમુક્ષુઓને થયેલો.

શ્રીમદ્દના અંતર્યામીપણાનો મોરબીના શ્રી મનસુખભાઇ કિરતચંદ મહેતાને ઘણી વાર અનુભવ થયો હતો. શ્રીમદ્દની સમીપમાં જતી વખતે તેમણે કાંઇ પૂછયા ધારેલું હોય, તે ત્યાં જતાં પૂછવાની જરુર જ ન રહે એવા પ્રકારે શ્રીમદ્દ જ્ઞાનવાર્તાદિ શરુ કરતા જ્ઞાનવાર્તા પૂરી થઇ રહ્યે, શ્રીમદ્દ પૂછતા કે કેમ મનસુખ કાંઇ પૂછયું છે ? પરંતુ પૂછવાનું હોય તેના ખુલાસા તો વાર્તાલાપમાં આવી ગયા હોવાથી પૂછવાપણું કાંઇ બાકી રહેતું નહીંૅ. આવું વખતોવખત બનતું. વિ.સં. ૧૯૫૫ના ચૈત્ર માસમાં એક દિવસ બપોરે કોલેજમાં રજાનો દિવસ હોવાથી શ્રી મનસુખભાઇ બહાર ફરવા ગયા હતા. રસ્તામાં સહજ કુતૂહલભાવે તેમને વિચાર આવ્યો કે અમુક જ પર્વતિથિ શા માટે ? બીજ, પાંચમ, આઠમ, ચૌદશ એમ તિથિને બદલે, ધર્મપર્વના દિવસને બદલે ચોથ કે છઠ્ઠ, સાતમ કે નોમ, કે તેરસ ઇત્યાદિ હોય તો શું ખોટું ? તેમનો આવો એક વિકલ્પ ઊભો  થયો. ત્યારપછી જયારે તેમને શ્રીમદ્દ પાસે જવાનું થયું ત્યારે કોઇ પણ પ્રસંગ બન્યા વિના શ્રીમદ્દ શરુઆતમાં વચન પ્રકાશ્યા કે મનસુખ, તિથી પાળવી આમ, શ્રી મનસુખભાઇના મનમાં તિથિ અંગે વિકલ્પતરંગ ઊઠયો હતો. તે શ્રીમદ્દના નિર્મળ જ્ઞાનદર્પણમાં પ્રતિબિંબિત થયો હતો.

બોટાદના શ્રી મણીલાલ ગાંધીએ શ્રીમદ્દના અંતર્યામીપણા વિષેના પોતાના અનુભવો પોતાની સ્મૃતિનોંધમાં આલેખ્યા છે. વિ.સં. ૧૯૫૧ માં શ્રીમદ્દ હડમતાલા પધાર્યા ત્યારે શ્રી મણિલાલભાઇ શ્રીમદ્દના દર્શન-સમાસમ અર્થે હડમતાલા ગયા હતા. ત્યાં ઉતારા ઉપર બાજુના ઓરડામાં શ્રીમદ્દ શ્રી સૌભાગ્યભાઇ, શ્રી ડુંગરસીભાઇ વગેરે જમવા બેઠા હતા. જગ્યા ન હોવાથી શ્રી મણીલાલભાઇ બેઠા નહીં. રસોઇ પિરસાઇ ગઇ પણ તેમને મનમાં ઇચ્છા થતી હતી કે શ્રીમદ્દ સાથે બેસીને જમવાનું થાય તો બહું આનંદ આવે. શ્રીમદ્દે અન્ય મુમુક્ષુઓને કહ્યું કે મણિલાલનું મન બહાર બેઠાં બેઠા બહુ આતુર થાય છે. સાથે બેસી જમવા ઇચ્છા કરે છે. માટે એને અહીં બેસાડવાની જગ્યા કરો. તરત એક ભાઇ શ્રીમણિલાલભાઇને અંદર જમવા તેડી આવ્યા. જમતાં જમતાં તેમના મનમાં વળી ઇચ્છા ઊઠી કે શ્રીમદ્દ આગ્રહ કરી એક-બે રોટલી વધુ મુકાવે તો આનંદ થાય. શ્રીમદ્દેએક ભાઇને કહ્યું કે રોટલી લાવો અને મણિલાલને પીરસો. સાથે ઘી અને સાકર પણ ખૂબ આપો. આ પ્રમાણે શ્રી મણિલાલભાઇનો પોતાની સાથે બેસીને જમવાનો મનોગત ભાવ જાણી વાત્સલ્યમૂર્તિ શ્રીમદ્દે તે પૂર્ણ કર્યો.

તદુપરાંત મોરબીના શ્રી છોટાલાલ રેવાશંકર અંજારીયા પોતાના સંસ્મરણોમાં લખે છે :-કોઇ પ્રસંગ ઉપર અમારામાંનો કોઇવાત કરવાની શરુઆત કરે ત્યારે તેના મનનો હેતુ શું છે તે કહી આપતા, કેટલાક મિત્રો કબૂલ ન કરે છતાં પરિણામે તેનો હેતુ તેમના કહેવા મુજબ સિઘ્ધ થતો.

આવા સંખ્યાબંધ પ્રસંગો શ્રીમદ્દના જીવનમાં બનેલા જોવા મળે છે જે શ્રીમદ્દમાં આવિર્ભાવ પામેલી અનેક અપૂર્વ લબ્ધિઓને સાબિત કરે છે. એમ છતાં સ્વખ્યાતિ માટે કે લોકોને આંજી નાખવા માટે તેઓ તેનો કયારે પણ ઉપયોગ કરતા નહી. શ્રીમદ્દને નાની વયથી જ લબ્ધિઓ પ્રગટી હતી અને આત્માની નિર્મળતા વધતાં તે લબ્ધિઓમાં વધારો થતો ગયો હતો. આ લબ્ધિઓ કેવી હતી. કયા પ્રકારની હતી તે વિષે તેમણે કોઇને વિગતથી જણાવ્યું ન હોવાથી તે સંબંધી વિશેષ જાણકારી મળતી નથી. પરંતુ એટલું નિશ્ર્ચિત છે કે તેમણ લબ્ધિ- સિઘ્ધી પ્રગટાવવાનો પ્રયત્ન કયારે પણ કર્યો ન હતો અને તેનો ઉપયોગ પણ ભાગ્યે જ કર્યો હતો તેઓ લખે છે કે:-

કોઇ પ્રકારનો સિઘ્ધિજોગ અમે કયારે પણ સાધવાનો આખી જિદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભરતો નથી. એટલે સાધને કરી તેવો જોગ પ્રગટયો હોય એવું જણાતું નથી. આત્માના વિશુઘ્ધપણાના કારણે જો કંઇ તેવું ઐશ્ર્વર્ય હોય તો તેનુઁ નહીં હોવાપણું કહી શકાતું નથી. તે ઐશ્ર્વર્ય  કેટલેક અંશે સંભવે છે. તથાપિ આ પત્ર લખતી વખત એ ઐશ્ર્ચર્યની સ્મૃતિ થઇ છે. નહીં તો ઘણા કાળ થયાં તેમ સ્મરણમાં નથી. તો પછી તે સ્કુરિત કરવા વિષેનો ઇચ્છા કયારેય થઇ હોય એમ કહી શકાય નહીં, એ સ્પષ્ટ વાર્તા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.