રેલનગરમાં વાહનની સાઇડ કાપવાના પ્રશ્ર્ને ગરાસીયા યુવાનને સ્કોર્પીયો નીચે કચડવા પ્રયાસ
ફોરચ્યુર્નર કારમાં તોડફોડ કર્યાનો ભરત કુગશીયા સહિત ત્રણ સામે નોંધાતો ગુનો
નામચીન મહંમદ ગોલીના ભાણેજ સહિત દસની ધરપકડ
પોપટપરા અને રેલનગર વિસ્તારમાં અવાર નવાર માથાકૂટ કરી સુલેહ શાંતિનો ભંગ કરવાની ટેવ ધરાવતા કુખ્યાત ભરત કુંગશીયા અને નામચીન મહંમદ ગોલીના ભાણેજ કાસમ ઉર્ફે કડી વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલતી અદાવતના કારણે ફરી બંને જુથ્થ વચ્ચે વિવાદ વકર્યો છે. કાસમ ઉર્ફે કડી સામે આગ ચાપી નુકસાન કર્યાના અને ધમકી દીધા અંગેના પોલીસમાં ગુનો નોંધાતા ફરી બંને કુખ્યાત શખ્સો સક્રીય બની આમને સામને આવતા પોલીસ માટે માથાનો દુ:ખાવો બન્યા છે.
રેલનગરમાં રહેતા ભરત કુંગશીયાના ઘરે બે દિવસ પહેલા નામચીન મહંમદ ગોલીના ભાણેજ કાસમ ઉર્ફે કડી પોતાના સાગરીતો સાથે ઘસી ગયો હતો અને મહિલા સભ્ય સાથે અભદ્ર ભાષામાં વાત કરી ભરતાને મારવો છે તેમ કહી મકાનમાં તોડફોડ કર્યાની ઘટના પોલીસમાં નોંધાતા પ્ર.નગર પોલીસે કાસમ સહિત દસ જેટલા શખ્સોની ધરપકડ કરી છે.
ખૂન, ખૂનની કોશિષ અને જમીન હડપ કરવા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા ભરત કુંગશીયા તેના સાગરીત દેવદાન કુંગશીયા અને કરશન કુંગશીયા સામે રેલનગરના બ્રીજરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી છે.
બ્રીજરાજસિંહ જાડેજાના પિતા જીતેન્દ્રસિંહ જાડેજા પોતાની કાર લઇને જતા હતા ત્યારે રેલનગરમાં જ ભરત કુંગશીયા તેની કાર લઇને પસાર થયો હતો અને સાઇડ આપવા જેવી બાબતે ઝઘડો કરી બ્રીજરાજસિંહ જાડેજાના મિત્ર સાગરની ફોરચ્યુર્નર કારમાં તોડફોડ કરી નુકસાન કર્યાની તેમજ બ્રીજરાજસિંહ જાડેજા ઉપર કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
દરમિયાન ગઇકાલે મોડી રાતે રેલનગર વિસ્તારમાં આવેલી ભરત કુંગશીયાની કેબલ નેટવર્કની દુકાનમાં અજાણ્યા શખ્સોએ આગ ચાપી સળગાવી દીધાનું પોલીસમા નોંધાતા આગની ઘટના અંગે પોલીસે એફએસએલની મદદ લઇ તપાસ હાથ ધરી છે.