મનરેગા જેવી રોજગાર યોજના બનાવવા, બેન્કિંગ સેકટરમાં કોર્પોરેટની એન્ટ્રી, ફોરેકસ રિઝર્વને લેન્ડિંગ માટે તબક્કાવાર ઉપયોગમાં લેવા સહિતના મુદ્દે ફિક્કીએ કેન્દ્ર સરકાર તરફ મીટ માંડી
સીઆઈઆઈ દ્વારા નબળી પડેલી બેંકોને ટેકો આપવા, આર્થિક છેતરપિંડી માટે ખાસ એજન્સી ઘડવા અને કરના કાયદાને સરળ બનાવવા સહિતની રજૂઆતો
આવકવેરાનો દર ઘટાડવા, બિન પરંપરાગત ઉર્જા તેમજ રીયલ એસ્ટેટમાં કર રાહતો આપવા અને ઈ-વાહનો માટે ફાયનાન્સની પોલીસી ઘડવા માટે એસોચેમની માંગ
આગામી કેન્દ્રીય બજેટ વિકાસ કેન્દ્રી રહેવાનું છે. જેને અનુલક્ષીને બજેટમાં આવકવેરાના દર અને ટેરીફ ઘટાડા સહિતની અપેક્ષા ઉદ્યોગજગત દ્વારા રાખવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારામન પાસે ઉદ્યોગજગત બજેટમાં અપેક્ષાઓને લઈને રજૂઆત થઈ હતી. જેમાં કોન્ફેડેરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) એફઆઈસીસીઆઈ અને એસોકેમ સહિતના જોડાયા હતા. તેમણે બજેટમાં વિવિધ મુદ્દે સરકાર સમક્ષ પોતાનો પક્ષ મુક્યો હતો.
૨૦૨૧ના કેન્દ્રીય બજેટ માટે ઉદ્યોગજગતે સરકાર ઉપર અનેક અપેક્ષાઓ રાખી છે. જેમાં આયાતના ટેરીફ ઘટાડવા, વ્યક્તિગત આવકવેરાનો દર ઓછો કરવા, લઘુતમ વૈકલ્પીક દર નાબુદ કરવા, કોર્પોરેટને બેન્કિંગના પરવાના આપવા, જાહેર ક્ષેત્રની બેંકોમાં સરકારનો હિસ્સો ઓછો કરવા સહિતના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે. સીઆઈઆઈના પ્રમુખ ઉદય કોટકે આ મુદ્દે કહ્યું હતું કે, બજેટની દરખાસ્ત વિકાસ કેન્દ્રી રહેવી જોઈએ. ૩ વર્ષ માટે દુરંદેશી મેનેજમેન્ટની નીતિ ઘડવી જોઈએ. પ્રમુખ ઉદય કોટકે વિવિધ મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારામનને રજૂઆત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, સરકારના સાહસોમાંથી ધીમીગતિએ નાણા છુટા કરવા જોઈએ. જ્યારે કરથી થતી આવક ઘટી જાય ત્યારે સરકારે નાણા માટે અન્ય સોર્સ ઉભા કરવા જોઈએ.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બેંકોમાંથી પોતાનો હિસ્સો ઘટાડવો જોઈએ. આગામી ૧૨ મહિનામાં સરકારનો હિસ્સો ૫૦ ટકાથી ઓછો થઈ જવો જોઈએ. જો કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક જેવા સરકારના સાહસોમાં ઘટાડવાની જરૂર નથી. આ ઉપરાંત એફઆઈસીસીઆઈ દ્વારા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની વર્કિંગ કમીટી દ્વારા કરવામાં આવેલા કેટલાક સુચનોને ટેકો પણ જાહેર કરાયો હતો. જેમાં ખાનગી ક્ષેત્રની બેંકોનું કોર્પોરેટ સ્ટ્રકચર અને માલીકીના ધારા-ધોરણો મુદ્દે વર્કિંગ કમીટી દ્વારા સુચનો થયા હતા. એનબીએફસીને બેંકમાં રૂપાંતરીત કરવા અને કોર્પોરેટ તેમજ ઈન્ડસ્ટ્રીયલ જગતના મોટા એકમોને બેંક ઉભી કરવા માટે મંજૂરી આપવા સહિતના મુદ્દા પણ ચર્ચાયા હતા.
સીઆઈઆઈએ કેટલાંક મહત્વના સુચનો કરાયા હતા. જેમાં આયાતના દર ઓછા કરવા, કાયદાના નિયમોમાં સુધારો કરવા ઝડપથી વાર્ષિક ખાદ્યને પહોંચી વળવા, કોવિડ બાદ બેડલોનનું વધેલા પ્રમાણ મુદ્દે પગલા લેવા, આઈબીસીની જ્યુડીશ્યલ ક્ષમતા વધારવા તેમજ આર્થિક છેતરપિંડી માટે ખાસ એજન્સી બનાવવા અને ટીડીએસ તથા ટીસીએસના નિયમોને તર્ક સંગત બનાવવા જેવી રજૂઆત થઈ હતી.
એફઆઈસીસીઆઈએ શહેરી ગરીબો માટે મનરેગા જેવી યોજના બનાવવા ડેવલોપમેન્ટ ફાયનાન્સીયલ ઈન્સ્ટિીયુશન (ડીએફઆઈ) અને લોંગ ટર્મ બોન્ડ માટે યોગ્ય પગલા લેવા, બેન્કીંગ સેકટરમાં કોર્પોરેટ જગતની એન્ટ્રી તેમજ ફોરેક્ષ રિઝર્વને ધીરાણ માટે તબક્કાવાર ઉપયોગમાં લેવા સહિતની માંગ કરાઈ છે. એસોકેમ દ્વારા આવકવેરાના દરમાં ઘટાડો કરવા, રીયલ એસ્ટેટ અને બિનપરંપરાગત ઉર્જાના સેકટરમાં એમએટીને નાબૂદ કરવા તેમજ ઈ-વાહનો માટે ધીરાણની નીતિ ઘડવા જેવી માંગણી કરવામાં આવી હતી.