કાબુલ યુનિવર્સિટીમાં ૨૨ લોકોના મોત નિપજાવ્યા બાદ વીએનામાં પણ આતંકનો ઓછાયો
અફઘાનિસ્તાન દાયકાઓથી આતંકનો ભોગ બની રહ્યું છે. ગઈકાલે વધુ એક લોહીયાળ ઘટનાએ સમગ્ર વિશ્ર્વને હચમચાવી દીધું હતું. કાબુલ યુનિવર્સિટીમાં થયેલા અંધાધૂધ ગોળીબારમાં ૧૦ છાત્રો સહિત ૨૨ લોકોના મોત નિપજયા હતા. હજુ આ ઘટનામાંથી લોકો ઉગરી શકયા નથી ત્યાં ઓસ્ટ્રીયાના વીએના શહેરમાં આતંકવાદીઓએ કાળો કહેર વર્તાવ્યો છે. વીએનામાં ૧૬ સ્થળોએ આતંકી હુમલો થયો છે જેમાં ૭ લોકોના મોત નિપજયા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.
ગઈકાલે અફઘાનિસ્તાનની કાબુલ યુનિવર્સિટીમાં બુકના વિમોચન સમયે હુમલો થયો હતો. આ વિમોચન વખતે ઈરાનનાં પ્રતિનિધિઓ હાજર હતા. યુનિવર્સિટીમાં ઘુસેલા આતંકવાદીઓએ અંધાધૂધ ગોળીબાર કર્યો હતો. સમગ્ર અથડામણ પાંચ કલાક સુધી ચાલી હતી. આતંકવાદીઓ પાસે ઓટોમેટીક હથિયારો હતા. આ ઉપરાંત વિસ્ફોટકો પણ હોવાથી સુરક્ષા દળોને આતંકવાદીઓનો સામનો કરવામાં મુશ્કેલી થઈ હતી.
નોંધનીય છે કે, વર્ષ ૧૯૯૮માં ઈરાનનાં પ્રતિનિધિ મંડળ પર થયેલા આતંકી હુમલા બાદ બંને દેશોના સંબંધો બગડયા હતા. ઈરાનનાં પ્રતિનિધિઓ ઉપર હુમલાની દહેશત અવાર-નવાર વ્યકત કરવામાં આવી હતી. થોડા સમય પહેલા આઈએસ (ઈસ્લામિક સ્ટેટ) દ્વારા શૈક્ષણિક સંસ્થા નજીક વિસ્ફોટક કરવામાં આવ્યો હતો જેમાં ૨૪ લોકોના મોત નિપજયા હતા જયારે ૧૦૦ લોકો ઘાયલ થયા હતા.
આતંકીઓનો ઓછાયો છેક અફઘાનિસ્તાનથી લઈ યુરોપ સુધી ફેલાઈ ચુકયો છે. ફ્રાંસના વડાપ્રધાન દ્વારા અપાયેલા નિવેદન બાદ મુસ્લિમ દેશો ફ્રાંસનો બહિષ્કાર કરવા લાગ્યા છે. ભારતમાં પણ કેટલાક સ્થળે મુસ્લિમ સમુદાયે ફ્રાંસના વડાપ્રધાનનો વિરોધ કર્યો હતો. ફ્રાંસમાં લોહિયાળ અથડામણ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયા હતા. દરમિયાન હવે કટ્ટર આતંકવાદનો ભોગ યુરોપ પણ બનવા લાગ્યું છે. યુરોપના ઓસ્ટ્રીયા દેશના વીએના શહેરમાં ૧૬ સ્થળોએ આતંકવાદીઓએ નિશાનો બનાવ્યો હતો. આ અથડામણ ચાર કલાક સુધી ચાલી હતી. આતંકવાદીઓએ યહુદી સમુદાયના કેટલાક સ્થળોને પણ નિશાન બનાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.