દલિત યુવકે સોશિયલ મીડિયામાં નામની પાછળ ‘સિંહ’ લગાવતા ક્ષત્રિય સમાજના યુવાનોએ અવાર નવાર જાનથી મારી નાખવાની આપી ધમકી
પાટણના એક ગામમાં આશરે ૬ મહિના પૂર્વે બનેલી ઘટના પ્રકાશમાં આવી છે. એક દલિત યુવાને ઇન્સ્ટાગ્રામમાં નામની પાછળ ‘સિંહ’ લખતા ચાર દરબાર સમાજના યુવાનો દ્વારા યુવકને વારંવાર ધમકાવવામાં આવ્યો હતો. અંતે યુવક અને તેનો પરિવાર ગામ છોડીને અમદાવાદ જવા મજબૂર થયા હતા. મંગળવારે આ મામલે સાબરમતી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદ મુજબ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના કૂકરાણા ગામના વિવેક ભાટેસરા નામના યુવકને દરબાર સમાજના ચાર શખ્સો દ્વારા અવાર નવાર ધમકવામાં આવતો હોય તેવું જણાવવામાં આવ્યું છે. ફરિયાદીએ ફરિયાદમાં કુલ ૪ શખ્સોના નામનો ઉલ્લેખ કરાયો છે.
જેમાં જયદીપસિંહ વાઘેલા, અનિલ વાઘેલા, જયરાજસિંહ વાઘેલા અને કુલદીપસિંહ વાઘેલાનો સમાવેશ કરાયો છે. ફરિયાદમાં જણાવાયું છે કે, ફરિયાદી વિવેક ભાટેસરાએ ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામમાં પવિવેકસિંહથ નામથી એકાઉન્ટ બનાવ્યું હતું. જે દરબાર સમાજના ચાર યુવકોના ધ્યાને આવતા તેમણે વારંવાર ફરિયાદીને ધમકાવ્યો હતો. આરોપીઓના ત્રાસથી કંટાળીને અંતે ફરિયાદી અને તેનો પરિવાર ગામ છોડવા મજબૂર થયો હતો.
ફરિયાદીએ જણાવ્યું છે કે, આરોપીઓ દ્વારા મને વારંવાર ફોન કરીને ધમકાવવામાં આવે છે. મને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને ગાળો ભાંડવામાં આવે છે. આરોપીઓ મને ધમકી આપતા હતા કે, જો હું ગામમાં પ્રવેશ કરીશ તો મને જાનથી મારી નાખશે. જે બાદ આરોપીઓએ એવી પણ ધમકી આપી હતી કે, જો હું મારા એકાઉન્ટમાંથી ‘સિંહ’ નહીં કાઢું તો તેઓ અમદાવાદ આવીને માર મારશે.
આરોપીઓ દ્વારા ફોન પર કરાયેલી ગાળા-ગાળી તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયેલી વાતોનું ઓડિયો રેકોર્ડીંગ કરીને ફરિયાદીએ જ્ઞાતિના આગેવાનોને મોકલતા આરોપીઓએ ફરિવાર ઓડિયો કલીપ ડીલીટ કરવા ધમકીઓ આપી હતી. જે બાદ જ્ઞાતિના આગેવાનોની મદદથી યુવાને ફરિયાદ નોંધાવી હતી.
સમગ્ર ઘટનમાં ફક્ત નામમાં પસિંહથ લગાડવા મુદ્દે જ વિવાદ વકર્યો હતો. અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવી ચૂકી છે ત્યારે શું ‘સિંહ’ની છાપ સમાજમાં અંધાધૂંધી ઉભી કરી દેશે તેવો સવાલ ઉપજી રહ્યો છે.