રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદવા માટે ભારતીય રિફાઈનરી કંપનીઓ અને ચીનની કંપનીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. બંને દેશોની કંપનીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે રશિયાએ પણ ક્રૂડ ઓઈલની નિકાસમાં ઘટાડો કર્યો છે. જેના કારણે રશિયન ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો થયો છે. આમ હવે એવી પણ આશંકા છે કે રશિયન ક્રૂડની લાઉ-લાઉ ક્યાક તેના ભાવમાં કાયમી ઉછાળો ન સર્જી દયે.
ક્રૂડ ખરીદવા માટે ભારતીય અને ચીની કંપનીઓ વચ્ચે કટ્ટર હરીફાઈ જામી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીન માર્ચ મહિનામાં રશિયા પાસેથી રેકોર્ડ માત્રામાં ક્રૂડ ઓઈલ આયાત કરવા જઈ રહ્યું છે. એપ્રિલ મહિનામાં ભારતીય રિફાઇનરી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને નયારા એનર્જીએ રશિયા પાસેથી 33 ઈએસપીઓ ક્રૂડ કાર્ગોમાંથી પાંચને ખરીદ્યા છે.ભારતીય કંપનીઓએ માર્ચ મહિનામાં માત્ર એક જ કાર્ગો ખરીદ્યો હતો જે એપ્રિલમાં વધીને પાંચ થઈ ગયો છે. અને નવેમ્બર 2022 માં, ભારતીય કંપનીઓએ રશિયન ક્રૂડ તેલના ત્રણ કાર્ગો ખરીદ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય કંપનીઓએ દુબઈથી આયાત કરાયેલા ક્રૂડ ઓઈલ કરતાં પાંચ ડોલર પ્રતિ બેરલ ઓછા દરે એપ્રિલમાં ડિલિવરી કરવા માટેનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે. સામાન્ય રીતે ભારતીય રિફાઈનરીઓ રશિયા પાસેથી ડિલિવરીના આધારે ક્રૂડ ઓઈલ ખરીદતી હોય છે અને આ અંતર્ગત ઓઈલ વેચનાર દેશે ઓઈલ ઈન્સ્યોરન્સ, કાર્ગો અને શિપિંગની વ્યવસ્થા કરવાની હોય છે.
વધતી માંગને કારણે રશિયન ક્રૂડ ઓઈલના ભાવ પણ વધીને બેરલ દીઠ 60 ડોલરથી વધુ થઈ ગયા છે. રશિયન તેલ ખરીદવા માટે ભારતીય અને ચીનની કંપનીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાએ પણ ડિસ્કાઉન્ટમાં ઘટાડો કર્યો છે. જ્યાં માર્ચમાં બેરલ દીઠ 8.50 ડોલરનું ડિસ્કાઉન્ટ મળ્યું હતું, તે એપ્રિલમાં ઘટીને 6.80 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. યુક્રેન યુદ્ધના કારણે પશ્ચિમી દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. આ કારણે રશિયા તેનું ક્રૂડ ઓઈલ ડિસ્કાઉન્ટ રેટ પર વેચી રહ્યું છે. આનો ફાયદો ઉઠાવીને ભારત અને ચીને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત અનેક ગણી વધારી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરી સુધી ભારતે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદીને લગભગ 35 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે. પાછલા નાણાકીય વર્ષમાં, રશિયામાંથી ભારતની ક્રૂડ ઓઈલની આયાત કુલ આયાતના માત્ર બે ટકા હતી, જે નાણાકીય વર્ષ 2023ના પ્રથમ છ મહિનામાં વધીને 16 ટકા થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન, ભારતે લગભગ 20 મિલિયન ટન ક્રૂડ ઓઇલની આયાત કરી હતી, જેમાંથી લગભગ 3.2 મિલિયન ટન ક્રૂડ ઓઇલ રશિયામાંથી આયાત કરવામાં આવ્યું હતું.
ગયા વર્ષે મે મહિનામાં ભારતે રશિયા પાસેથી પ્રતિ બેરલ 16 ડોલરના ડિસ્કાઉન્ટ પર તેલ ખરીદ્યું હતું, જે જૂનમાં ઘટીને 14 ડોલર પ્રતિ બેરલના ડિસ્કાઉન્ટ પર આવી ગયું હતું. જુલાઈમાં તે ઘટીને 12 ડોલર અને ઓગસ્ટમાં માત્ર 6 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે.