21મી સદીનું વિશ્વ ભારતને વિશ્વગુરૂ માનીને જ ચાલશે… દાયકાઓ પૂર્વે થયેલી આગાહી હવે અક્ષરસ: સત્ય પુરવાર થતી જતી હોય તેમ 21મી જૂનને વિશ્વમાં ભારતીય પુરાતન પરંપરા અને ધર્મસંહિતાનો મુખ્ય આધાર એવા યોગને વૈશ્ર્વિક ફલક પર સ્વીકાર કરીને ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણીની પરંપરા શરૂ કરી છે તે ભારતની વિશ્વગુરૂની ગરીમાને સાર્થક કરનારી બની રહી છે.
‘યોગ’ આમ તો સનાતન ધર્મ પરંપરાની એક ગુઢ ચેતના સંચાર આધ્યાત્મિક પરંપરા ગણવામાં આવે છે. ઋષીમુનીઓએ યોગ આધારીત વૈદ્ય શાસ્ત્ર વિવિધ પ્રાણાયામો થકી અનેક હઠીલા રોગના ઉપચારની એક આગવી પરંપરા ઉભી કરી છે. મહદઅંશે અત્યાર સુધી યોગને ધર્મ સંસ્કૃતિ અને પ્રાર્થના તેમજ આધ્યાત્મિકતાની એક પદ્ધતિ ગણવામાં આવતી હતી પરંતુ હવે વિશ્વએ યોગનું મહત્વ વિજ્ઞાનના રૂપમાં સમજીને તેનો સાર્વત્રીક સ્વીકાર કર્યો છે.
યોગ પરંપરાનું ઉદ્ભવ સ્થાન અને તેની પ્રારંભીક કાળ તો ઋષી મુનીઓથી શરૂ થયેલું ગણવામાં આવે છે. પ્રાચીન યોગ વિદ્યામાં અર્વાચીન વિજ્ઞાનના ગુઢ રહસ્યો રહેલા છે અને હજુ કેટલીક બાબતો અને સારવાર પદ્ધતિની શોધ થઈ નથી તેની એડવાન્સ પરંપરા પ્રાચીન યોગ વિદ્યામાં મોજુદ છે.
નિરોગી તનથી લઈ મનની અજાગ્રત ચેતનાઓને જગાડવાથી લઈ આત્મવિશ્ર્વાસ અને યાદશક્તિ ખીલવવાની અનેક ઓજલ પદ્ધતિઓનું યોગમાં ખુબજ ઉંડુ વિજ્ઞાન સમાયેલું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અથાક પ્રયત્નોથી યુનિસેફ દ્વારા માનવ કલ્યાણ માટે અતિ જરૂરી એવા યોગનું મહત્વ સમગ્ર વિશ્વમાં સમજાય અને તેનો લાભ સમગ્ર માનવજાતને મળે તે માટે 21મી જુનનો દિવસ યોગ દિવસ તરીકે મનાવવાનું આયોજન કર્યું.
ભારતની મુળભૂત પરંપરા જેવા યોગને સમગ્ર વિશ્વએ અપનાવી લઈને પરોક્ષ રીતે ભારતને વિશ્વગુરૂની ગરીમા બક્ષી દીધી છે. પ્રાચીન વૈદ્ય પરંપરા અને ધર્મમાં યોગને ધાર્મિક આધ્યાત્મિકતાનું રૂપ આપીને યોગ વિદ્યાને સજીવન રાખવામાં આવી છે. હવે સમગ્ર દુનિયાને એ વાતની જાણ થઈ ગઈ છે કે, યોગ માત્ર ધર્મ પરંપરા કે, આધ્યાત્મિક ચેતના જગાવવા માટેની એક સનાતન અધ્યયન પ્રથા જ નથી પરંતુ યોગમાં અનેક વૈજ્ઞાનિક તથ્યો છુપાયેલા છે. યોગની ધર્મ પરંપરાનું સ્નાતન ધર્મમાં આદિકાળથી મહત્વ છે. ઉપરાંત વિશ્વના લગભગ તમામ મુખ્ય ધર્મોમાં અને ખાસ કરીને પૂજા-બંદગી અને પરંપરાગત રિવાઝમાં એક યા બીજી રીતે યોગને વણી લેવામાં આવ્યું છે.
હવે આધુનિક વિજ્ઞાનમાં જ્યારે માનસીક શાંતિ, આધ્યાત્મિકતા મનની ગઢ ચેતનાઓને ઉજાગર કરવાની દિશામાં સંશોધન થઈ રહ્યું છે ત્યારે મનની શાંતિ, તનની સ્વાસ્થ્યતા અને આત્મવિશ્ર્વાસ જેવા કલ્યાણકારી તમામ પરિમાણોનો ઉકેલ અને તેમને ઉજાગર કરવાની શક્તિ યોગ વિદ્યામાં રહેલી છે. યોગ માત્ર શરીર અને મનની સ્વસ્થ્યતા પુરતી જ સીમીત નથી. યોગની શક્તિથી મનની ચેતના અને આત્મવિશ્ર્વાસ પણ ઉજાગર થાય છે. યોગ માત્ર ધર્મ પરંપરા નહીં, સંપૂર્ણપણે વૈજ્ઞાનિક તથ્યની એક આગવી વ્યવસ્થા બની રહી છે. યોગનું મહત્વ સમગ્ર વિશ્વને સમજાવીને ભારતે વધુ એકવાર વસુધેવ કુટુંમ્બકમ અને વિશ્વગુરૂની ગરીમાને સાર્થક કરી છે.