કોર્પોરેશન આયોજીત બેડમિન્ટન ટુર્નામેન્ટના વિજેતાઓને ટ્રોફી એનાયત કરાઇ
કોર્પોરેશન દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બેડમિન્ટન ટૂર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં અલગ-અલગ 14 કેટેગરીમાં 561 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગઇકાલે ટૂર્નામેન્ટના સમાપન દરમિયાન મેયરના અધ્યક્ષસ્થાને ટ્રોફી એનાયત સમારોહ યોજાયો હતો. જેમાં વિજેતા બનેલા ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ અવસરે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડે.કમિશ્નર સી.કે.નંદાણી, સમાજ કલ્યાણ સમિતિ વાઈસ ચેરમેન સંજયસિંહ રાણા, આસી.મેનેજર દિપેન ડોડીયા, અમિત ચોલેરા, એચ.જી. મોલીયા, બેડમિન્ટનના કોચ તેમજ ભાગ લેનાર ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે મેયર ડો.પ્રદિપ ડવએ જણાવ્યુ હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે રેસકોર્સ સંકુલ ખાતે જુદા-જુદા સ્પોર્ટ્સ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે. રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી શકે તે માટે રાજ્ય સરકાર તેમજ મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે, અને ખેલાડીઓને સ્પોર્ટ્સ ક્ષેત્ર માટે ઉતકૃષ્ટ સુવિધાઓ આપી રહી છે. મેયરે વધુમાં જણાવ્યું હતું કે, આપણા જીવનમાં શિક્ષણની સાથોસાથ સ્પોર્ટ્સનું પણ એટલું જ મહત્વ છે, અને સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ ઝળહળતી કારકીર્દિ બનાવીને આગળ વધી શકાય છે. બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તેમજ વિજેતા ખેલાડીઓને હૃદયપુર્વકની શુભેચછા પાઠવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાએ શાબ્દિક સ્વાગત કરેલ, ત્યારબાદ તેઓએ તથા વાઈસ ચેરમેન સંજયસિંહ રાણાએ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે વિજેતાઓ તેમજ રનર્સઅપ ખેલાડીઓને મેયર ડો.પ્રદિપ ડવ તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરી, પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.