આપણા ઘર અને મંદિરોમાં થતી દેવ પૂજામાં કેસર અને ચંદનનુંં સવિશેષ મહત્વ છે. સૌ પ્રથમ કેસરની વાત કરીએ તો કેસર રંગ અને સ્વાદ માટે ખૂબજ મહત્વનું છે. પુજામાં પ્રભુને કેસર મિશ્રિત જલથી અભિષેક કરવામાં આવે છે. પૂજામાં દેવોને કેસરનું ચંદન ચઢાવાય છે. કેસરનાં અત્તરથી લાલાના વાઘાને તથા માતાજીની ચુંદડીને સુગંધિત કરવામાં આવે છે. પ્રભુને કેસરી રંગનાં ફૂલો પણ અર્પણ કરવામાં આવે છે. હોળી ધૂળેટીના તહેવારોમાં કેસુડાનાં પાણીથી પ્રભુને સ્નાન કરાવવાનો તથા હોળી ફૂલડોલ ઉત્સવ રમાડવાનો મહિમા પણ છે. લાલાને કેસરી વાઘાથી સજજ કરીને કેસર મિશ્રિત મીઠાઈ ધરાવાય છે. ભગવાનના મંદિરોમાં કેસરી રંગની ધ્વજા ચઢાવાય છે. પ્રસાદમાંકેસર મિશ્રિત દૂધ, સૂકો મેવો નાખીને ધરવાનો રિવાજ પણ છે.પ્રભુને કેસરી રંગના ગાદી તકિયાવાળા બાજોઠ કે બેઠકમાં પધરાવવામાં આવે છે.
કેસરી રંગનું તથા કેસરનું પૂજામાં મહત્વ છે. તેમ અન્ય રીતે પણ કેસરનો મહિમા અનોખો છે. કેસરી રંગની માળાથી પ્રભુનું સ્વરૂપ શોભી ઉઠે છે. ભારતનાં રાષ્ટ્રધ્વજમાં પણ કેસરી રંગનો ખાસ અર્થ છે. આપણે યુધ્ધમાં કરો કેસરીયા શબ્દ પણ વાપરીએ છીએ યા હોમ કરીને પડો, ફતેહ છે આગે જેવા જુસ્સા પ્રેરક વાકયો યુધ્ધમાં જીત અપાવવા માટે જરૂરી છે.આપણે ત્યાં બનતી વિવિધ મીઠાઈઓ, શીખંડ તથા બાસુંદીમાં પણ કેસરનો ઉપયોગ કરવામાં આવે છે.પૂજામાં કેસરની અગરબત્તી કરવાનો પણ રિવાજ છે.કેસરનાં શરબતો પણ બનાવવામાં આવે છે.કેસર ભાવની દ્રષ્ટિએ મોંઘુ છે. તથા તેનું વેચાણ પણ અમૂક જ જગ્યાએ થાય છે. કેસરી રંગનો પ્રભાવ અનોખો છે.કેસરની સુગંધથી વાતાવરણમાં દિવ્યતા આવી જાય છે.પૂજામા કેસરનો ઉપયોગ પ્રભુને બહુ જ પસંદ છે તેથી પૂજામાં કેસરનો મહિમા અનોખો છે.
આપણે ત્યાં ઘેર તથા મંદિરોમાં થતી દેવપૂજામાં જેમ કેસરનું મહત્વ છે.તેમ ચંદનનું પણ છે. ઓરસિયા ઉપર સુખડના ટુકડાને ઘસીને,પાણી નાખીને ચંદન ઉતારવામાં આવે છે.તેમાં કેસરી રંગ અથવા કેસર ઉમેરવામાં આવે છે. ત્યારબાદ તે ચંદન ભગવાનને ચઢાવાય છે કે કેસર ચંદનનું તિલક પ્રભુને કરવામાં આવે છે.પ્રભુની પૂજામાં તિલકનો મહિમા અનોખો છે. ચંદન કે સુખડના વૃક્ષો ભારતમાં કર્ણાટક રાજય તથા દક્ષિણ ભારતમાં થાય છે.ચંદનના લાકડામાંથી ચંદનનું સુખડનું તેલ પણ બનાવાય છે. ચંદનની અગરબત્તી પણ બનાવાય છે.ચંદનની અગરબત્તીથી વાતાવરણ સુગંધીત તથા ખુશનુમા રહે છે. વાતાવરણમાં પવિત્રતા તથા પમરાટ ફેલાય છે.ચંદનનું તિલક કે ત્રિપુંડ કરવાથી માનસિક શાંતિ મળે છે મગજ શાંત રહે છે તથા માથાને પણ ઠંડક મળે છે. મંદિરોમાં શિવલીંગને ચંદનનું ત્રિપુંડ કરવાનો રિવાજ ખૂબજ પ્રચલીત છે.
ચંદનની વિવિધ ઉપયોગ છે. ફોટાઓ કેમૂર્તિઓને ચંદન લગાવવામાંઆવે છે.મંદિરમાં ઉંબરે પણ ચંદનનો સાથીયો કરવામાં આવે છે. સુખડનો પાવડર પણ બનાવાય છે.જેની પોટલી કરીને કપડાઓની વચ્ચે રાખવાથી કપડા સુરક્ષીત તથા સુગંધીત રહે છે.આમ સુખડ, કે ચંદન માનવ જાત માટે ઉપયોગી તથા ઉપકારક છે.તેથી ચંદનનાં વૃક્ષોનો ઉછેર તથા જતન અને રક્ષા કરવાની તાતી જરૂર છે.દેવોનીપૂજામાં ચંદનનું સવિશેષ મહાત્મ્ય છે. ચંદનના ઉપયોગથી દેવો પણ પ્રસન્ન રહે છે. સુખડના ચંદનથી દેવોની શોભા પણ વધે છે. અને વાતાવરણ સુગંધીત તથા પ્રફુલ્લીત રહે છે.આમ દેવોની પૂજામાં કેસર તથા ચંદનનો મહિમા અનોખો તથા સરાનીય છે.