પહેલું સુખ તે જાતે નર્યા… આરોગ્ય જાળવણી માટે હવે સજાગતામાં કોઇ કમી રહી નથી. દરેક પરિવાર, વ્યક્તિ, સમાજ, વર્ગ નિરામય આરોગ્ય માટે ઉત્તસુક જ નહિં પણ સજાગ પણ થઇ ગયાં છે. કોરોના મહામારી નહિં પણ જગત માટે ઘણી રીતે ગુરૂ અને કંઇને કંઇ નવુને નવુ શિખવવાનું નિમિત બનતું જાય છે. કોરોનાનો પ્રારંભિક તબક્કો શરૂ થયું ત્યારથી જ એક વાત તો નક્કી હતી કે કોરોના મહામારી લાંબા સમય સુધી માનવ સમાજનો પીછો છોડવાનો નથી અને કાંચિડાની જેમ રંગ બદલવાની કોવિડ-19ની તાસીર અનેક નવા-નવા રૂપ સર્જીને માનવીઓ વચ્ચે રહેવાની છે.
શરૂઆતના તબક્કામાં કોવિડ-19ની જે ઓળખ અને લાક્ષણિકતા અંગે પૂર્વ ધારણાઓ બાંધવામાં આવી હતી. ક્રમશ મહિનાઓ પછી આજે પરિસ્થિતિ અને ચિત્ર સાવ અલગ જ છે. અગાઉ કોરોના સપાટી પર હોવાનું અને સ્પર્શ કરો તો જ સંક્રમિત થવાય. કોરોનાને આમંત્રણ આપો અને બેદરકારી રાખો તો જ તેનો ભોગ બનો. આ માન્યતા પછી હવામાંથી કોરોનાના સંક્રમણોનું નવું રૂપ સામે આવ્યું. કોરોના બહારથી નહિં અંદરથી આક્રમણ કરે તેવા તારણો બાદ અત્યારે માત્ર માસ્ક અને સામાજીક અંતર કોવિડ-19થી બચવા માટે પૂરતા ન હોવાનું અને શરીરની રોગપ્રતિકારકશક્તિ એન્ટીબોડી પણ ખૂબ જ અનિવાર્ય હોવાનું નવું સંશોધન જાહેર થયું છે.
કોરોના જેવા લાખો વાયરસનું અસ્તિત્વ કાયમી ધોરણે સજીવ સૃષ્ટિ આસપાસ રહેલું હોય છે. નાના વાયરસ અને કોઇપણ જીવાણું શરીરની રોગપ્રતિકારકશક્તિ સામે ક્યારેય માથુ ઉંચકી શકતા નથી. ટચુકણા એવા કોરોના વાયરસએ વિશ્ર્વ આખાને બાનમાં લઇ ભયભીત કરી દીધુ હતું. સમગ્ર વિશ્ર્વએ કોવિડ-19થી બચવા માટેની તમામ ગાઇડ લાઇનનું શબ્દશ: પાલન કર્યું અને સામાજીક જાગૃતિમાં કોઇ કચાશ રાખી નથી. તેમ છતાં ફરીથી કોવિડ-19નું સંક્રમણ સામે આવી રહ્યું છે. કોરોનાની ત્રીજી જ નહિં પણ આવનારી તમામ લહેરો સામે સાંગોપાંગ ઉતારવા માટે રસીકરણને અમોઘ શસ્ત્ર માનવામાં આવે છે.
કોવિડ-19ને કે કોઇપણ વાયરસજન્ય રોગને કાબૂમાં રાખવા માટે શરીરની અંદરની એન્ટીબોડી આવશ્યક હોવાનું હવે સમજાયું છે. કહેવત છે કે આપ સમાન બલ નહિં. કોઇપણ મુશ્કેલી કે શત્રુનો મુકાબલો કરવા માટે પોતાની જ તાકાત અનિવાર્ય ગણવામાં આવી છે. આપનું બલ એટલે એન્ટીબોડી જ ગણવાની રહી. જેના શરીરમાં એન્ટીબોડી મજબૂત અને પ્રતિકારકશક્તિ વજ્ર જેવી હોય તેને કોઇપણ વાયરસની અસર થતી નથી. કોરોના કાળમાં ઘણાં એવા લોકો હતા કે જે દર્દીઓ અને સંક્રમણના માહોલ વચ્ચે રહીને પણ ક્યારેય પોઝીટીવ થયા નથી.
રસીકરણથી રોગપ્રતિકારકશક્તિનું કવચ પ્રાપ્ત થાય છે. શરીરની એન્ટીબોડીને સશક્ત રાખવા માટે રસીકરણને અસરકારક ઉપચાર ગણવામાં આવ્યું છે. લોકોમાં એન્ટીબોડીનું પ્રમાણ જેટલું વધુ હોય રોગચાળાની શક્યતા એટલી જ ઘટી જાય છે. દેશના તમામ રાજ્યોમાં અત્યારે શીરો સર્વે પર ભાર મુકવામાં આવી રહ્યો છે. જેમાં એન્ટીબોડીનું નિશ્ર્ચિત પ્રમાણ અંકાઇ જાય છે. રોગચાળાથી બચવા માટે દવા કરતા રોગપ્રતિકારકશક્તિ અને શરીરની એન્ટીબોડી જ અસરકારક ઉપચાર બની શકે છે.
માત્ર માસ્ક અને સામાજીક અંતર નહિં કોરોનાથી બચવા માટે એન્ટીબોડી પણ ખૂબ જરૂરી છે. કોરોના ફરીથી માથું ઉંચકે તો સૌથી વધુ જોખમમાં કોણ આવી શકે ? તે શીરો સર્વેમાં સ્પષ્ટ થઇ જાય છે. તેના માટે વધુ ટેસ્ટ, વધુ રસી અને સૌથી ઓછા મૃત્યુનો મંત્ર અપનાવી શરીરની એન્ટીબોડીની સાચી પરિસ્થિતિ જાણી લેવી. આવશ્યક બની છે. એન્ટીબોડી નબળી હોય તો તેને મજબૂત કરવી જોઇએ પરંતુ જો પૂરતી એન્ટીબોડી હોય ઓવર ડોઝ જેવી સ્થિતિ સર્જાઇ તો પણ મુશ્કેલી આવી શકે. આથી જ શરીરમાં એન્ટીબોડીની પરિસ્થિતિ જાણીને જ પછી ઉપચાર કરવો હિતાવહ બન્યો છે.