નબળો પ્રતિસાદ મળતા રાજ્ય સરકાર દ્વારા સતત બીજી વખત મુદ્તમાં વધારો કરાયો: આકરા નિયમોના કારણે 10 ટકા જેટલી અરજીઓ જ મંજૂર
રાજ્યભરમાં શહેરી વિસ્તારોમાં ખડકાયેલા અનઅધિકૃત બાંધકામોને નિયમીત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આકરા નિયમોના કારણે આ યોજનાને ધાર્યા પ્રતિસાદ મળ્યો નથી. આજે ઇમ્પેક્ટ ફીની મુદ્ત પૂર્ણ થાય તે પુર્વે જ રાજ્ય સરકાર દ્વારા અવધીમાં સતત બીજી વખત વધારો કરવામાં આવ્યો છે. આગામી 16મી ડિસેમ્બર સુધી હવે અનઅધિકૃત બાંધકામોને રેગ્યુલરાઇઝ કરવા માટે અરજી કરી શકાશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વ રાજ્ય સરકાર દ્વારા વટહુકમ થકી ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવા આવ્યો હતો. જેની મૂદ્ત 17મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થતી હતી. દરમિયાન નવી સરકારના ગઠન બાદ વિધાનસભાના પ્રથમ સત્રમાં ઇમ્પેક્ટ ફીના કાયદાને વિધેયકનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ મુદ્તમાં ચાર મહિનાનો વધારો કરવામાં આવ્યો હતો. 16 જૂન અર્થાત્ આજે ઇમ્પેક્ટ ફી માટે વધારો કરવામાં આવેલી મુદ્ત પૂર્ણ થઇ રહી હોય રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગઇકાલે મુદ્તમાં વધુ છ માસનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
મહાપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં મંજૂરી વિના ખડકાયેલું બાંધકામ જરૂરી ફી ભરી નિયમીત કરાવવાની અરજી 16મી ડિસેમ્બર સુધી કરી શકાશે. રાજ્યમાં છેલ્લા આઠ મહિનામાં ઇમ્પેક્ટ ફી હેઠળ માત્ર 65 હજાર અરજીઓ મળી છે. જેમાં અમદાવાદ શહેરમાં 35 હજાર, સુરતમાં 23 હજાર, રાજકોટમાં 8 હજાર અને વડોદરામાં 7 હજાર જેટલી અરજીઓ મળી છે. જે પૈકી અત્યાર સુધીમાં માત્ર 10 ટકા જેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે 20 ટકાથી વધુ અરજીઓ હજી પેન્ડિંગ છે. બાકીની અરજીઓ હાલ અલગ-અલગ તબક્કે પેન્ડિંગ છે.
કોમર્શિયલ મિલકતોમાં 50 ટકા પાર્કિંગ ખુલ્લુ હોવું ફરજિયાત હોવા સહિતના કેટલાક આકરા નિયમો હોવાના કારણે અરજીઓ મંજૂર કરવામાં આવતી નથી. આ ઉપરાંત ઇમ્પેક્ટ ફીના દર પણ આકરા હોવાના કારણે લોકોનો ખૂબ જ ઓછો પ્રતિસાદ મળી રહ્યો છે.