વધુ એક વખત એસ્ટેટ શાખા દ્વારા દબાણો હટાવવાની કામગીરી કરાઈ

જામનગર શહેરની મધ્યમાં આવેલ પ્રદર્શન ગ્રાઉન્ડમાં વરસોથી ગેરકાયદેસર ઝુંપડાઓ બાંધીને અનેક લોકો રહે છે. આ ગેરકાયદે ઝુંપડાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઘર-બાર વગરના લોકો તેમના પરિવારો સાથે અહીં વસવાટ કરી રહ્યા છે. પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળા, એક્ઝિબિશન, સર્કસ, ક્રિકેટ ટુર્નામેન્ટ, જાદુગરના શો, નવરાત્રિ જેવા આયોજનો વર્ષભર થતા રહે છે. આ આયોજનો સમયે આ ઝુંપડપટ્ટીવાળાઓનો ત્રાસ આયોજકોને કાયમ માટે સહન કરવો પડે છે. તેમાં જો વળી મુખ્યમંત્રી કે વડાપ્રધાન કક્ષાના નેતાની જાહેરસભા કે સંમેલન જેવા કાર્યક્રમો હોય ત્યારે મહાનગરપાલિકા કે વહીવટી તંત્ર દ્વારા બે-ચાર દિવસ માટે આ લોકોને ત્યાંથી દૂર કરવામાં આવે છે, પણ પછી પાછા ત્યાં ના ત્યાં જ! આ ઝુંપડપટ્ટીમાં દારૃ, જુગાર જેવી અનેક અસામાજિક અને અશોભનિય પ્રવૃત્તિઓ ચાલતી હોવાની વ્યાપક ચર્ચા થતી રહે છે. આ અંગે જાગૃત નાગરિકોની રજૂઆતો છતાં કોઈપણ અગમ્ય કારણોસર સંલગ્ન તંત્રએ તેમને અહીંથી હટાવવાની હિંમત કરી નથી! થોડા થોડા વરસે ઝુંપડપટ્ટી દૂર કરવાના ઓપરેશન થયા પણ છે, પરંતુ એ તમામ નાટક જ પૂરવાર થયા છે. કારણ કે આ ઝુંપડપટ્ટીઓ ફરીથી ત્યાં જ ખડકાય જાય છે અને એટલે જ આજે ફરીથી તેને દૂર કરવાની કાર્યવાહી કરવાની ફરજ પડી છે.

અહીં વસવાટ કરનારાઓ માટે શૌચાલય કે નહાવા ધોવાની સુવિધા નથી તેથી તળાવની પાળે આ બધી ક્રિયાઓ કરે છે. એટલું જ નહીં, આજ સુધી આ લોકો આજીવિકા માટે શું કામ-ધંધો કે મજૂરી કરે છે તે અંગે પણ કોઈએ જાણવાની દરકાર કરી નથી. એનીવે… આજે ફરીથી અંતે… જામનગર શહેરના એક માત્ર ખુલ્લા વિશાળ સરકારી મેદાન અને તેની ફરતેના આ ન્યુસન્સ, ગેરકાયદે દબાણો દુર તો થયા! આજે જે રીતે કડક કાર્યવાહી થઈ, તેવી જ કડકાઈ અહીં ફરીથી આ લોકોનો પગપેસારો ન થાય તે અંગે પણ તંત્રએ સતત સતર્ક રહેવાની જરૃર છે… નહીંતર આજની કાર્યવાહી પણ એક નાટક જ પૂરવાર થઈ રહેશે! આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ પ્રદર્શન ગ્રાઉન્ડ તથા એસ.ટી. ડેપોની પાછળની ઝુંપડપટ્ટી હટાવી દીધી છે. આ કાર્યવાહી એસ્ટેટ શાખાના અધિકારી-કર્મચારીઓ, એસ્ટેટ ઓફિસર રાજભા ચાવડા અને સુનિલ ભાનુશાળી સહિતના સ્ટાફ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.