ઈન્ડિયા બેકરી પાસેનું જુનુ મકાન તોડી ચોક પહોળો કરી શકાય કે કેમ ? ફાઈલ મંગાવતા મેયર ડો.જૈમન ઉપાધ્યાય

વિકાસ સાથે રાજકોટમાં ટ્રાફિકની સમસ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટનું ટ્રાફિક હવે અમદાવાદ અને મુંબઈ જેવું થઈ ગયું હોવાની ચર્ચા છાશવારે લોકમુખે સાંભળવા મળે છે ત્યારે મહાપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શહેરના મુખ્ય માર્ગોને પહોળા કરવામાં આવી રહ્યા છે. ટાગોર રોડને પહોળો કરવાની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે ત્યારે શહેરના હૃદય સમાન અને દિવસ દરમિયાન ત્યાં સૌથી વધુ ટ્રાફિક રહે છે તે ત્રિકોણબાગ ચોકને પહોળો કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. અહીં ઈન્ડિયા બેકરી પાસે આવેલું વર્ષો જુનું અને હાલ જર્જરીત થઈ ગયેલું મકાન તોડી રોડ પહોળો કરી શકાય કે કેમ ? તે અંગે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે ટીપી શાખા પાસેથી ફાઈલ અને અભિપ્રાય મંગાવ્યા છે. આ ઉપરાંત તોરલ એપાર્ટમેન્ટ પાસે એસબીઆઈ બેંકની બાજુમાંથી નિકળતો રસ્તો પણ પહોળો કરવાની દિશામાં કામગીરી શ‚ કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ત્રિકોણબાગ ચોકમાં સતત ટ્રાફિકની સમસ્યા રહે છે. અહીં ઈન્ડિયા બેકરી પાસે વર્ષો જુનું એક નળીયાવાળુ મકાન આવેલું છે જયાં અગાઉ પોલીસ ચોકી કાર્યરત હતી. વર્ષોથી આ બિલ્ડીંગ બંધ હાલતમાં છે અને હાલ ફુટપાથ અહીં રમકડાના સામાન્ય ધંધાર્થીઓ દિવસ દરમિયાન બેસતા હોય છે. આ મિલકત મહાપાલિકાની માલિકીની છે ત્યારે આ મકાન તોડી ત્રિકોણબાગ ચોક પહોળો કરી શકાય કે કેમ ? તે અંગેની ફાઈલ ટાઉન પ્લાનીંગ શાખા પાસેથી મંગાવવામાં આવી છે સાથો સાથ અભિપ્રાય પણ મેળવવામાં આવી રહ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે, શાસ્ત્રીમેદાન સામે આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મુખ્ય બ્રાંચની બાજુમાં એક નાની ગલી પડે છે.

સામાન્ય રીતે ખુબ જ ઓછા લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. આ ગલીની બંને બાજુ કપાત લઈ રસ્તો પહોળો કરી શકાય તેવી સંભાવના છે તેની ફાઈલ પણ ટીપી શાખા પાસેથી મંગાવવામાં આવી છે. શહેરના ભુપેન્દ્ર રોડ પર એક બિલ્ડીંગ બની રહ્યું છે જે વર્ષોથી વિવાદમાં છે. જેના કારણે રોડ પરની દુકાનો અંદર સ્વીફટ થઈ શકતી નથી. આ વિવાદનો હલ આવે તો બાલાજી મંદિર પાસે ભુપેન્દ્ર રોડ પહોળો કરી શકાય તેમ છે. આ ત્રણેય રાજમાર્ગો પહોળા કરવા માટે ટીપી શાખા પાસે વિગતો મંગાવવામાં આવી છે. જો શકય હશે તો ટુંક સમયમાં રાજમાર્ગોને પહોળા કરી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા બનતા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.