બકરી ઈદ નિમિત્તે વતનમાં જવા બાબતે ઝઘડો થતા પત્નીને દુપટ્ટાથી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી હતી
રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટમાં કાંગારૂ કોર્પોરેશન નામના કારખાનામાં નોકરી કરતા અને કારખાનાની ઓરડીમાં જ રહેતા પરપ્રાંતિય મોબીન જમીલ અહેમદ તેની પત્ની જાકીરાબાનુ ઉર્ફે ફરકીની હત્યા કરી ભાગી ગયા બાદ તેને ક્રાઈમ બ્રાન્ચ અને આજી ડેમ પોલીસે તેને યુપી જઇ ત્યાના જંગલોમાંથી ઝડપી લઇ રાજકોટ લાવ્યા છે.
વિગતો મુજબ હત્યાનો ભોગ બનનાર જાકીરાબાનુ મૂળ યુપીની રહેવાસી હતી. તેના પહેલા લગ્ન 15 વર્ષ પહેલા થયા હતા. જેના થકી 2 પુત્ર અને 3 પુત્રીની પ્રાપ્તી થઈ હતી. જોકે બાદમાં તેને સગા મામા જમીલ અહેમદના પુત્ર મોબીન સાથે પ્રેમ થઈ જતા એકાદ વર્ષ પહેલા કોર્ટમાં તેની સાથે લગ્ન કરી લીધા હતા.ત્યારબાદ મોબીન તેને લઈ રાજકોટ આવ્યો હતો. કાંગારૂ કોર્પોરેશન નામના કારખાનામાં તે નોકરી કરતો હતો. કારખાનાની ઓરડીમાં જ પત્ની જાકીરાબાનુ સાથે રહેતો હતો, જોકે બને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા જેને કારણે મોબીન કંટાળી ગયો હતો. થોડા દિવસો પહેલા બન્ને વચ્ચે બકરી ઈદ નીમીતે વતનમાં જવા બાબતે ઝઘડો થતા મોબીને ઉશ્કેરાઈ જઈ દૂપટ્ટા વડે ગળું દબાવી પત્નીની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તે ભાગી ગયો હતો.
શરૂઆતમાં તેની પત્નીના પૂરા નામની પણ પોલીસને ખબર ન હતી. યુપી સંપર્ક કરી તેનું નામ મેળવ્યું હતું બીજી તરફ મોબીન ભાગી જતા ક્રાઈમ બ્રાંચની એક ટીમ યુપીના બહરાઈચ જિલ્લામાં મોકલવામાં આવી હતી. જેના દ્વારા તપાસ કરાતા મોબીન મળ્યો ન હતો. આખરે ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે બહરાઈચના તરાઈ નામના વિસ્તારમાં આવેલા જંગલ ક્ષેત્રમાં મોબીન છુપાયેલો છે એટલું જ નહી નેપાળ ભાગી જવાની ફીરાકમાં છે. જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તેને દબોચી લીધો હતો.