હાલાર પંથકમાં જન્માષ્ટમીનો તહેવાર રક્તરંજિત બન્યો
જામનગરમાં અન્ય એક હત્યાની ઘટના : મિત્ર સાથે થયેલી નજીવી બાબતની બોલાચાલીના કારણે છરીથી ઢીમઢાળી દીધું
જેમાં જામનગર શહેર અને કાલાવડ પંથકમાં સાતમ અને નોમનાં દિવસે હત્યાની બે ઘટનાથી ભારે અરેરાટી ફેલાઈ છે.જેમાં પ્રથમ હત્યાની ઘટનામાં કાલાવડ તાલુકાના માછરડા ગામમાં ખૂની ખેલ ખેલાયો હતો. બનેવીનાં હાથે સાળાની હત્યા નિપજવાઈ હતી, જ્યારે પત્ની અને સસરા પર હુમલો કરવામાં આવ્યો હતો.જ્યારે બીજી ઘટનામાં જામનગરના સાધના કોલોની વિસ્તારમાં મિત્રના હાથે જ નજીવી બાબતે મિત્રની છરી વડે હુમલો કરી હત્યા નિપજાવાઈ હતી. જેમાં સૌપ્રથમ ઈજા થઈ હોવાનું જાહેર કરાયા પછી આખરે મામલો હત્યાનો હોવાનું સામે આવતાં પોલીસ તંત્રએ હત્યા અંગે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.જેથી તહેવારોના દિવસે હાલાર પંથક રક્તરંજિત બન્યું છે.
પ્રથમ બનાવની વિગતો મુજબ કાલાવડ તાલુકાના માછરડા ગામમાં રહેતી તૃપ્તિબાના લગ્ન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગંજેડા ગામમાં રહેતા નરેન્દ્રસિંહ ઝાલા સાથે લગ્ન થયા હતા.પરંતુ છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે અણબનાવ ચાલતો હોવાના કારણે પત્ની તૃપ્તિબા રિસાઈને પોતાના માવતરે માછરડા ગામે આવી ગઈ હતી. દરમિયાન આજે નોમના તહેવારના દિવસે પતિ નરેન્દ્રસિંહ ઝાલા માછરડા ગામે આવ્યો હતો અને તૃપ્તિબાના ભાઈ એટલે કે પોતાના સાળા ઇન્દ્રજીતસિંહ શક્તિસિંહ જાડેજા ઉપર હુમલો કરીને છરીના આડેધડ ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ થઈને ઢળી પડયો હતો. આ વેળાએ સસરા શક્તિસિંહ જાડેજા તેમજ પત્ની તૃપ્તિબા ઝાલા છોડાવવા માટે વચ્ચે પડયા હતા. જેથી હુમલામાં તેઓ પણ ઇજાગ્રસ્ત બન્યા હતા અને લોહીલુહાણ થયા હતા.
આ સમગ્ર ઘટના પછી કાલાવડ ગ્રામ્યના પીએસઆઇ એચ. વી. પટેલ સૌપ્રથમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યારે એલસીબીની ટીમ પણ બનાવના સ્થળે તેમજ જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચી હતી. જ્યાં સારવાર અર્થે આવેલા તૃપ્તિબા ઝાલા અને તેના પિતા શક્તિસિંહ જાડેજાનાં નિવેદનો નોંધ્યા હતા. જ્યારેઈજાગ્રસ્તનું ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યાનું જાહેર કર્યું હતું.સમગ્ર મામલે પોલીસે આરોપી નરેન્દ્રસિંહ ઝાલા સામે હત્યા અંગેનો ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી હતી. આ બનાવને લઈને નાના એવા માછરડા ગામમાં ભારે અરેરાટી ફેલાઈ છે. જ્યારે બીજા બનાવમાં જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા આસિફ અજીતભાઈ મન્સૂરી નામના યુવાન પર તેના જ મિત્ર અબ્દુલ વલીભાઈ તાયાણી નામના શખ્સે સામાન્ય બોલા ચાલી બાદ છરી વડે હુમલો કર્યો હતો. જેથી તેને ગંભીર હાલતમાં સૌપ્રથમ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેને પડી જવાના કારણે ઈજા થઈ હોવાનું જાહેર કરાયું હતું અને પ્રાથમિક સારવાર આપ્યા પછી ફરીથી ઘેર લઈ જવાયો હતો. દરમ્યાન ઘરે પરત લઈ આવ્યા પછી આસિફ મનસુરીની તબિયત લથડતાં તેને ફરીથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું અને પડી જવાથી ઇજાના કારણે મૃત્યુને બદલે તેને છરીનો ઘા લાગ્યો હોવાથી મૃત્યુ થયાનું કારણ આપ્યું હતું. આ સમગ્ર મામલો પોલીસને જાણ થતાં મૃતકના સંબંધી પોરબંદરમાં રહેતા અખ્તરભાઈ શકુરભાઈ પીપરવાડિયાનું નિવેદન લેવાયું હતું. જેના નિવેદનમાં બે મિત્રો વચ્ચેના ઝઘડામાં અબ્દુલ વલીભાઈ દ્વારા આશિફ મન્સૂરી પર છરી વડે હુમલો કરી તેની હત્યા નિપજાવી હોવાનું જાહેર કર્યું હતું. સમગ્ર બનાવને ધ્યાને લઈને સીટી એ-ડિવિઝનના પીઆઇ એમ. જે. જલુએ અબ્દુલ વલીભાઈ તાયાણી સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે.