જામનગરના એક મહિલા તબીબ-યોગા શિક્ષકે પતિ તથા સાસુ-સસરાના ત્રાસથી આઠ મહિના પહેલા ઘર છોડવું પડયું હતું તે દરમ્યાન પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતા પુત્રનું મ્હોં જોવા ગયેલા મહિલા તબીબને પતિ, સાસુએ માર માર્યાે હતો. આ વેળાએ ઝપાઝપીમાં મોટરના ફૂટેલા કાચથી તબીબને ઈજા થયા પછી અઢાર ટાંકા આવ્યા હતા. આ બાબતની ફરિયાદ કરવા મહિલા પોલીસ સ્ટેશન ગયેલા મહિલાને બે દિવસ સુધી ધક્કા ખવડાવાતા તેણીએ એસપીને રજૂઆત કરી હતી. એસપીએ તાત્કાલિક અસરથી મહિલા પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા છે અને ભોગ બનનારની ફરિયાદ નોંધવાનો આદેશ કર્યાે છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૬માં રહેતા અને આયુર્વેદિક તબીબ તેમજ યોગા શિર્ષક તરીકે સેવા આપતા પૂનમબેન વિઠ્ઠલભાઈ રંગોલિયાના લગ્ન નવ વર્ષ પહેલા જામનગરની ખોડિયાર કોલોની પાસે આવેલી ન્યુ આરામ કોલોનીમાં રહેતા અને જામનગરના એસ.ટી. રોડ પર સિદ્ધિ વિનાયક કોમ્પલેક્ષમાં ફિઝિયોથેરાપીસ્ટ તરીકે કામ કરતા ડો. ચિરાગ વેલજીભાઈ બાબરિયા સાથે લગ્ન થયા હતા. આ દંપતીને લગ્નજીવન દરમ્યાન પુત્ર ઓમની પ્રાપ્તિ થઈ હતી.
ત્યાર પછી થોડા વર્ષાે વિત્યે પતિ ચિરાગ બાબરિયાએ તેણીને જુદા જુદા કારણસર ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું અને તે દરમ્યાન જ ચિરાગને એક અન્ય સ્ત્રી સાથે સંબંધો બંધાયા હતા જેની પૂનમબેનને જાણ થતા વિખવાદ જન્મ્યો હતો તે બાબતથી ડો. પૂનમે હાલમાં ભુજની કલ્યાણેશ્વર સોસાયટીમાં રહેતા સસરા વેલજીભાઈ લખમણભાઈ બાબરિયા અને સાસુ હંસાબેનને વાકેફ કર્યા હતા પરંતુ તે અંગે પુત્રને ઠપકો આપવાને બદલે સાસુ-સસરાએ પણ પુત્રનો સાથ આપ્યો હતો.
આ મુદ્દે છેલ્લા બે વર્ષથી મનમુટાવ વકર્યાે હતો, પતિ ચિરાગે પૂનમબેન સાથે પત્ની તરીકેના સંબંધો પૂર્ણ કરી મારકૂટ આરંભી હતી. રોજેરોજ વધતા જતા ઝઘડા વચ્ચે પતિ ચિરાગે પુત્રને પોતાની પાસે રાખી લઈ આઠેક મહિના પહેલા પૂનમબેનને ઘરમાંથી કાઢી મૂક્યા હતા જેની પૂનમબેનના પિતાને જાણ થતા તેઓએ વચલો રસ્તો કાઢી પૂનમ અને ચિરાગને છ મહિના અલગ રહ્યા પછી શું કરવું? તે નક્કી કરવાનો તોડ કાઢયો હતો જેના પગલે ચિરાગે ઓમને પોતાની પાસે રાખી ભુજ રહેતા માતા-પિતાને ત્યાં મોકલી આપ્યો હતો.
આઠ મહિનાથી પોતાના પુત્રનું મ્હોં જોવા માટે તલસતા પૂનમબેન ગયા મંગળવારે સાંજે પતિના ઘેર પહોંચ્યા હતા જ્યાં બન્ને વચ્ચે થયેલી બોલાચાલી દરમ્યાન હાથહપાઈ જતાં ચિરાગની મોટરનો કાચ તૂટયો હતો તે કાચ પૂનમબેનના જમણા હાથમાં ઘૂસી જતાં તેણીએ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. ઈજાના કારણે તેણીને અઢાર ટાંકા લેવા પડયા છે. આ બાબતની ફરિયાદ કરવા માટે મંગળવારે સાંજે જ પૂનમબેન મહિલા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા, પરંતુ પોલીસ સ્ટેશનમાં હાજર મહિલા એએસઆઈ અસ્મિતાબેન નિમાવતે તેઓની ફરિયાદ લીધી ન હતી અને બીજા દિવસે આવવાનું કહ્યું હતું.
આથી બુધવારે ફરીથી પોલીસ સ્ટેશન ગયેલા પૂનમબેનની ત્યારે પણ ફરિયાદ નહીં લેવાતા નાસીપાસ થયેલા પૂનમબેન પટેલે બુધવારે સાંજે પોતાના ફેસબુક એકાઉન્ટ પર વિતક રજૂ કરી હતી.
ઉપરોક્ત બાબત બુધવાર રાત સુધીમાં ઈન્ટરનેટ પર ભારે વાયરલ થવા પામી હતી. પૂનમબેને પોતાના પર થયેલા સિતમની વિગતો રજૂ કરતા સંખ્યાબંધ લોકોએ તેણીના એકાઉન્ટ પર કોમેન્ટ કરી વિતકને શેર કરી હતી ત્યાર પછી ગઈકાલે જિલ્લા પોલીસવડા પી.બી. સેજુળને મળી પૂનમબેને રજૂઆત કરતા અને મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ ફરિયાદ ન નોંધતા હોવાનું કહેતા ચોંકી ઉઠેલા એસપી સેજુળે તાત્કાલિક આ મહિલા એએસઆઈને સસ્પેન્ડ કરવાનો હુકમ છોડયો હતો અને પૂનમબેનની ફરિયાદ નોંધવા માટે સૂચના આપી હતી.
સૂચનાથી ગઈકાલે સાંજે ચાર વાગ્યે પૂનમબેનની ફરિયાદ પરથી મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ ચિરાગ, સાસુ હંસાબેન, સસરા વેલજીભાઈ બાબરિયા સામે આઈપીસી ૪૯૮ (એ), ૩૨૩, ૫૦૪, ૧૧૪, દહેજ પ્રતિબંધક ધારાની કલમ-૪ હેઠળ ગુન્હો નોંધાયો છે જેમાં પૂનમબેને કેફિયત આપી છે કે, તેણીના લગ્નજીવનના છેલ્લા બે વર્ષ દરમ્યાન પતિએ અન્ય સ્ત્રી સાથે સંબંધ કેળવી પુત્રની હાજરીમાં શરાબ પીવાનું શરૃ કર્યું હતું તેમજ આ બાબતનો વિરોધ કરતા પત્નીને જેમ તેમ બોલી મારકૂટ શરૃ કરી હતી. આ કૃત્યમાં સાસુ-સસરા પણ પતિનો સાથ આપતા હતા, પતિને અન્ય સ્ત્રી સાથેના સંબંધોની જાણ થતા પુત્રને મળવા ગયેલા પત્નીને મળવા ન દઈ તેણીને પતિ તથા સાસુએ ઢીકાપાટુનો માર માર્યાે હતો તેમજ કરિયાવરમાં ફર્નિચર લઈ આવવાની માગણી કરી હતી.
આ બનાવની મહિલા પોલીસ સ્ટેશનમાં પીઆઈ આર.જે. પાંડોરે તપાસ હાથ ધરી છે. ફરિયાદીની ફરિયાદ નોંધવામાં મહિલા પોલીસકર્મીએ કરેલા ઠાગાઠૈયાથી આકરા પાણીએ આવેલા પોલીસવડાએ તેણીને સસ્પેન્શન પકડાવ્યાનો અહેવાલ ફરી વળતા પોતાની ફરજમાં બેદરકાર રહેતા કર્મચારીઓમાં પણ લખલખું પ્રસર્યું છે.
ફરિયાદી મહિલા હોવા છતાં વુમન એએસઆઈએ ન દાખવી સંવેદના!!
જામનગરમાં થોડા દિવસો પહેલા ભારતીય ક્રિકેટ સ્ટારના પત્નીની મોટર સાથે અથડાયેલા પોલીસકર્મીના બાઈકના મામલામાં પોલીસકર્મીએ સ્ત્રી પર હાથ ઉગામી પ્રબુદ્ધ સમાજને ચોંકાવ્યો હતો તે કિસ્સામાં પોલીસકર્મી સામે સખત કાર્યવાહી કરવા માટે ઉચ્ચસ્તરેથી આદેશો છૂટયા હતા અને બનાવના બીજા દિવસે મુખ્ય પોલીસ અધિકારીની કચેરીએ રાજ્યના તમામ જિલ્લાઓની પોલીસને પોતાનું વર્તન સુધારવા અને ખાસ કરીને મહિલાઓ સાથેના પોલીસના વર્તનને આદર્શ બનાવવા માટે સૂચના પણ આપી હતી.
ત્યાર પછી ગયા મંગળવારે જ્યારે ડો. પૂનમ પટેલ પોતાના પતિ સામે પોલીસમાં ફરિયાદ કરવા ગયા ત્યારે મહિલા પોલીસ સ્ટેશનના વુમન એએસઆઈએ તેણીની ફરિયાદ નહીં નોંધી થોડા દિવસો પહેલા જ આવેલા આદેશની અવગણના કરી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. જો કે, એસપી સમક્ષ પહોંચેલા ઉપરોક્ત મામલામાં તે એએસઆઈ સસ્પેન્શન પામ્યા છે.
જે દિવસે ક્રિકેટ સ્ટારના પત્ની સાથે નિર્લજ્જ હુમલાનો બનાવ બન્યો હતો ત્યારે જ જામનગરના પ્રબુદ્ધ સમાજમાં ચર્ચા ઉઠી હતી કે, અન્ય કોઈ મહિલા સાથે આ પ્રકારનો બનાવ બન્યો હોત તો પોલીસે શું આટલી ત્વરાએ કામગીરી કરી હોત? તે પ્રશ્ન વહેતો થયા પછી પણ બે દિવસ સુધી જ્યારે ડો. પૂનમ પટેલે પોતાની ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા ત્યારે ફરજ પરના એએસઆઈ કે જેઓ પોતે પણ મહિલા જ છે તેઓએ કોઈપણ પ્રકારની સંવેદના દાખવ્યા વગર ફરિયાદીને ધક્કા ખવડાવતા ફરીથી ઉપરોક્ત પ્રશ્ન ચર્ચામાં આવ્યો છે.